જળાશયો: આપણી સાંસ્કૃતિક પરંપરા

Submitted by vinitrana on Thu, 11/27/2014 - 07:51
સંસ્કૃતમાં વાવને વાપી કહેવામાં આવે છે. અપરાજિતપૃચ્છા, સમરાંગણ સૂત્રધાર જેવા વાસ્તુશિલ્પના ગ્રંથોમાં દસ પ્રકારના કુવા, ચાર પ્રકારની વાવ, પાંચ પ્રકારના સરોવર અને પાંચ પ્રકારના કુંડનું વર્ણન છે. વાવની વાત કરીએ તો એક મુખ્ય પ્રવેશદ્વાર તથા ત્રણ માળવાળી વાવ નંદી, બે પ્રવેશદ્વાર તથા છ માળવાળી વાવ ભદ્રા, ત્રણ પ્રવેશદ્વાર તથા નવ માળવાળી વાવ જયા અને ચાર પ્રવેશદ્વાર તથા નવમાળવાળી વાવને વિજયા તરીકે ઓળખવામાં આવે છે.સંસ્કૃતિ, પરંપરા લોકજીવન સાથે વણાયેલી હોય છે. યુગો પહેલા ઓછા ભણેલા પણ જીવનમાં અનુભવથી 'ગણેલા' આપણા વડિલોએ સંસ્કૃતિને જીવન સાથે વણી લીધી હતી. નિરક્ષર કહી શકાય તેવા એ વડિલો પાસે ગજબની કોઠાસૂઝ હતી. આવી કોઠાસૂઝને કારણે જ ભારતવર્ષમાં પ્રાચીનકાળે નદી, તળાવ, વાવ, કુવા અને કુંડની આગવી સંસ્કૃતિ વિકાસ પામી હતી જેને કારણે દુષ્કાળના વર્ષોમાં પણ જનજીવન સરળતાથી ધબકતું હતું.

કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેંટ એટલે અંબુ, જળ, પાણી...અને આ પાણી જીવનને જીવંત રાખે છે માટે આપણે તેની જળદેવતા તરીકે પૂજા કરીએ છીએ. ગંગા, જમુના, સરસ્વતી, મહી મેશ્વા, વાત્રક, ભાદર, નર્મદા જેવી નદીઓ માનવજીવનને બાળકની જેમ સાચવે છે. આથી જ આવી નદીઓને આપણે લોકમાતા તરીકે પૂજય ગણીએ છીએ. આપણી સંસ્કૃતિમાં વાવ, કુવા કે જળાશયો બંધાવનાર અને બાંધનાર કારીગરોને પુણ્ય આત્માતરીકે પૂજય ગણ્યા છે. નિર્જન વગડામાં આપણે ચાલ્યા જતાં હોઇએ અને પાણી માટે વલખા મારતાં હોઇએ ત્યારે એક ખોબો પાણી પણ આપણને અમૃત સમાન લાગે છે. વસુંધરા ઉપર વરસાદી પાણી પડતાં કણમાંથી મણ અનાજ પાકે છે. પાણીના અગણિત ઉપકારને કારણે દરિયાને પણ દેવ કહેવામાં આવે છે. સમુદ્રકિનારે વિકાસ પામેલી સંસ્કૃતિને સાગર સંસ્કૃતિ કહેવામાં આવે છે. માનવજીવનમાં દોઢસો વર્ષ પૂર્વે વાવ, કુવા, કુંડનું મહત્વ લોકજીવનમાં ઘણું મોટું હતું

