પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૪

પાણીના ક્ષેત્રીય ઉપયોગના અનુસંધાનમાં કૃષિ ઉત્પાદનો મેળવવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે. આથી કૃષિ સંબંધે પાણીના ઉપયોગ બાબતે કાર્યક્ષમતા વધારવા માટે યોગ્ય વ્યવસ્થાન દ્વારા એક ચોક્કસ પ્રકારની વ્યુહરચના ઘડી કાઢવી જોઇએ. કૃષિ વ્યવસાયમાં પાક ઉત્પાદન તેમજ પશુધનના જતન માટે પાણીનો સઘન ઉપયોગ થાય છે. અન્ય વપરાશકર્તાની સાપેક્ષે કૃષિમાં ઉત્પાદન મેળવવા પાણીનો લગભગ સીત્તેર ટકા ભાગ વપરાય છે. હવે તો પશુધન ઉત્પાદનો માટે પણ પાણીની માગ વધી રહી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૫૦ સુધીમાં વૈશ્વિક ખોરાકની માગ સીત્તેર ટકા જેટલી વધશે એવું અનુમાન લગાવવામાં આવેલું છે. એક સર્વેક્ષણ પ્રમાણે વૈશ્વિક કૃષિ-બન્ને વરસાદ આધારિત અને પિયતખેતીમાં વર્ષ ૨૦૫૦ સુધીમાં પાણી વપરાશની માગ ઓગણીસ ટકા વધશે. વિશેષજ્ઞો તો એમ પણ કહે છે કે, આજે જે રીતે ખેતી કરવામાં આવે છે એ ખેતીપદ્ઘતિમાં યોગ્ય બદલાવ લાવવામાં નહી આવે તો આ માગ હજુ પણ વધારે વધશે. પાણીની અછતથી પીડાતા વિસ્તારોમાં તો અત્યારે પણ કૃષિમાં સિંચાઇના પાણી પૂરતાં પ્રમાણમાં મળી શકતા નથી. કૃષિમાં ઉપયોગમાં લેવાતા પાણી માટે એક સુનિયોજીત માળખાકીય વ્યવસ્થાપનની જરૂરિયાત છે. આ વ્યવસ્થાન ભવિષ્યમાં વૈશ્વિક પાણીની સુરક્ષા માટે મહત્વનો ફાળો આપશે.

માનવ સમુદાયમાં પાણી વપરાશ બાબતે મોટેભાગે શહેરી વિસ્તારોમાંથી પીવાના પાણી અને વપરાશના પાણીના સંદર્ભમાં એક મોટી માગ ઊભી હોય છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે, શહેરી વિસ્તારોમાં પીવાના પાણીના જૂના અને પરંપરાગત સ્રોતો ઉપયોગ કરી શકાય એવી સ્થિતિમાં નથી અથવા તો તેના ઉપર કે તેની આસપાસ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય. આથી આવા ટકાઉ સ્રોતો શહેરોના માનવ સમુદાયની પીવાના પાણી કે ઘરવપરાશના પાણી માગને પૂર્ણ કરી શકતા નથી. આ ઓછું હોય તો એક અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વના શહેરોની વસતિમાં છ અબજનો વધારો થવાનો અંદાજ કાઢવામાં આવેલો છે. આ અંદાજમાં દર વર્ષે શહેરામાં વધતી વસતિની સાથે(ઝડપથી થઇ રહેલા શહેરીકરણથી)વિસ્થાપિત થયેલા લોકોની પણ ગણતરી કરવામાં આવી છે. એક તો હાલના સમયમાં જ શહેરોમાં આવેલી વસતિમાં અમુક વર્ગ એવો છે જેને પાણી અને જીવન જરૂરી સુવિધાઓ પૂર્ણ: પૂરી પાડી શકાતી નથી ત્યારે આવો વધારો વસતિમાં થાય તો પાણી અને સ્વચ્છતાની બાબતે હાલમાં જે સુવિધાઓ છે તેમાં અંદાજે વીસ ટકા વધારો કરવાની જરૂરિયાત ઊભી થશે. આજના વિકાસના યુગમાં શહેરોમાં વિશ્વના શહેરોમાં દર મહિને અંદાજિત પાંચ કરોડ લોકોનો વધારો થઇ રહ્યો છે. વિશ્વના શહેરોમાં થઇ રહેલા આ વસતિ વિસ્ફોટ પાણી અને સ્વચ્છતાના મુદે અભૂતપૂર્વ પડકારો આપણી સમક્ષ લાવીને મૂકી દે તેમ છે. શહેરોમાં બે મુખ્ય પડકારો છે: એક છે સુરક્ષિત પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાનો અભાવ તથા બીજો છે પૂરપ્રકાપ અને દુષ્કાળ. આવા પડકારોને પહોચી વળવા માટે જળસહયોગની વિભાવના અત્યંત ઉપયોગી સાબિત થાય છે. શહેરોમાં વસતા લોકો દ્વારા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો પાણીનો બચાવ થઇ શકે. શહેરોમાં આવેલા પાણી માટેના જૂના સ્રોતો-કૂવા, તળાવને ફરી જીવંત કરવામાં આવે તો આવનારા વર્ષોમાં પાણીની જે માગ વધવાની છે તેને મહદઅંશે પરિપૂર્ણ કરી શકાય. આ ઉપરાંત વપરાશ થઇ ગયેલા પાણીનો ફરી ઉપયોગ કરવામાં માટે આધુનિક ટેકનિકના ઉપયોગ દ્વારા તેને 'રિસાયકલીંગ' કરીને પાણીનો ફરી 'રિયુઝ' કરી વધતી જતી પાણીની માગને પહોચી શકાય. સ્વચ્છતાના મુદે શિક્ષણ દ્વારા જાગૃતિ લાવવાની જરૂરિયાત છે. શાળાઓ-કોલેજોમાં આ મુદાને વધારે પ્રાધાન્ય આપી લોકજાગૃતિ લાવી શકાય.

વિનિત કુંભારાણા

Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading