लेखक की और रचनाएं

SIMILAR TOPIC WISE

Latest

પાણી...આપણે અને પશુ-પક્ષીજગત

Author: 
વિનીત કુંભારાણા
ઉનાળો એટલે ધોમધખતા તાપ અને તરસથી છલકાતી મોસમ. વસુંધરા ઉપર મહાલતો એક પણ સજીવ પાણી વગર રહી શકે નહી. આજે પરિસ્થિતિ એવી છે કે, માનવજાતને પણ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડે છે. પાણીને કારણે અનેક જગ્યાએ ઝઘડા પણ થાય છે! ઘણીવાર પ્રશ્ન થાય કે, દુર્ગમ વન વિસ્તાર કે વગડાઓમાં અબોલ પશુ પક્ષીઓ પોતાની પાણીની તરસ કેવી રીતે છીપાવતા હશે?!....પણ આપણે આપણી પાણીની પળોજળમાંથી મુકત થઇએ તો અબોલ પશુ-પક્ષીઓનો વિચાર કરીએ. ખેર, આજના સંજોગો પ્રમાણે પાણી દરેક સજીવ માટે પ્રાણપ્રશ્ન બની ગયો છે.

માનવ સહિત એકેય સજીવ પાણી વગર રહી શકતો નથી. કદાચ ખોરાક ન મળે તો ચાલે પણ પાણી તો થોડાક કલાકોના અંતરે જોઇએ જ! એમાંય ઉનાળામાં આ જરૂરિયાત ખૂબ જ વધી જાય છે. આવું શા માટે થાય છે? વિગતવાર સમજીએ તો માનવશરીરમાં પાણીનો ૨૦% જથ્થો ઘટી જાય ત્યારે શરીરની જૈીવક પ્રક્રિયાઓમાં વિક્ષેપ પડે છે અને તેને કારણે માનવ મૃત્યુ પણ પામે! હકીકતમાં પાણી સજીવના જીવન માટે એટલું અગત્યનું છે કે, બ્રહ્માંડમાં જયાં પાણી નથી ત્યાં કમ સે કમ વસુંધરા જેવી સજીવસૃષ્ટિ તો આકાર ન જ પામે. વસુંધરાનો આદિ સમુદ્ર તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વસુંધરા ઉપર પ્રથમ સજીવ આદિ સમુદ્રમાં ઉત્પન્ન થયો હતો. કાળક્રમે તેમાં ફેરફારો થયા અને તે જમીન ઉપર આવ્યો. જયારે ૩.૫ અબજ વર્ષ પહેલા પ્રથમ સજીવ સમુદ્રમાં જળસપાટી નીચે ઉત્પન્ન થયો તેનું મુખ્ય કારણ એ હતું કે, સૂર્યના પારજાંબલી કિરણો ત્યાં પહોચી શકતા ન હતા. જોકે પાણીમાં ઉત્પન્ન થયેલો સજીવ જમીન ઉપર આવ્યો તેના મૂળભૂત બે કારણો છે: એક, પાણીનું તારકબળ ગુરુત્વાકર્ષણની અસરને હળવી કરી નાખતું હતું એટલે કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટિન રચવા માટે તેમના કાર્બન, હાઇડ્રેટ, ઓકિસજન વગેરે ઘટક તત્વો જમીન સાથે જકડાઇ રહે તેવી સ્થિતિ પાણીમાં ન હતી. વિવિધ ઘટકો એકબીજા સાથે મુકત રીતે એકબીજાની નજીક આવીને રાસાયણિક ક્રિયા રચી શકે તેમ ન હતા. બીજું એ કે, ખોરાકના પોષક તત્વોને કોષો સુધી પહોચાડવા માટે અને કોષોમાં તૈયાર થયેલી શકિતઓને શરીરના વિવિધ ભાગો સુધી પહોચાડવા માટે પાણીની જરૂરિયાત હતી. સમુદ્રમાં પાણી સહેલાઇથી મળી રહેતું હતું પણ જમીન ઉપર આવતાં પહેલા સજીવે પોતાના શરીરમાં પાણીનો અમુક જથ્થો કાયમી 'સ્ટોર" કરવું જરૂરી હતું, એટલે સમય જતાં ગરમ લોહીવાળા સજીવોમાં પાણીનું નિયમન કરતું ચેતાતંત્ર પેદા થયું. આ ચેતાતંત્ર એટલે મગજનું હાઇપોથેલામસ કે જે વખતોવખત સજીવોને તરસ લગાડે અને સજીવ પૂરતાં પ્રમાણમાં પાણી ન પીએ ત્યાં સુધી એ સજીવને પાણીની તરસનો અહેસાસ કરાવે રાખે. માનવશરીરની વાત કરીએ તો માનવશરીરમાં તેના વજનના પ્રમાણમાં ૬૫% પાણી હોવું જરૂરી છે. જો તેમાં ઘટાડો થાય તો તરસ લાગે અને વધારો થઇ જાય તો મુત્ર દ્વારા વધારાનું પાણી શરીરમાંથી બહાર કાઢી નાખવામાં આવે. માનવશરીરને જેમ ૬૫% પાણીનું પ્રમાણ જાળવવું પડે તેમ શરીરનું તાપમાન ૩૭ ડીગ્રી સેલ્શિયસ(૯૭ ડીગ્રી ફેરનહીટ) પણ જાળવી રાખવું જરૂરી છે, કેમ કે આ તાપમાનનો સીધો સંબંધ પાણીની તરસ સાથે છે. શીયાળાની ઋતુમાં શરીરનું તાપમાન ઘટે એટલે શરીર આપમેળે ધ્રુજારી ઉત્પન્ન કરી ઘર્ષણ દ્વારા આ તાપમાનને સંતુલીત કરવાની કોશીષ કરે અને ઉનાળામાં શરીરનું તાપમાન વધે ત્યારે પરસેવો થાય છે અને બાષ્પિભવન દ્વારા શરીરમાંથી પાણીનો વ્યય થાય છે. પાણીની આ માત્રાને સરભર કરવા માટે શીયાળાની સરખામણીએ ઉનાળામાં તરસ વધારે લાગે છે. આ ઉપરાંત શરીરનું તાપમાન ૩૭ ડીગ્રી સેલ્શિયસ રહેવાથી ચયાપચયની ક્રિયા ઝડપથી થાય છે અને શરીરના હલનચલનમાં સ્ફૂર્તિ જોવા મળે છે. આવો લાભ ઠંડા લોહીવાળા સરિસૃપોને મળી શકતો નથી માટે આવા સજીવો હંમેશા શરીરને ગરમાટો મળતો રહે એવી જગ્યાએ રહેતા હોય છે.