પ્રાચીનકાળમાં સુખી ગૃહસ્થો અને શ્રેષ્ઠીઓ જળાશયો, વાવ અને કુંડ બંધાવતા હતા. વાવ ઓછા વિસ્તારમાં બાંધી શકાતી હોવાથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવનું પ્રમાણ વધારે જોવા મળે છે. વાવ બંધાવા પાછળનો ઉદેશ્ય જળદાનનો છે. જળ સર્વે જીવોને તૃપ્ત કરનારું હોવાથી સર્વે દાનોમાં તેને ઉત્તમ ગણવામાં આવેલું છે. બળબળતા બપોરે તરસ્યો વટેમાર્ગુ વાવનું પાણી પીને વાવનું નિર્માણ કરનારને અંતરના આશિષ આપે છે, માટે જળદાનનું મહત્વ અશ્વમેઘ યજ્ઞ જેટલું ગણાવાયું છે. આવી રીતે યશ-કિર્તી અને પુણ્ય મેળવવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે.
પ્રસિદ્ઘ ઇતિહાસવિદ્ર ડો. હરીપ્રસાદ શાસ્ત્રીએ નોંધ કરી છે કે, ગુજરાતમાં અગાઉ ઠેકઠેકાણે વાવ બાંધવામાં આવતી હતી. ગુજરાતના અભિલેખોમાં વાપી અર્થાત વાવનો ઉલ્લેખ મહાક્ષત્રપ રુદ્રદામાના પુત્ર રુદ્રસિંહ(પ્રથમ)ના સમયમાં શક વર્ષ ૧૦૩(ઇ.સ. ૧૮૧)ના ગુંદા શિલાલેખોમાં જોવા મળે છે. વલ્લભીના મૈત્ર વંશના રાજાઓએ આપેલા ભૂમિદાનોને લગતાં તામ્રપત્રો (ઇ.સ. ૫૦૨ થી ૭૬૬)માં અનેક વાવોનો ઉલ્લેખ આવે છે. સોલંકી વંશ(ઇ.સ. ૯૪૨ થી ૧૨૪૪)ના ગાળામાં ગુજરાતમાં અનેક સુંદર તળાવોનું સર્જન થયું હતું. એ સમયમાં વાવો પણ બાંધવામાં આવેલી હતી પણ તેનો ઉલ્લેખ ઉપલબ્ધ નથી. रानी की वावએ સમયગાળામાં મહારાજા ભીમદેવની રાણી ઉદયમતીએ બંધાવેલી રાણકી વાવનું શિલ્પ સ્થાપત્ય નોંધપાત્ર છે. ગુજરાતની યાત્રાએ આવેલા પર્યટકો રાણકી વાવ અને અડાલજની વાવની મુલાકાત અવશ્ય લે છે.

નડિયાદના ડુમરાલની ભાગોળે સિદ્ઘરાજ જયસિંહની માતા મિનળદેવીએ સવંત ૧૧૫૨ના વૈશાખ સુદ ત્રીજના દિવસે એક વાવ બંધાવી હોવાનો શિલાલેખ હતો જે આજે ઉપલબ્ધ નથી. ઉમરેઠની ભદ્રકાલી વાવ પણ સંવત ૧૧૧૨માં મિનળદેવીએ બંધાવી હોવાનું ગણાય છે. વાઘેલાકાળ(ઇ.સ. ૧૨૪૪ થી ૧૩૦૪)માં વાવોનો ઉલ્લેખ જૂજ છે. વઢવાણ પાસે આવેલી ખેરાળાની વાવ પરમાર રાજા જગદેવના મંત્રી કરણે સંવત ૧૩૧૯માં બંધાવી હતી. વઢવાણની જ માધાવાવ વાઘેલા કર્ણદેવના મહાઅમાત્ય માધવે પોતાના પિતાના સ્મરાણાર્થે સંવત ૧૩૫૦માં બંધાવી હતી.

ગુજરાતમાં રાણકીવાવ અને અડાલજની વાવ પ્રખ્યાત છે. અડાલજની વાવના શિલાલેખ ઉપરથી કહી શકાય છે કે, આ વાવ વાઘેલા રાજા મોકલસિંહના વંશજ વીરસિંહની રાણી રુડાદેવીએ સંવત ૧૩૫૫માં પાંચ લાખ ટકા(રૂપિયા૩૧,૬૬,૭૦૦)ના ખર્ચે બંધાવી હતી. આ વાવ જયા પ્રકારની છે. આ વાવમાં ઝરુખા, ગોખ, સ્તંભ વગેરેમાં કંડારેલું શિલ્પ અનન્ય છે. આ વાવ અમદાવાદ પાસે અડાલજમાં આવેલી છે. રાણકીવાવ પાટણમાં આવેલી છે. રાણકી વાવનું બાંધકામ પૂર્વ- પશ્ચિમ થયેલું છે. વાવનું પ્રવેશદ્વાર પૂર્વ તરફ અને કુંડ(કુવો) પશ્ચિમ તરફ આવેલો છે. વાવના જે પ્રકારો પુરાણોમાં વર્ણવેલા છે એમાંથી આ રાણકી વાવ 'નંદા' પ્રકારની ગણાય છે. પાટણની રાણકી વાવ એટલે ૧૧મી સદીના ગુજરાતના લોકજીવન, ઉચ્ચત્તમ કલા, સંસ્કારો અને સૌદર્ય તથા નિષ્ઠાવાન કારીગરોની મહેનતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ! અહી પથ્થરોમાં જાણે કવિતા કંડારેલી છે! આ વાવ કલારસિકો અને સૌંદર્યના જિજ્ઞાસુઓ માટે એક નયનરમ્ય કલાધામ છે. આ વાવના શિલ્પોમાં ચૈતન્યનો ધબકાર છે. આ વાવની વિપુલ શિલ્પ સમૃદ્ઘિમાં શૈવ અને વૈષ્ણવ શકિત સંપ્રદાયને લગતાં શિલ્પો જોવા મળે છે. આ વાવની ખૂબી એ છે કે, તેને વાસ્તુશાસ્ત્રના બધા જ નિયમોને આધિન રહ્યીને બનાવવામાં આવેલી છે. બાંધકામની વાત લઇએ તો વર્ષ ૨૦૦૧માં આવેલા ભયાનક ભૂકંપ સમયે આ વાવની એક કાંકરી પણ ખરી ન હતી. ઇતિહાસ બની ચૂકેલી આવી વાવો આજે અમદાવાદ, કપડવંજ, પેટલાદ, મહુવા, માંગરોળ, ધોળકા, ખંભાત જેવા વિસ્તારોમાં જોવા મળે છે. જુનાગઢની અડીકડી વાવ પણ પ્રખ્યાત છે.


