પાણી બાબતે સ્વાલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!!

Submitted by vinitrana on Wed, 07/31/2013 - 20:58
Roof Rain water HarvestingRoof Rain water Harvesting'એક દિવસનું આયોજન કરવું હોય તો ધનની બચત કરવી, મહિનાનું આયોજન કરવું હોય તો ધાનનો સંગ્રહ કરવો જોઇએ, વર્ષનું આયોજન કરવું હોય તો વૃક્ષારોપણ કરવું જોઇએ અને સદીઓનું આયોજન કરવું હોય તો પાણીનું આયોજન કરવું જોઇએ.' શિવનગર પ્રાથમીક શાળા નંબર ૨૪માં આજે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ દ્વારા આયોજિત 'જલ પેડી' કાર્યક્રમ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહની કામગીરી સમજવા આવેલા વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ સામે ઉપરોકત વાતની રજૂઆત શાળાની શિક્ષિકા દિપ્તીબહેન ગોરે કરી હતી. તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે, જો બધા સાથે મળીને સંયુકત રીતે કામગીરી કરે તો કોઇપણ કાર્ય અશકય રહેતું નથી.

ભીમ અગિયારસ એ આપણી પરંપરાગત લોક સંસ્કૃતિને ઉજાગર કરતો દિવસ છે અને આ દિવસ ખાસ તો જળ આયોજન અને વ્યવસ્થાપન સાથે જોડાયેલો છે. આજના આ દિવસની મહત્તા જીવંત રહે એ માટે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ(જેએસએસએસ) અને એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ) દ્વારા 'જળ પેડી' નો કાર્યક્રમ આયોજિત કરીને કચ્છમાં જળક્રાંતિની દિશામાં પહેલ કરી છે. જેએસએસએસ દ્વારા ભુજ શહેરની કુલ આઠ પ્રાથમીક શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહની કામગીરી લોકભાગીદારી દ્વારા કરવામાં આવી છે. અન્ય ખાનગી શાળાઓ પણ આ કામગીરીને પ્રત્યક્ષ જોઇને પ્રેરણા લે એ માટે જળ પેડી કાર્યક્રમ અંતર્ગત પ્રમુખસ્વામીનગર સ્થિત મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ ચાર રસ્તા પંચાયતી પ્રાથમીક શાળા અને ભુજના વંચીત વિસ્તારમાં આવેલી શિવનગર પંચાયતી પ્રાથમીક શાળા નંબર ૨૪ (શાંતિનગર )માં અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણની મુલાકાત રાખવામાં આવી હતી.

Roof Rain water HarvestingRoof Rain water Harvestingપ્રમુખસ્વામીનગર સ્થિત મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ ચાર રસ્તા પંચાયતી પ્રાથમીક શાળામાં કચ્છ યુવક સંઘ, વ્હાઇટ હાઉસ, સેન્ટ એન્ડ્રુસ, રોટરી એજયુકેશન સોસાયટી અને મુન્દ્રા રિલોકેશન પંચાયતી શાળા(પૂર્વ)ના કુલ ૨૯૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક વકતવ્ય રજૂ કરતાં જેએસએસએસના કન્વિનર તરૂણકાંત છાયાએ જણાવ્યું હતું કે, પાણી આપણી જીવાદોરી છે માટે આ સ્કૂલમાં જે કાર્ય થયું છે તે વાત તમારા વાલીઓ, વડીલોને પણ કરજો. તમારી શાળામાં પણ આ પ્રકારની કામગીરી થાય એ માટે આજના અનુભવની વાત તમારી સ્કૂલમાં પણ કરજો. વધુને વધુ વરસાદી પાણી સિંચિત થાય તે આપણા માટે અત્યંત જરૂરી છે. એકતા મહિલા મંડળના પ્રમુખ અને પૂર્વ નગરસેવક નિરંજનાબહેને વરસાદી પાણીના સંગ્રહની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે, આપણે હાલના સમયની માગ પ્રમાણે પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઇએ. પાણીની વાતને બૃહદ સંદર્ભમાં લઇ જતાં તેમણે જણાવ્યું હતું કે, જે ગામમાં વાવ, તળાવ અને કૂવાઓનું યોગ્ય વ્યવસ્થાપન થતું હોઇ એવા ગામને એવોર્ડ દ્વારા નવાજવા જોઇએ.

