SIMILAR TOPIC WISE

Latest

બ્રહ્મપુરી હળવદમાં આવેલું સામંતસર તળાવ અને કલ્યાણ વાવ

Author: 
વિનિત કુંભારાણા
SAMANTSAR SAROVARSAMANTSAR SAROVARલાલ માટીની મહેક ધરાવતું, ચુરમાના લાડુ માટે પંકાયેલું, પાળિયાઓનું નગર, હળવદ શહેર સુરેન્દ્રનગર જિલ્લાનું તાલુકા મથક છે. બ્રહ્મપુરી હળવદમાં અને શહેર ફરતાં ચાલીસ જેટલા શિવ મંદિરો છે. કર્મઠ વિદ્વાન ભુદેવોના કારણે આ નગર છોટીકાશી તરીકે ઓળખાય છે. અહીં પહેલા બ્રાહ્મણોના ૧૪૦૦ ઘર હતા, હાલ ચારસો કરતાં પણ વધારે છે. બ્રહ્મપુરી હળવદના બ્રાહ્મણો શૂરવીર હતા.

બ્રહ્મપુરી હળવદ શહેરમાં પંચરંગી વસતી છે. હળવદની શાન, માન, સંસ્કૃત્તિ સમાન ૫૦૦(પાંચસો) એકરમાં પથરાયેલા સામંતસર સરોવર હળવદની શોભા છે. હાલમાં હળવદ પાસેથી કચ્છ હાઇવે નીકળતા તળાવની થોડી જમીન કપાયેલી છે. સરોવરના ફરતાં કિનારે શરણેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, રાજમહેલ, શકિતમાતાનું મંદિર અને વ્હોરા લોકોનું યાત્રાધામ મૌલાના હાજી આવેલું છે. આ તળાવમાં પહેલા અનેક કુવાઓ હતા. હાલ જગ્ડો, થુંમ્બો, કંકુડી જેવા કેટલાક કુવાઓ જોવા મળે છે.

આ વિશાળ સરોવર પૂર્ણ ભરાયેલું હોય ત્યારે ચેકડેમ જેવું લાગે છે. તળાવને સમાંતર રીતે ખોદી ઊંંડું ઉતારવામાં આવે તો કાંકરીયા તળાવની જેમ હોડીઓ ચાલી શકે, નૌકા વિહાર થઇ શકે એટલું વિશાળ છે. વર્ષો જુનું આ તળાવ વિકાસ ઝંખે છે. આ તળાવના કારણે જમીનમાં પાણીના તળ ઊંચા રહે છે. અગાઉના સમયમાં સામંતસર સરોવરમાં લોકો ન્હાવા પડીને સારા તરવૈયા બનેલા છે. ખાસ કરીને આ પાણીનો ઉપયોગ ન્હાવા-ધોવામાં થાય છે. તળાવ કાંઠે બાંધેલા આરાઓ ઉપર ગામની મહિલાઓ કપડા ધોતી હોય અને આરાઓ ભરચક હોય ત્યારે દ્રશ્ય અનેરૂ ધબકતું લાગે છે.

વર્ષોઋતુમાં તળાવમાં પાણી આવવાના માર્ગો દિવસે-દિવસે બુરાતાં જવાના કારણે પાણીની આવક ઘટી ગઇ છે. શહેરનો વિકાસ ચોતરફ થયો છે. તળાવ જાણે હવે શહેરની મધ્યમાં આવી ગયું છે. દશ થી પંદર વરસાદે તળાવ પાણથી ભરચક બની હિલોળા લેતું થઇ જાય છે. સારો વરસાદ હોય તો તળાવમાં ૬(છ) માસ પાણી રહે છે. ઉનાળો આવતાં માર્ચ માસમાં થોડું પાણી રહે છે. તળાવને રાજમહેલ થી શરણેશ્વર સુધી ઊંડું ઉતારવાની જરૂર છે. જેથી મૌલાના હાજી પાસે તળાવ ઉપર બાંધેલા ગરબા ઉપરથી તળાવનું પાણી ચોમાસામાં છલકાઇને રણ તરફ ચાલ્યું ન જાય.

તળાવમાં પાણી ન હોય ત્યારે ખેડૂતોને તળાવની માટી લેવાની છૂટ આપવી જોઇએ, જેથી તળાવ ખોદાતું રહે અને કાંપથી બુરાતું ન જાય. આ પૂરાતન ઐતિહાસિક સરોવરના વિકાસ માટે સરકારશ્રી તરફથી પણ યોગ્ય પ્રયાસો હાથ ધરાય તે જરૂરી છે. જો તળાવ બારેમાસ પાણીથી ભરેલું રહે તો જમીનમાં પાણીના તળ ઊંચા રહે અને ઘણી રીતે ઉપયોગી બની શકે તેમ છે.

