રાજકોટનો આજી ડેમ, ન્યારી ડેમ, રાંદરડા અને લાલપરી તળાવ

ઇ.સ ૧૬૧૨થી આ શહેરનો ઇતિહાસ ઠાકોર સાહેબશ્રી વિભાજી અજાજી જાડેજાના નામથી શરૂ થયો હતો. ઠાકોર સાહેબશ્રીએ પોતાના અંગત મિત્ર રાજુસંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના કરેલી હતી. ઇ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયના જુનાગઢના નવાબના સુબેદાર માસુમખાને ચડાઇ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને પરાજિત કરીને રાજકોટને જીતી લીધું હતું. એ સમયે માસુમખાને રાજકોટનું નામ માસુમાબાદ કરી નાખ્યું હતું. એ પછી બાર વર્ષના સમય બાદ ઇ.સ. ૧૭૩૨માં મહેરામણજીના પુત્ર રણમલજીએ પોતાના સૈન્ય સાથે માસુમાબાદ ઉપર ચડાઇ કરીને માસુમખાનને ઠાર કર્યો. રણમલજીએ પોતાના પિતાને ગાદી પરત આપી અને ફરી એક વખત એ શહેરને તેનું મુળ નામ પાછું આપ્યું હતું.
રાજકોટ શહેર આજી નદીના કાંઠે વસેલું છે. આજી નદી રાજકોટ શહેરના અગ્નિ ખૂણામાંથી આવીને ઉત્તર દિશા તરફ આગળ વધે છે. રાજકોટ શહેરની પાણીની જરૂરિયાતને પહોચી વળવા માટે આ આજી નદી ઉપર ઇ.સ. ૧૯૫૨માં ગુજરાત સરકાર દ્વારા ડેમ બાંધવામાં આવેલો છે. નદીના નામ ઉપરથી આ ડેમનું નામ આજી ડેમ છે. આ ડેમમાં રાજકોટના ઉપરવાસના ગામો સરધાર, પાડાસણ, રાજસમઢીયાળા, અણીયાળા અને વડાળીનું પાણી આવે છે.
પાંચ-છ વર્ષ પહેલા ઉપરવાસના આ ગામોના ભૂગર્ભમાં પાણી રિચાર્જ થાય એ માટે ઘણા ચેકડેમો બનાવવામાં આવેલા છે. આ ચેકડેમોના કારણે સમયાંતરે આજી ડેમમાં પાણીની આવક ઓછી થઇ હતી. પૂરતાં પ્રમાણમાં પાણીનો જથ્થો આજી ડેમમાં આવે એ માટે આ ડેમની દક્ષિણે વહેતી લાપાસરી ગામની ભાખવડી નદી ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોટરી મીડટાઉનના સયુંકત પ્રયાસોથી ડેમ બાંધવામાં આવેલો છે. આ ડેમનું નામ રોટરી મીડટાઉન લાપાસરી ડેમ છે.
આ ડેમનું પાણી છલકાયા બાદ આજી ડેમ તરફ આવે છે. રાજકોટ શહેરને આજી ઉપરાંત ભાદર ડેમ અને ન્યારી ડેમનું પાણી પણ આપવામાં આવે છે. આ બન્ને ડેમની બાજુએ બે મોટા ડુંગરની ધાર આવેલી છે. આ ધારને વચ્ચેથી કોતરીને તેમાં આ ડેમોનું બાંધકામ કરવામાં આવેલું છે. બાંધકામના દ્રષ્ટિકોણથી આ ડેમોની સલામતી ખૂબ જ સારી ગણી શકાય. આ ડેમો છલકાયા બાદ તેનું પાણી આજી નદી દ્વારા આગળ જતાં રાજકોટ શહેરની પૂર્વ દિશામાંથી પસાર થતી ખોખળદડી નદી સાથે ભેગું થઇને આજી ડેમ-૨માં ઠલવાય છે.
રાજકોટ શહેરથી આઠ કિલોમીટર દૂર પૂર્વમાં આવેલો આજી ડેમ પ્રદૂષણરહિત અને કુદરતી વાતાવરણમાં ખૂબ જ નયનરમ્ય છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડેમ પાસે એક બગીચો અને એકવેરિયમ બનાવવામાં આવેલા છે. શહેરના ભાગદોડવાળા જીવનથી શાંતિ મેળવવા માટે શહેરીજનો આ બગીચાની મુલાકાત લે છે. વૈવિધ્યથી ભરપૂર આ બગીચામાં અલગ-અલગ જાતના પક્ષીઓના ઘર પણ રાખવામાં આવેલા છે. આ ઉપરાંત અહી એક પ્રાણી સંગ્રાલય(ઝુ)નું પણ નિર્માણ કરવામાં આવેલું છે. આ રીતે આજી ડેમ એક પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામી રહ્યું છે.
આજી નદીના ડાબા કાંઠાની શાખા એટલે ડોડી નદી અને આ ડોડી નદીના જમણા કાંઠાની શાખા એટલે ન્યારી નદી. ન્યારી શબ્દનો અર્થ અનોખી, અજાયબ કે સાવ સાદી ભાષામાં જુદી એવો થાય છે. ન્યારી નદીના પાણીના કોઇ વિશેષ ગુણના કારણે આ નદીને ન્યારી નદી નામ આપવામાં આવેલું હોય તેમ લાગે છે. ન્યારી નદી કુલ બેંતાલીસ કિલોમીટર લાંબી છે. આ નદી દક્ષિણ-પૂર્વથી ઉત્તર-પશ્ચિમ તરફ વહી રહ્યી છે. ન્યારી નદી ઉપર બાંધવામાં આવેલા ન્યારી-૧ ડેમ દ્વારા પણ રાજકોટને પાણી પૂરૂ પાડવામાં આવે છે. ન્યારી ડેમની આસપાસના કુદરતી વાતાવરણને કારણે આજી ડેમની જેમ જ ન્યારી ડેમનો વિસ્તાર પણ એક પર્યટન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યો છે.

ઇતિહાસવિદ્યો દ્વારા એવું કહેવામાં આવે છે કે, ઇગ્લેન્ડની રાણી વિકટોરિયાના રાજયના શાસનના ૫૦ વર્ષ પૂર્ણ થયાના સ્મૃતિ ચિન્હ રૂપે રાંદરડા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. પચાસ ફૂટની ઊંડાઇ ધરાવતું આ તળાવ તેના રમણીય સ્થળ અને પક્ષીદર્શન માટે સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. ઇ.સ. ૧૮૯૫માં લાલપરી તળાવ બાંધવામાં આવેલું હતું. રાજકોટ શહેરથી ત્રણ કિલોમીટર દૂર લાલપરી નદી પાસે આ તળાવ બનાવામાં આવેલું છે. આ તળાવના બાંધકામ પાછળ રૂપિયા ચાર લાખ દસ હજારનો ખર્ચ થયેલો છે. ઓગણત્રીસ ફૂટની ઊંડાઇ ધરાવતું આ તળાવ પણ રાંદરડા તળાવની જેમ સૌદર્યથી ભરપૂર અને પક્ષીપ્રેમીઓ માટેનું પ્રથમ પસંદગીનું તળાવ છે.
વિનિત કુંભારાણા
Post new comment