તરસ લાગે ત્યારે પાણી પી લેવાનું માનવ માટે સરળ છે પણ કુદરતના ખોળે મહાલતાં પશુ-પક્ષીઓને પાણીનું એકાદ ટીંપુ મેળવવા માટે કયારેક હજારો કિલોમીટરની યાત્રા કરવી પડતી હોય છે.(કુદરત પણ અજબ-ગજબના ખેલ કરે છે)આવા સંજોગોમાં પાણીની સતત અછતવાળા પ્રદેશોમાં અમુક સજીવોએ પાણી વગર જીવતા શીખી લીધું છે. ઓસ્ટ્રેલિયાનું 'કોઆલા બેર" આ વર્ગમાં આવતું 'ટેડી બીયર" છે. ઓસ્ટ્રેલિયાની મૂળ આદિવાસી પ્રજાઓની ભાષામાં કોઆલા શબ્દનો અર્થ પાણી ન પીતું પ્રાણી થાય છે. ઓસ્ટ્રેલિયાનો ઉનાળો કચ્છની માફક આકરો હોય છે. કોઆલા બેર મોટેભાગે નીલગીરીના વૃક્ષ ઉપર જ રહે છે અને તેના પાંદડાઓ ખાયને જીવન વિતાવે છે. કોઆલા બેર પોતાના જમવાનો કાર્યક્રમ વહેલી સવારે રાખે છે માટે પાંદડાઓ ઉપર આખી રાત દરમિયાન જમા થયેલો ભેજ પણ તે પાંદડાઓની સાથે આરોગી જાય છે. જમવાના કાર્યક્રમ બાદ આખા દિવસ દરીમયાન મોટેભાગે તે નિદ્રાવસ્થામાં હોય છે એટલે પાણીની તરસ લાગવાનો સવાલ ઊભો થતો નથી. કોઆલા બેર ભાગ્યે જ નીલગીરીના વૃક્ષ ઉપરથી નીચે ઉતરીને નદી કે તળાવોનું પાણી પીએ છે! અમેરિકા-મેકિસકોના રેગિસ્તાનમાં રહેતાં 'કાંગુરૂ રેટ"ને પણ પાણીના સ્વાદની ખાસ કંઇ ખબર નથી. આશરે ૨૦ સેન્ટિમીટર લાંબી પૂંછ ધરાવતાં આ ઉંદરો જીંદગીભર પાણી વગર ચલાવી લે છે પણ મૂળભૂત રીતે પાણી વગર જીવન શકય નથી એટલે આ ઉંદરો પોતાના ખોરાકને ભેજવાળો બનાવીને આરોગે છે. મોટેભાગે દિવસ દરમિયાન આ ઉંદરો રણની રેતીની અંદર ઊંડા દરો બનવીને પડયા રહે છે. રણમાં રાત્રી થતાં શીતળતા ફેલાતાં ખોરાક મેળવવા માટે આ ઉંદરો બહાર નીકળે છે. વનસ્પતિઓના બીજ ઠળિયા કે ડાળીઓને એકઠી કરીને તેને પોતાના ઊંડા દરમાં સંઘરી રાખે છે. દિવસ દરમિયાન રણમાં આશરે ૪૪ ડિગ્રી સેલ્શિયસ તાપમાન હોય છે જે રાત્રે ઉંદરોના દરમાં આ તાપમાન ૩૩ ડીગ્રી સેલ્શિયસ જેટલું હોય છે જે ભેજવાળું વાતાવરણ કહી શકાય. આ ખોરાક જમીન અને હવામાં રહેલા આ ભેજને ગ્રહણ કરે છે. આ રીતે ભેજવાળો ખોરાક આ ઉંદરો ખાય છે. કાંગારૂ રેટની એક વિશેષતા એ છે કે તેને પરસેવાની ગ્રંથી નથી માટે પરસેવા દ્વારા પાણીનો વ્યય થવાનો પ્રશ્ન રહેતો નથી આ ઉપરાંત ઉચ્છવાસ દ્વારા ભેજ સ્વરૂપે પાણી બહાર ન જાય એ માટે નાકમાં શ્વાસને ઠંડો પાડવાની કુદરતી વ્યવસ્થા છે. દિવસ દરમિયાન કાંગારૂ રેટ મુત્ર દ્વારા પાણીના એકાદ-બે ટીંપા બહાર કાઢે છે. પાણીની જો આવી કરકસર હોય તો પાણીની તરસ ન લાગે તે સ્વાભાવિક છે.

પક્ષીજગતમાં પણ પાણીની મહત્તા જોવા મળે છે. 'ભાતતેતર" નામનું પક્ષી નદી તળાવમાં પાણી પીને પોતાના પીંછાઓને પાણીમાં ઝબોળીને રાખે છે. આ પીંછામાં સારૂ એવું પાણી શોષાય છે. ત્યારબાદ ભાતતેતર પોતાના માળા તરફ પ્રયાણ કરે છે. પાણી તેના પીંછાઓના આંતરિક ભાગમાં હોવાથી બાષ્પિભવન ઓછું થાય છે. માળામાં રહેલા બચ્ચા માતા-પિતાના પીંછાઓમાં પોતાની ચાંચ ઘુસાડીને પાણી ચૂસી લે છે. એ જ પ્રમાણે 'ટીટોડી" પણ પોતાના પીંછામાં ૪૦ એમ.એલ. જેટલું પાણી સંઘરી શકે છે. 'જળકુકડી" અને 'જંગલી કાગડો" પાણીના સંગ્રહ માટે પોતાની ચાંચનો ઉપયોગ કરે છે. કેટલાક પક્ષીઓ નદી તળાવના પાણીને સીધું જ પમ્પિગ કરીને પી શકે છે જયારે કેટલાક પક્ષીઓ પહેલા પાણી ચાંચમાં ભરીને પછી ડોક ઊંચી કરીને તેને અન્નનળીમાં ઠાલવે છે. આમ કરવાનું કારણ એ છે કે, તેમના ગળાના સ્નાયુઓ પાણીને સીધું જ ખેંચી શકવાની ક્ષમતા ધરાવતા નથી. ધ્રુવપ્રદેશોમાં પાણી પ્રવાહી સ્વરૂપે મળે નહી માટે ત્યાંના ભૂચર સજીવો પાણીની તરસ લાગે ત્યારે સીધા જ બરફના ગાંગડા આરોગી લે છે જયારે આકાશમાં વિચરતાં પક્ષીઓ હિમવર્ષા થાય ત્યારે હિમકણોને સીધા પોતાની ચાંચમાં પકડી લે છે. દરિયાઇ જળચરોને મીઠું પાણી મળવું સંભવ નથી આથી તેઓ ખારૂં પાણી પીએ છે. 'આલ્બાટ્રોસ" જેવા સમુદ્રી પક્ષીઓના શરીરમાં કુદરતે 'ડીસેલીનેશન પ્લાન્ટ" જેવું નાનકડું યુનિટ ગોઠવેલું છે જે પાણીમાંથી મીઠા(નમક)ને અલગ તારવી નાક દ્વારા શરીરની બહાર કાઢી દે છે. આ જ પ્રકારની રચના 'દરિયાઇ કાંચીડા"ના શરીરમાં છે.

વસુંધરાનું સર્જન કરનારાએ વસુંધરા ઉપર અજબ-ગજબની અજાયબીઓ ઉત્પન્ન કરેલી છે જે માનવજાતને કંઇકને કંઇક પ્રેરણા સતત આપે છે. અબોલ પશુ-પક્ષીઓની જેમ માનવજાત પણ પાણીનું મહત્વ સમજીને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો જીવન સરળ બની શકે!

વિનીત કુંભારાણા

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
यह सवाल इस परीक्षण के लिए है कि क्या आप एक इंसान हैं या मशीनी स्वचालित स्पैम प्रस्तुतियाँ डालने वाली चीज
इस सरल गणितीय समस्या का समाधान करें. जैसे- उदाहरण 1+ 3= 4 और अपना पोस्ट करें
3 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.