સામંતસર સરોવરમાં પહેલા પુષ્કળ કમળો ખીલતાં હતા. આજે કમળ ખીલતા નથી અને ઉનાળામાં પાણી રહેતું ન હોવાથી પક્ષીઓ આવતા નથી. ઉનાળામાં બ્રાહ્મણી ડેમમાંથી દર વર્ષે પાણી છોડી આ તળાવને ભરેલું રાખવું જરૂરી છે. ભવિષ્યમાં તળાવથી થોડે દૂર નિકળતી નર્મદા કેનાલના પાણીથી આ તળાવ ભરેલું રાખવું જરૂરી બનશે, કેમ કે તળાવમાં પાણીની આવના માર્ગે દિન-પ્રતિદિન સોસાયટીઓ વધતી જ જાય છે. આશા રાખીએ કે વિકાસની શકયતાઓ ધરાવતું આ વિશાળ સરોવર બારેમાસ પાણીથી છલોછલ રહે. શરણેશ્વર તળાવ કાંઠે ફરવા આવતાં શહેરીજનોને ઉનાળામાં શીતળ લહેરોનો આનંદ મળે!

KALYAN VAAVKALYAN VAAVસુરેન્દ્વનગર જિલ્લામાં ભુદેવનગરી હળવદમાં દર્શનાર્થીઓથી અને અનેકવિધ કાર્ય પ્રવૃત્તિઓથી ધમધમતું જિલ્લાનું સુપ્રસિધ્ધ શરણેશ્વર મહાદેવનું દિવ્ય મંદિર સામંતસર સરોવરની પાળ પાસે આવેલું છે. આ મંદિરનાં પગથારે બારેમાસ પાણીથી ભરેલી રહેતી કલ્યાણ વાવ આવેલી છે. શાસ્ત્રોમાં ચાર પ્રકારની વાવોનો ઉલ્લેખ છે. નંદા, ભદ્વા, જયા અને વિજયા. એમાં નંદા પ્રકારની આ કલ્યાણ વાવ પાંચ કોઠા અને બોંત્તેર પગથીયાવાળી છે. વાવમાં નહાવા, ધોવાની કે પિતૃ તર્પણ કરેલી પીંડ, ફૂલ કે કોઇપણ ચીજવસ્તુ નાંખવાની મનાઇ છે.

ગુજરાત પ્રાચિન સ્મારકો, પુરાત_વ સ્થળો અને અવશેષોના કાયદા અંતર્ગત ૧૯૬૫ ગુજરાત અધિનિયમ ૨૫(ક) અનુસાર આ વાવ રક્ષિત છે. ગુજરાત પુરાત_વીય અવશેષોમાં સ્થાન પામેલી આ કલ્યાણ વાવ વિક્રમ સવંત ૧૫૮૩ ના ફાગણ વદ ૧૩ ના રોજ પ્રાણી માત્રના કલ્યાણ અર્થે ઝાલા વંશના મહારાજા રણસીંગના પટોધરા મહારાણી કલ્યાણદે દ્વારા પુત્ર માનસિંહના સમયમાં બાંધવામાં આવેલી છે. મહારાણી કલ્યાણદે એટલે મેડતા વાઘેલા વંશના રાજા સારંગદે અને તેમના પત્નિ વિરાદેના પુત્રી થાય.

ભૂતકાળમાં પડેલા દુષ્કાળો સમયે ખૂબ જ ઉપયોગી બનેલી આ વાવ ધર્મસ્થાનમાં દર્શને આવતા લોકો મોટો દર્શનીય બની છે. વાવમાં પ્રવેશતા ડાબી બાજુએ ગણેશજીની મૂર્તિ છે. અન્ય ગોંખોમાં ભૂતકાળમાં મૂર્તિઓ હશે એમ માની શકાય. વાવમાં પ(Åચમ દિશાએ ગોંખમાં આ મુજબ શિલાલેખ છે;

શ્રી ગણેશાય નમ: વિક્રમ સવંત ૧૮૮૩ શકે ૧૪૪૮ ફાગણ વદ ૧૩ ને ગુરુવારના રોજ ઘનિષ્ઠા નમણે, સિધ્ધયોગે, વવ કરણે, મીનલગ્ને, રાણા રણમલ અને રાણી લીલીયાદેનાં પુત્ર શત્રુશય અને રાણી મિણલદેનાં પુત્ર રણજિતા અને રાણી જિલદેના પુત્ર રણજિતા અને રાણી જિલદેના પુત્ર રણવીર અને રાણી લીલાદેના પુત્ર રાણાભીમ અને રાણી પ્રિમલદેના પુત્ર રાણાવાઘ અને રાણી વિણાદેના પુત્ર રાણા રાજધર અને રાણી અહિકારદેના પુત્ર રાણીંગ અને રાણી ક૯યાણદેના પુત્ર મહારાણા માનસિંહના સમયમાં તેમના માતા કલ્યાણદે એ બંધાયેલી છે.

હળવદ વસાવ્યું ત્યારે રા'રાજોધરજીએ શરણેશ્વર મંદિરનો જિર્ણોધાર કરાયેલો હતો. હાલ આ મંદિરમાં પાણી, રૂમો, રસોડા અનેક સુવિધાઓ પૂર્ણ અદ્યતન તીર્થ બનેલું છે. હળવદના આ શરણેશ્વર ધામને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરી વિકસાવે તે ઇચ્છનીય છે તો અનેક તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓ આ સ્થળનો લાભ લઇ શકે. હળવદ અને તેની નજદીકના વિસ્તારમાં કેટલીક પ્રાચીન વાવો આવેલી છે. મીઠું ટોપરા જેવું પાણી આપતી 'રાતકડી" વાવ, જેનું પાણી ચામડીનાં દર્દો માટે ઉપયોગી છે તે 'વીરજી વોરા"ની વાવ, 'તમરી વાવ", 'ખેતા વાવ" તેની બાજુનાં બોરમાંથી દશેક ગામોને પાણી પૂરૂં પાડવામાં આવે છે. 'કાશી વિશ્વનાથ" ની વાવ, 'પંચમુખી" ની વાવ, સબરેશ્વરમાં આવેલ લઘુ વાવ.

હળવદ તાલુકામાં બ્રાહ્મણી નદી ઉપર બંધાયેલો ૨૭ ફૂટની ઉંચાઇનો બ્રાહ્મણી ડેમ છે. જેમાંથી ખેતી માટે કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે. કેદારના ધરા પાસે બ્રાહ્મણી બંધ નં.૨ બંધાયેલો છે. ખારી નદી ઉપર ચેકડેમ છે. હળવદ તાલુકામાં થઇને રણ તરફ પવિત્ર બ્રાહ્મણી કુમારિકા નદી વહે છે. હળવદ તાલુકાના ચરાડવા, માલણીયાદ અને અન્ય ગામોમાં પણ ઘણા તળાવો આવેલા છે. હળવદ પંથક પાણીયારો છે. ભૂતકાળમાં દુષ્કાળ સમયે હળવદે દૂર સુધી પાણી પહોંચાડેલું હતું. પાણીના કારણે બીજા જિલ્લાઓમાંથી ખેડૂતો આવીને ખેતીવાડી માટે હળવદમાં વસ્યા છે.

ખેતીવાડી, જમીન અને પાણીની સમૃદ્ઘિની દ્રષ્ટિએ સુરેન્દ્રનગર જિલ્લામાં હળવદ તાલુકો પ્રથમ આવી શકે છે. આ તાલુકામાં જળસ્રોતો વધુ વિકસાવી સમૃદ્ઘ બનાવવામાં આવે તો વિશેષ લાભકારક બનશે. નર્મદાની નહેરો આ તાલુકામાંથી નિકળી છે. તેનું પાણી ખેતીવાડી માટે કાયદેસર રીતે હજું મળતું નથી. આ પાણી ખેતીવાડી માટે મળતું થશે ત્યારે આ તાલુકો ખૂબ જ સમૃદ્ઘ બની જશે.

ભૂતકાળમાં 'સર્વજનહિતાય-સુખાય" જેમણે વાવ-કુવાઓ ખોદાવ્યા, બંધાવ્યા છે. તેઓ પોતાનું જીવન ધન્ય બનાવી ગયા છે. આવા પરમાર્થીઓને વંદન. હળવદનું શરણેશ્વર ધામ અને કલ્યાણ વાવ દર્શનીય છે.

વિનિત કુંભારાણા

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
यह सवाल इस परीक्षण के लिए है कि क्या आप एक इंसान हैं या मशीनी स्वचालित स्पैम प्रस्तुतियाँ डालने वाली चीज
इस सरल गणितीय समस्या का समाधान करें. जैसे- उदाहरण 1+ 3= 4 और अपना पोस्ट करें
7 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.