એકટ સંસ્થાના ડાયરેકટર યોગેશભાઇ જાડેજાએ વિશેષ અંદાજમાં વાત મૂકતાં કહ્યું હતું કે, ઘરમાં બાળકો તોફાન કરે એટલે એકાદ વખત તો એમના માતા-પિતા કહેતા હોય છે કે, મારી મા, મારા બાપ હવે તો ઝપ...એટલે કે બાળકો પણ તેના જીવનકાળમાં માતા-પિતાની ભૂમિકામાં તો આવતાં જ હોય છે. પાણીના સંગ્રહ બાબતે બાળકોએ ઘરમાં જાગૃત થવાની જરૂર છે. દરેક વ્યકિત પાણી બચાવવા માટે સભાન રહે તો ઘણું પાણી બચાવી શકાય. સ્કૂલમાં ભણતાં બાળકો માટે માતા-પિતા દ્વારા પાણીની બોટલ, ચોકલેટ વગેરેનો ખર્ચ કરવામાં આવે છે. આ ખર્ચમાં ઘટાડો કરવામાં આવે તો સ્કૂલમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનો ભૂગર્ભ ટાંકો બની જાય. સમસ્યાનો ઉકેલ આપણી પાસે જ હોય છે ફકત એ ઉકેલને અમલીકરણના તબક્કામાં લાવવાની જરૂર છે અને શરૂઆત પોતાના દ્વારા થાય એ અગત્યનું છે. એકતા મહિલા મંડળના હેમલતાબહેન શાહે પાણી બચાવવાની રીત રજુ કરતું બાળગીત ગવડાવ્યું હતું. મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ ચાર રસ્તા પંચાયતી પ્રાથમીક શાળાના આચાર્ય ઉપેન્દ્રભાઇ ઠાકરે આ સ્કૂલમાં કેવી રીતે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું તે અંગેની માહિતી રજૂ કરી હતી અને એકટના ગોપાલ રીલે અમલીકરણ કરવામાં આવેલી કામગીરીને વિસ્તારપૂર્વક વિદ્યાર્થીઓને સમજાવી હતી.

Roof Rain water HarvestingRoof Rain water Harvestingકાર્યક્રમના સંદર્ભમાં સ્કૂલના આચાર્ય ઉપેન્દ્રભાઇ ઠાકરે વિશેષ માહિતી આપતાં જણાવ્યું કે, આ સ્કૂલની બાજુમાં બી.આર. સી.-શિક્ષકો માટેનું તાલીમ કેન્દ્ર અને કસ્તુરબા કન્યા છાત્રાલય આકાર લઇ રહ્યું છે ત્યારે આ બન્ને બિલ્ડીંગમાં પણ સંયુકત રીતે વરસાદી પાણીના સંગ્રહ બાબતેની કામગીરી લોકભાગીદારી દ્વારા કરવામાં આવશે અને પાણી અંગે સ્વાવલંબન કેળવવામાં આવશે. સેન્ટ એન્ડ્રુસ સ્કૂલના શિક્ષિકાબહેને પણ જાહેરાત કરતાં કહ્યું કે, હરીપર રોડ ઉપર અમારી શાળાનું નવું બિલ્ડીંગ આકાર લઇ રહ્યું છે ત્યારે અમે પણ આ બિલ્ડીંગમાં વરસાદી પાણીના સંગ્રહ બાબતે કામગીરી થાય એવી ઇચ્છા ધરાવીએ છીએ. વાતના પ્રતિભાવ સ્વરૂપે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિએ સહયોગ આપવાની પ્રતિતિ દર્શાવી હતી.કાર્યક્રમના સંદર્ભમાં એકસેલ ગ્ર્રુપના ચેરમેન કાંતિસેન શ્રોફ-કાકાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. પી. જી. સોની 'દાસ' સાથે પાંચેય સ્કૂલના શિક્ષકગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

શિવનગર પંચાયતી પ્રાથમીક શાળા નંબર ૨૪માં આ કામગીરીને પ્રત્યક્ષ જોવા માટે મુસ્લીમ એજયુકેશન ટ્રસ્ટ, માતૃછાયા કન્યા વિદ્યાલય અને સિંચન સ્કૂલના કુલ ૧૫૦ વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ સાથે ઉપરોકત સ્કૂલના કુલ ૮ શિક્ષકગણ હાજર હતા. કાર્યક્રમની શરૂઆતમાં શિવનગર પંચાયતી પ્રાથમીક શાળા નંબર ૨૪ના આચાર્ય પરેશભાઇ ગુજરાતીએ બધાને આવકાર આપતાં વરસાદી પાણીના સંગ્રહની જે કામગીરી કરવામાં આવી છે તેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, જેએસએસએસ અને એકટ દ્વારા 'હમીસર એક જલગાથા' પ્રવાસનું આયોજન કરવામાં આવે છે તે અંગેની અમને જાણ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે આ પ્રવાસ દ્વરા હમીરસરના આવક-જાવક ક્ષેત્ર અંગેની માહિતીની સાથે વરસાદી પાણીના મહત્વને સમજયું હતું. એ બાદ શાળામાં રહેતી પીવાના પાણી અંગેની મુશ્કેલીને દૂર કરવા માટે વરસાદી પાણીના સંગ્રહની કામગીરી કરવામાં આવી છે. સ્કૂલના દરેક વિદ્યાર્થીએ પોતાના ભાગીદારી સ્વરૂપે રૂપિયા એકનું બહુમૂલ્ય અનુદાન આપીને આ કામગીરીને લોકભાગીદારીનું સ્વરૂપ આપ્યું છે. આજે શાળામાં કુલ ૬૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને પીવાના પાણી અંગેની કોઇ મુશ્કેલી રહી નથી. અહી અમે ત્રણ વિભાગમાં કામગીરી કરી છે. એક વરસાદી પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ(વાર્ષિક આયોજન), બીજું સંગ્રહ કરેલા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ(આપાતકાલિન વ્યવસ્થા) અને ત્રીજું છતના પાણીનો ભૂગર્ભમાં રિચાર્જ(કાયમી ઉકેલ). આ દરેક કામગીરી સ્કૂલના જ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. શાળાનું વેકેશન પૂર્ણ થાય એટલે દરેક વિદ્યાર્થી શાળાના પ્રથમ દિવસે શાળાની છતની સફાઇ કરે છે. દરેક વર્ગમાં એક ટીમ બનાવવામાં આવી છે જે પોતાના વારા પ્રમાણે રોજ સંગ્રહ કરેલા વરસાદી પાણીને હેન્ડ પંપ દ્વારા સ્ટીલની ટાંકીમાં ભરે છે. આ રીતે દરેક વિદ્યાર્થી પોતપોતાની પાણી પ્રત્યેની નૈતિક ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થી વરસાદ આવે છે ત્યારે ઘરે પણ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને બીજા દિવસે સ્કૂલે આવીને કેટલા વરસાદી પાણીનો સંગ્રહ કર્યો તેની વાત પ્રાથનાસભામાં કરે છે.

પરેશભાઇની રજૂઆત બાદ ભુજના ધારાશાસ્ત્રી અમીરઅલિ લોઢિયા, પૂર્વ નાયબ શિક્ષણ નિયામક દિવ્યાબહેન વૈદ્ય અને શિવનગર પંચાયતી પ્રાથમીક શાળા નંબર ૨૪ના શિક્ષકોએ પ્રસંગ અનુરૂપ વકતવ્ય રજૂ કર્યુ હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં આ વિસ્તારના નગરસેવકની સાથે જેએસએસએસના પીરભાઇ, રાયસિંહ રાઠોડ સાથે એકટની ટીમ હાજર રહી હતી. પ્રાસંગીક વકતવ્ય બાદ વિવિધ સ્કૂલમાંથી આવેલા વિદ્યાર્થીઓએ વરસાદી પાણીના સંગ્રહ અંગેની કામગીરીને રસપૂર્વક સમજી હતી.

વિનીત કુંભારાણા
Disqus Comment