लेखक की और रचनाएं

SIMILAR TOPIC WISE

Latest

અડીકડી વાવ ને નવઘણ કુવો જે ન જુએ તે જીવતો મૂઓ...!!!

Author: 
વિનીત કુંભારાણા
GIRNARGIRNARજુનાગઢ એટલે સંતોની ભૂમિ! હિમાલયનો પણ પિતામહ ગરવો ગિરનાર ત્યાં વસે છે. સૌરાષ્ટ્રના વિસ્તારના જુનાગઢના જ વતની અને લોકડાયરા માટે સુપ્રસિદ્ઘ ભીખુદાનભાઇ ગઢવી કહે છે કે, 'દુનિયાનો નકશો તમે જોશો તો તેમાં હૃદય સ્થાને ભારત છે. ભારતનો નકશો જોશો તો તેમા હૃદય સ્થાને ગુજરાત છે. ગુજરાતનો નકશો જોશો તો તેમાં હૃદય સ્થાને સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રનો નકશો જોશો તેમાં હૃદય સ્થાને ગિરનાર છે." અદ્‌ભૂત નિરિક્ષણ....!!! સંતો અને સાધુઓને સાધના કરવા માટે ગિરનાર આ જગતમાં શ્રેષ્ઠ સ્થળ છે. જુનાગઢ નસીબદાર છે કે, તેની પાસે ગિરનાર છે. ગિરનારનું પૌરાણિક નામ એટલે રૈવતગિરી...કોઇપણ વ્યકિત જુનાગઢ આવે એટલે ગિરનાર, દાતાર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, દરબારગઢ અને ઉપરકોટનો કિલ્લો અચૂક જોવા જાય. ઉપરકોટના કિલ્લામાં આવેલી અડીકડી વાવ અને નવઘણ કુવા માટે લેખના શિર્ષકમાં મૂકેલી ઉકતિ પ્રચલિત છે.

જુનાગઢ એટલે બાબી વંશનું રજવાડું. લગલગાટ ૨૦૦ વર્ષ સુધી બાબી વંશએ જુનાગઢ ઉપર રાજ કર્યુ. હિંદુસ્તાનને આઝાદી મળી એ પહેલા અનેક નાના-મોટા રજવાડા હતા. કાઠિયાવાડમાં કુલ ૨૦૨ રજવાડા હતા. આ દરેક રજવાડા અંગ્રેજોનું આધિપત્ય સ્વીકારીને પોતાના રજવાડામાં હકૂમત ચલાવતાં હતા. ઇ.સ. ૧૭૦૭માં દિલ્હીમાં મોગલ બાદશાહ ઔરંગઝેબના અવસાન બાદ અરાજકતા ઊભી થઇ હતી. બાદશાહના નબળા વારસદારો મરાઠાઓની સત્તા સામે ટકી શકયા નહી. નાના-મોટા રજવાડાઓ અને સૂબાઓ સ્વતંત્ર થવા લાગ્યા હતા. આવા સમયે અમદાવાદના મોગલ સૂબાના ગવર્નર તરીકે જુનાગઢમાં રાજયની જવાબદારી સંભાળી રહેલા બહાદૂરખાન ઉર્ફે શેરખાન બાબીએ તકનો લાભ લઇને ઇ.સ. ૧૭૪૮માં જુનાગઢમાં સ્વતંત્ર રાજયની સ્થાપના કરી હતી. બાબી વંશની ધરોહર સ્થાપાઇ અને એ પછી જે કોઇ જુનાગઢની ગાદી ઉપર આવ્યા તેમને બ્રિટિશ સરકાર તરફથી ૧૫ તોપોની સલામી મળતી હતી. આ પરંપરા ઇ.સ. ૧૯૪૭માં હિંદુસ્તાન આઝાદ થયું ત્યાં સુધી ચાલુ રહી. આઝાદી બાદ દેશી રજવાડાઓનું અખંડ ભારતમાં વિલિનીકરણની પ્રક્રિયા શરૂ થઇ ત્યારે જુનાગઢના નવાબે પાકિસ્તાનમાં જોડાવવાની ઇચ્છા પ્રગટ કરી હતી પણ સરદાર વલ્લભભાઇ પટેલના પ્રયત્નોથી જુનાગઢ અખંડ ભારતનો એક ભાગ બન્યું. જુનાગઢના છેલ્લા નવાબ મહોબતખાન(ત્રીજા) ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હતા. ૯, નવેમ્બર, ૧૯૪૭ના રોજ રાજકોટ ખાતેના રિજયોનલ કમિÅનરે જુનાગઢની રિયાસતનો કબજો સંભાળ્યો હતો. નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા બાદ તેનો રાજમહેલ અને કચેરી તથા તમામ ચીજ વસ્તુઓ સરકારે પોતાના હસ્તક લીધી હતી. નવાબની રિયાસતનો એક માત્ર અકબંધ કિલ્લો નામે ઉપરકોટને સંભાળવાની જવાબદારી પણ સરકારે પોતાના હસ્તક રાખી હતી.

UPPAR KOTUPPAR KOTજુનાગઢમાં આવેલો ઉપરકોટ કિલ્લો ૨૨૦૦ વર્ષ પહેલા રા'ગ્રહરીપુએ બંધાવ્યો હતો એવું ઇતિહાસમાં નોંધેલું છે. રા'ખેંગાર જેવા પ્રતાપી રાજાઓ તેમજ રાણકદેવીની સતી_વની કથા ઉપરકોટ સાથે વણાયેલી છે. જે-તે સમયે બંધાયેલો આ કિલ્લો એ સમયની કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેનું બાંધકામ અને કિલ્લામાં આવેલા વિવિધ વિભાગો એ સમયના રાજવીઓની પ્રખર બુદ્ઘિ પ્રતિભાનું પ્રતિબિંબ છે. આજે જુનાગઢનો વિસ્તાર વધી ગયો છે પણ એક સમયે જુનાગઢનો વિસ્તાર ઉપરકોટના કિલ્લા પૂરતો સિમીત હતો. આશરે ૧૧મી સદીમાં બાંધવામાં આવેલો આ કિલ્લો નગર વ્યવસ્થા અને તેના રક્ષણ માટે તેમાં મૂકવામાં આવેલી તોપ ભાવિ પેઢીને ઇતિહાસમાં ડોકિયું કરાવે છે.

આશરે બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલો ઉપરકોટનો કિલ્લો જોવા માટે લગભગ ત્રણ કલાકનો સમય લાગે છે. ઇતિહાસ પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતાં લોકો આ કિલ્લાને જોવા આવે છે ત્યારે અનેક અસુવિધાઓ ભોગવે છે. ગુજરાત રાજયનો એક માત્ર અકબંધ કિલ્લો જાળવણીના અભાવે અત્યંત જર્જરિત અવસ્થામાં છે. હજારો પ્રવાસીઓ વર્ષ દરમિયાન આ કિલ્લો જોવા આવે છે ત્યારે અન્ય સુવિધાઓની તો વાત જ જવા દો તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. તંત્ર દ્વારા આ કિલ્લાની દરકાર કરવામાં આવતી નથી. આ કિલ્લાના વિકાસ માટે વર્ષોથી એક સમિતી બનાવવામાં આવેલી છે પણ લાગે છે કે તે ફકત કાગળ ઉપર જ સિમીત છે.

ADIKADI VAAVADIKADI VAAVઅગાઉ જણાવ્યા પ્રમાણે જુનાગઢ પહેલા ઉપરકોટના કિલ્લામાં વસતું હતું આથી આ કિલ્લામાં સંરક્ષણના હિતાર્થે મુકવામાં આવેલી તોપની સાથે અનાજ ભરવાના ગોદામોની સાથે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ વ્યવસ્થા એટલે અડીકડી વાવ અને નવઘણ કુવો...ઉપરકોટના કિલ્લામાં બૌદ્ઘ ગુફાઓથી આગળ જતાં અડીકડી વાવ અને નવઘણ કુવો આવેલા છે. લેખના શિર્ષકમાં મૂકેલી ઉકતિનો અર્થ એ થાય છે કે, જેમણે તેના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત લીધી ન હોય તેનું જીવન વ્યર્થ છે. અડીકડી વાવનું સર્જન એક જ પથ્થર(ખડક) કાપીને કરવામાં આવેલું છે. કુલ ૧૬૨ પગથીયાની સાંકડી સીડી ધરાવતી આ વાવ ૮૧ મીટર લાંબી, ૪.૭૫ મીટર પહોળી અને ૪૧ મીટર ઊંડી છે. આ વાવ એક સળંગ ખડક(સાગ પથ્થર)ને કાપીને બનાવવામાં આવેલી છે. જોકે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે, કૂટ, મોભ કે ગવાક્ષો આ વાવમાં નથી. જટિલ ભૂસ્તરીય રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્રોતને શોધવાની કુશળતા વ્યકત કરે છે. આ વાવમાં કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નથી કે નથી કયાંય કોઇ જાતનું લખાણ. આ વાવ કેટલો સમય જુની હશે તે કહેવું કદાચિત મુશ્કેલ છે પણ આ વાવ પ્રાચિન વાવમાંની એક વાવ છે એવું જરૂર કહી શકાય છે. આ વાવના પગથીયા ઉતરતાં હોઇએ ત્યારે આપણે ભૂગર્ભમાં ઉતરતાં હોઇએ એવું લાગે છે અને વાવ પાસે પહોચતાં ભૂગર્ભમાં આવી ગયા હોઇએ એવી અનુભૂતિ થાય છે. મોટાભાગની વાવો જમીનના વિવિધ પ્રકારના નીચલા પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરોના સ્તંભો, તળિયા, સીડીઓ અને દિવાલો જમીન ઉપરના બાંધકામની જેમ બનાવવામાં આવે છે. અડીકડી વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે આથી તેના સ્તંભો અને દિવાલ જેવું માળખું મૂળ ખડકની બહાર છે. અહી વાવના સંદર્ભનું કોઇ માળાખાકિય બાંધકામ કરવામાં આવેલું નથી.

વાવના નામ બાબતે બે કિવદંતીઓ પ્રચલિત છે: એક કથા પ્રમાણે રાજાએ વાવ બનાવવા માટે આદેશ કર્યો હતો ત્યારે મજૂરો સખત પથ્થરને ખોદતાં-ખોદતાં નીચે તરફ જતાં હતા પણ પાણી મળતું ન હતું ત્યારે રાજયગુરુએ જણાવ્યું કે બે કુંવારી કન્યાઓનું બલિદાન આપવાથી પાણી મળશે. અડી અને કડી નામની બે કમનસીબ કુંવારી કન્યાઓની પસંદગી થઇ અને તેમનું બલિદાન આપવામાં આવ્યું. વાવમાં પાણી મળી આવ્યું અને એ બે કન્યાઓની યાદમાં વાવનું નામ અડીકડી વાવ પાડવામાં આવ્યું હતું. બીજી કથા પ્રમાણે આ વાવ બાંધવામાં આવી હતી એ પછી એ વાવમાંથી કોઇ પાણી ભરતું ન હતું પણ રાજકુટુંબની બે દાસીઓ અડી અને કડી આ વાવમાંથી પાણી ભરતી હતી આથી તેનું નામ અડીકડી વાવ રાખવામાં આવેલું છે. આજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડીકડીની યાદમાં લોકો કપડા અને બંગડીઓ ટીંગાડે છે. હાલમાં આ વાવમાં પાણી છે પણ તે અવાવરું અને દુર્ગંધ મારતું હોવાથી તેનો ઉપયોગ થઇ શકતો નથી. આ વાવ ૧૫મી સદીમાં બનાવવામાં આવેલી છે એવું માનવામાં આવે છે.

NAVGHANNAVGHANનવઘણ કુવો મૃદુ ખડકમાંથી બનાવવામાં આવેલો છે. કુવા સુધી પહોચવા માટે સર્પાકારે બાવન મીટર સુધી પગથીયા છે એટલે આ કુવો પણ એક પ્રકારની વાવ જ કહી શકાય પણ તે નવઘણ કુવા તરીકે પ્રખ્યાત છે. આ કુવા પાસે દર્શાવેલી માહિતી અનુસાર આ કુવાનું નામ રા'નવઘણ(ઇ.સ. ૧૦૨૫-૪૪) ઉપરથી પડયું છે. જે સ્થળેથી કુવામાં જઇ શકાય છે ત્યાં આગળ એક મોટું થાળું છે જે કદાચ રા'નવઘણના સમયમાં બનેલું છે. કુવા સુધી પહોચવા માટે પહેલા સીધા અને પછી જમણી તરફ સર્પાકારે પગથીયા છે. આ સર્પાકાર સીડીમાં બાંકોરા રાખવામાં આવેલા છે જેથી સુર્યપ્રકાશનું અજવાળું રહે! કેટલાક અભ્યાસી લોકો આ કુવાને વાવનું જુનામાં જુનું સ્વરૂપ પણ કહે છે.

જુનાગઢનો વિસ્તાર ખડકાળ છે. ત્યાં નાના-મોટા અસંખ્ય ડુંગરો આવેલા છે. ઉપરકોટનો કિલ્લો આવા જ એક ડુંગર ઉપર બાંધવામાં આવેલો છે. આ કિલ્લામાં ઉપર તરફ જતાં વિશાળ તોપ મૂકવામાં આવેલી છે. કહેવાય છે કે, દુશ્મનો માટે આ તોપ પૂરતી હતી. આ તોપ જયાં રાખવામાં આવેલી છે ત્યાં બાજુમાં જ બે મોટા સરોવર આવેલા છે. ચારે બાજું ડુંગરોથી ઘેરાયેલા ઉપરકોટ કિલ્લાની વચ્ચે ઊંચાઇ ઉપર આવેલા આ બે સરોવરો પણ સુંદર છે. ઉપરકોટના કિલ્લામાં જ રાણકદેવીનો મહેલ આવેલો છે. આ મહેલની સાથે તેમનો લગ્ન મંડપ પણ આવેલો છે. તંત્રની અવગણનાને કારણે ૨૨૦૦ વર્ષ પહેલા ધબકતું જીવન આજે ધૂળ ખાઇ રહ્યું છે.

વિનીત કુંભારાણા

" અડીકડી વાવ ને નવઘણ કુવો જે

" અડીકડી વાવ ને નવઘણ કુવો જે ન જુએ તે જીવતો મૂઓ...!!! "

આ વાક્ય કોણે આપ્યું

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
यह सवाल इस परीक्षण के लिए है कि क्या आप एक इंसान हैं या मशीनी स्वचालित स्पैम प्रस्तुतियाँ डालने वाली चीज
इस सरल गणितीय समस्या का समाधान करें. जैसे- उदाहरण 1+ 3= 4 और अपना पोस्ट करें
9 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.