लेखक की और रचनाएं

SIMILAR TOPIC WISE

Latest

રામસર સાઇટ તરીકે ગુજરાતનું સંભવીત પ્રથમ સરોવર-નળ સરોવર

Author: 
વિનીત કુંભારાણા
નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના અમદાવાદ જિલ્લામાં આવેલું એક અદ્‌ભૂત સરોવર છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે ૧૨૦ ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી ગુજરાત રાજયના વન વિભાગની છે. અમદાવદ શહેરથી નળ સરોવર ૬૨ કિ.મી. દૂર આવેલું છે. નળ સરોવરનો વિસ્તાર ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાળવાળો વિસ્તાર છે આથી તે દરિયા સાથે જોડાયેલો વિસ્તાર હોવો જોઇએ. નળ સરોવર યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફલેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની માહિતી મેળવે છે.

NAL SAROVARNAL SAROVAR ચોમાસા અને શિયાળાની ઋતુમાં નળ સરોવરનું પાણી એકદમ શુદ્ઘ હોય છે અને તે પીવાલાયક હોય છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં સરોવરમાં પાણી ઘટવા માંડે છે અને સ્વાદમાં પાણી ખારું થઇ જાય છે. જયારે પાણી સુકાય જાય છે ત્યારે સરોવરની સપાટી ઉપર મીઠા(નમક)ના કણોની પોપડીઓ જોવા મળે છે. આ સરોવરમાં આશરે ૩૫૦ નાના-મોટા ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ ઉપર ઘાસ ઉગે છે. આસપાસના વિસ્તારના લોકો પોતાના ઢોરને ચરાવવા માટે આ ટાપુઓ ઉપર લઇ આવે છે. આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી તેમાં પુષ્કળ માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે આથી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે. ઇરાન અને અફઘાનિસ્તાનથી પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે. પક્ષીઓનું પ્રમાણ આ સરોવરમાં વધારે હોવાથી પક્ષીવિદો માટે આ સરોવર એક તીર્થ સમાન છે. પક્ષી અભયારણ્ય નળ સરોવરની આસપાસના વિસ્તારોને 'ઇકો ફ્રેજાઇલ ઝોન" તરીકે જાહેર કર્યા બાદ ભારત સરકારના વન વિભાગ અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાતના બાવીસમાંથી વધુ બીજા છ અભયારણ્યની વર્તળાકારે ૫.૫ કિ.મી. સુધીના વિસ્તારને ઇકો ફ્રેજાઇલ ઝોન તરીકે જાહેર કર્યો છે. આ કારણોસર અહી હવે કોઇપણ પ્રકારની વ્યાપારિક કે પર્યાવરણને નુકશાનકર્તા પ્રવૃતિ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે.

ભારતની વિરાસત અને સંસ્કૃતિ અંગેનું એક મ્યુઝિયમ ટુંક સમયમાં નળ સરોવર ખાતે બનાવવામાં આવશે. અમદાવાદના શ્રી સરસ્વતી હેરિટેજ ફાઉન્ડેશનને ઔડા સાથે રૂપિયા ૫૦ કરોડના એમ.ઓ.યુ. ઉપર સહી-સિક્કા કર્યા છે. આ મ્યુઝિયમમાં ભારતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રમાં તાલિમ અને સંશોધનની તક પૂરી પાડશે. મ્યુઝિયમમાં ૧૩ ગેલેરી બનાવવામાં આવશે જેમાં આર્કિટેકચર, સ્થાપત્ય અને નગર નિયોજન, દરિયાઇ વ્યાપાર, વહાણવટું, ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ધાતુશાસ્ત્ર, કૃષિ તેમજ પશુપાલન, ભાષા અને લિપિ, સાહિત્ય, કાપડ, ઝવેરાત, આયુર્વેદ, યુદ્ઘશસ્ત્રો અને યુદ્ઘકળાનું વિજ્ઞાનમ ભૂમિ-જળ સંરક્ષણ જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત નળ સરોવરના પક્ષી અભયારણ્યમાં આવતાં પક્ષીઓ સંબંધિત સંશોધન માટેની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં ખંડો, સામૂહિક નિવાસ તથા મિટીંગ માટે કોન્ફરન્સ હોલ અને પ્રેઝન્ટેશન માટે વિડિયો રૂમની સુવિધા પણ ઉપલબ્ધ હશે. મ્યુઝિયમની પ્રાથમિક કામગીરી વર્ષ ૨૦૧૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

જોકે નળ સરોવરની આસપાસ થઇ રહેલો વિકાસ તેના પર્યાવરણીય સંતુલનને જોખમી હોય, સરકાર અગમચેતીના પગલાઓ લે તે વ્યાજબી કહેવાય! આ માટે સરકારે કડક નીતિ અપનાવીને કોર્પોરેટ અને રિયલ એસ્ટેટનો વિકાસ કરનારાઓને મર્યાદામાં રાખવા જોઇએ. માનવજાતે એ સમજી લેવું જરૂરી છે કે, નળ સરોવર પ્રથમ યાયાવર પક્ષીઓનું રહેઠાણ છે. આપણા રહેઠાણમાં કોઇ ચંચુપાત કરે તે આપણને ગમતું ન હોય તો અબોલ પક્ષીઓને પણ પોતાની દુનિયામાં કોઇ ચંચુપાત કરે તે ગમતું ન જ હોય તે સ્વભાવિક છે.

નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે સારામાં સારી રીતે વિકસાવી શકાય પણ એ માટે સરકાર અને પર્યાવરણ વિશેષજ્ઞોએ ખાસ સંશોધન અને કડક કાર્યવાહી કરવી પડે. નળ સરોવરની આસપાસ વિપુલ પ્રમાણમાં નવા ઉદ્યોગો આવી ચડે અને તેમને વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર પડે ત્યારે તે નળ સરોવર ઉપર આધાર રાખે તો નળસરોવરમાં રહેતાં જળચરો નાશ પામે. આ જળચરો નાશ પામે તો એના ઉપર નભતાં યાયાવર પક્ષીઓ પણ આવતાં બંધ થઇ જાય. આવી સ્થિતિમાં સરકારે નળ સરોવરની આસપાસનો અમુક વિસ્તારને બાંધકામ પ્રતિબંધિત કરવો જોઇએ. રામસર કન્વેનશન ઓન વેટલેન્ડની વ્યાખ્યા પ્રમાણે ગુજરાતનું આ નળ સરોવર રામસર સાઇટ તરીકે વિશ્વસ્તરે ખ્યાતી પામી શકે તેમ છે. આ માટે રામસર કન્વેશન ઓન વેટલેન્ડના નિયમોનુસાર તેનું જતન કરવું જરૂરી બને છે હાલમાં ગુજરાત રાજય સરકાર દ્વારા નળ સરોવરને રામસર સાઇટ તરીકે જાહેર કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

વિનીત કુંભારાણા

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
यह सवाल इस परीक्षण के लिए है कि क्या आप एक इंसान हैं या मशीनी स्वचालित स्पैम प्रस्तुतियाँ डालने वाली चीज
इस सरल गणितीय समस्या का समाधान करें. जैसे- उदाहरण 1+ 3= 4 और अपना पोस्ट करें
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.