अदलाज वावવાવની સાથે લોકમાતાનો સંબંધ પણ જોડાયેલો છે. વાવના ગોખમાં દેવી-દેવતાઓની મુર્તિઓ જોવા મળે છે જે જળરક્ષક તરીકે પુજાય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં દડવા ગામના પાદરમાં આવેલી વાવમાં સૂર્યપુત્રી, પુત્રદાતી રાંદલમાતાનું સ્થાનક આવેલું છે. વાંઝીયા મહેણા ભાંગવા અને બાધા-માનતાવાળા અનેક ગ્રામજનો આ વાવની મુલાકાતે આવે છે. ગુજરાતની વાવોની સાથે પ્રણય-બલિદાનની કથાઓ સંકળાયેલી છે. સૌરાષ્ટ્રની વણઝારી વાવ સાથે લાખા વણઝારાની પુત્રી અને કણબી પુત્રના પ્રણયની અને વઢવાણની માધાવાવ સાથે અભેસિંહ અને વાઘેલા વહુના બલિદાનની ગાથા જોડાયેલી છે. કેટલીક અવાવરું વાવ સાથે ભૂત-પ્રેતની કલ્પનાઓ જોડાયેલી છે.

ગુજરાતમાં વાવોની સાથે કુવા પણ અગત્યના છે. અપરાજિતપૃચ્છા ગ્રંથના ૩૪માં અધ્યાયમાં ઉત્તમ પ્રકારના શાસ્ત્રોકત કુવાના દસ નામો વાંચવા મળે છે. ચાર હાથના વ્યાસવાળો કુવો શ્રીમુખ, પાંચ હાથનો વિજય છ હાથનો પ્રાંત, સાત હાથનો દુદંભી, આઠ હાથનો મનોહર, નવ હાથનો ચુડામણી, દસ હાથનો દિગ્ભદ્ર, અગિયાર હાથનો જવ, બાર હાથનો મંદ અને તેર હાથના વ્યાસવાળો કુવો શંકરના નામે ઓળખાય છે. આવા કુવાઓમાં જુનાગઢમાં ઉપરકોટ કિલ્લામાં આવેલો નવઘણ કુવો, મહેમદાવાદમાં મહમદ બેગડાએ બનાવેલો ભમ્મરિયો કુવો, વાસદ પાસેનો ફેર કુવો, ઓલપાડ પાસેનો કુવો, મહેસાણાના ગુંજા ગામ પાસેનો ઇટરી કુવો, આણંદ તાલુકાના ભારેકિયા ગામનો ખરેરિયો કુવો, વણતોલ ગામનો અરણિયો કુવો અને સિદ્ઘપુર તાલુકાના બટેશ્વર તીર્થ પાસેનો ગંગવો કુવો ખૂબ જ પ્રખ્યાત છે. ઇતિહાસ, પુરાત્વ અને શિલ્પ સ્થાપત્યના દ્રષ્ટિકોણથી અનન્ય સ્થાન ધરાવતાં વાવ, કુવાઓની સંખ્યા ગુજરાતમાં આશરે ૨૫૦ છે અને મોટાભાગના બિસ્માર હાલતમાં છે.

सुरसागर झीलગાંધી પ્રતિષ્ઠાન નવી દિલ્હી તરફથી આજ ભી ખરે હૈ તાલાબ સચિત્ર અભ્યાસી ગ્રંથ(અનુપમ મિશ્રા)ભારતીય તળાવ સંસ્કૃતિનું મહત્વ સમજાવે છે. ભારતવર્ષમાં અગાઉના સમયમાં કોઇ ગામ નદી, તળાવ વગરનું ન હતું. સૌરાષ્ટ્રમાં ૨૦,૦૦૦, કચ્છમાં ૬૫૦, ઉત્તર ગુજરાતમાં ૨૫૦૦ અને મધ્ય ગુજરાતના ૯૦૦ જેટલા ગામોમાં તળાવો આવેલા છે. જાળવણીના અભાવે આ તળાવો માટી-કાંપથી પૂરાતા જાય છે. ગુજરાતના જાણીતા તળાવોની યાદી જોઇએ તો કડીનું થોર, ધોળકાનું મલાવ, વિરમગામનું મુનસર, સિદ્ઘપુરનું બિંદુ, ગોધરાનું રામસાગર, હાલોલનું યમુના, દાહોદનું છાબ, ભાવનગરનું બોર, આજવાનું સયાજી, વડોદરાનું સુરસાગર, ડાકોરનું ગોમતી, રાજકોટનું લાલપરી, જામનગરનું લાખોટા(રણમલ) અને ભુજનું હમીરસર જેવા તળાવો આજે પણ જળસંસ્કૃતિની ધરોહર સાચવી રહ્યા છે. કેટલાક તળાવોનું પાણી આજે પણ પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તળાવોનું સાંસ્કૃતિક મહત્વછે.

પહેલાના જમાનામાં અષાઢ મહિનાના પહેલા દિવસથી ભાદરવાના છેલ્લા દિવસ સુધીમાં દેશભરના ૧૧ થી ૧૨ લાખ જેટલા તળાવો વરસાદી પાણીથી ભરાઇ જતાં હતાં અને આખુ વર્ષ પાણીની જરૂરિયાત પૂરી પાડતાં હતા. આ તળાવો ગળાવવા, દર વર્ષે તેમાંથી કાંપ-ગાળ કાઢી સફાઇ કરવી, તેની સાર સંભાળ રાખવી જેવી પ્રવૃતિઓ કરવામાં આવતી હતી. આવા કાર્યો કરનારાઓની સમાજમાં કિર્તી વધતી. રાજસ્થાન જેવા અર્ધસૂકા પ્રદેશમાં પણ તળાવોનું મહત્વ ગુજરાતના તળાવો જેટલું જ છે. જેસલમેરમાં ફાગણ મહિનાના નિયત દિવસે ઢોલ વાગતો. ઢોલ સાંભળીને રાજા પોતાના દરબારીઓ સાથે તળાવ પાસે આવતાં અને આખું ગામ ભેગું થતું. રાજા સ્વયં તળાવમાંથી માટી ખોદી તળાવકાંઠા ઉપર નાખતાં અને આ રીતે શ્રમયજ્ઞ શરુ કરવામાં આવતો હતો.

રાજસ્થાનના પાટણ પરગણાના કુડાન નામના ખેડૂતને પારસમણી મળેલો હતો. તેણે એ પારસમણી રાજાને ભેંટ આપ્યો. રાજાએ સવિનય ભેંટનો અસ્વીકાર કરતાં કહ્યું કે, મારાથી આ ન લેવાય તું આનાથી તળાવો બનાવજે. એ પછી કુડાન, બુઢાન, સરકાન અને કોરાઇ એમ ચાર ભાઇઓના નામ અમર કરનારા ચાર તળાવો બન્યા જે આજે પણ જીવંત છે. રાજસ્થાનમાં થોરના રણ વિસ્તારમાં આવેલા હજારો ગામોના નામ તળાવો સાથે જોડાયેલા છે. બિહારના હબીસરાય ક્ષેત્રમાં ૩૬૫ તળાવો છે. ત્યાંના રાજા-રાણી રોજ એક તળાવ ઉપર જતાં અને સ્નાન કરતાં હતાં. બુંદેલખંડના મહારાજા છત્રપાલના પુત્ર જગતરાજને જમીનમાં દટાયેલો ખજાનો મળ્યો હતો. તેમણે એ ખજાનાનો ઉપયોગ રાજયના તમામ તળાવોને ઊંડા કરવામાં કર્યો હતો. બુંદેલખંડમાં આજે પણ જ્ઞાતિપંચ કોઇને ગુન્હા માટે સજા કરવાની થાય ત્યારે સજા કે દંડ સ્વરુપે જુના તળાવમાંથી ગાળ કાઢવો કે નવું તળાવ બનાવવાનું કહે છે.

ભારતવર્ષની જળસંસ્કૃતિ વિશાળ હતી અને કદાચ આજે હજુ પણ છે, જરુર છે ફકત તેની જાળવણી કરવાની...!!!

વિનીત કુંભારાણા
Disqus Comment