રેગિસ્તાનનો રાજા : થોર વરસાદી પાણીનું જળસંચય કરતી કુદરતની વિરલ વનસ્પતિ...!

Submitted by vinitrana on Tue, 08/13/2013 - 20:35
આપણી વસુંધરા ઉપર અનેક અચરજો ધરબાયેલા પડેલા છે જેને સમજવા આજની તારીખે પણ અઘરા છે. વસુંધરા ઉપર ફેલાયેલો રેગિસ્તાન અને તેમાં થતો થોર આવું જ એક અચરજ છે. વસુંધરા ઉપર ફેલાયેલા રેગિસ્તાનની સંખ્યા ગણીએ તો કુલ ૧૦ મોટા રેગિસ્તાન આવેલા છે. સૌથી મોટું રેગિસ્તાન ઉત્તર આફ્રિકામાં આવેલું સહારાનું રેગિસ્તાન છે. એ પછી અરબસ્તાન, ઓસ્ટ્રેલિયન, ગેબી, કલહરી, તલ્કમાકાન, નામિબ, સોનોરાન, કારાકુમ અને દશમા નંબરે બે રેગિસ્તાન આવેલા છે: સોમાલિયા અને આફ્રિકાની સરહદે આવેલું સોમાલિયાનું રેગિસ્તાન અને ભારત પાકિસ્તાનની સરહદે આવેલું થરનું રેગિસ્તાન.

રેગિસ્તાન વિશે એક વાત નોંધવાલાયક છે કે, દુનિયાના મોટાભાગના રેગિસ્તાન ૩૦ અંશ ઉત્તર અક્ષાંસ અને ૩૦ અંશ દક્ષિણ અંક્ષાશ ઉપર આવેલા છે. આવી પરિસ્થિતિ નિર્માણ થવા પાછળ કુદરતી હવામાનનું ચક્ર જવાબદાર છે. વિષુવવૃત ઉપર ગરમ થયેલી હવા સમુદ્રજળની વરાળ સાથે આકાશમાં ઊંચે ચડે છે અને એ પછી ઉત્તર તથા દક્ષિણ તરફ આગળ વધે છે. ઉપલા વાતાવરણમાં એ હવા ટુંક સમય પછી ઠરે એટલે તેનો આખો સમુદાય નીચે બેસી જઇને જમીન ઉપર હાઇ-પે્રશર સર્જે છે. આ દરમ્યાન સમુદ્રજળનું બાષ્પીભવન થતાં તે લો-પ્રેશરવાળી હવા એ જમીન તરફ ધસી જાય છે પણ હાઇ-પ્રેશરવાળી હવાને કારણે તે ત્યાં ટકી શકતી નથી, અને લાંબા ગાળે હાઇ-પ્રેશરવાળી એ હવાને કારણે એ જગ્યા ઉપર રેગિસ્તાન જન્મ ધારણ કરે છે. બળબળતા તાપવાળા રેગિસ્તાનમાં એક માત્ર વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે અને તે વનસ્પતિ છે થોર! થોરની આશરે કુલ ૩૦૦૦ જાતો છે. મોટાભાગના થોરનું મૂળ વતન મેકિસકો છે અને આ બાતને ધ્યાનમાં રાખીને મેકિસકોએ પોતાના રાષ્ટ્રચિન્હમાં થોરને સ્થાન આપેલું છે. અમુક મેકિસકન થોરનું આયુષ્ય ૧૦૦૦ વર્ષનું માનવામાં આવે છે. ઊંચાઇમાં આવા થોર બે મીટરના અને તેનો વ્યાસ એક મીટર જેટલો તથા વજન એક ટન કરતાં પણ વધારે હોય છે. સૌથી ટચુકડો મેકિસકન થોર ફકત અઢી ઇંચની ઊંચાઇ ધરાવે છે.

આજે જે થોરનું સ્વરૂપ છે તે વર્ષો પહેલા ન હતું. થોરને પણ પણ પહેલા ડાળીઓ અને પાંદડાઓ હતા. જે વિસ્તારોમાં થોર થતાં હતા ત્યાં વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું ત્યારે કાળક્રમે થોર પણ પોતાનું સ્વરૂપ બદલાવતું ગયું. કુદરતના 'સર્વવાઇલ ટુ ફિટેસ્ટ' ના નિયમ પ્રમાણે થોર પોતાની આંતરિક રચનામાં ફેરફાર કર્યા. આપણે જાણીએ છીએ કે, વનસ્પતિઓ મૂળ દ્વારા પાણી મેળવે છે અને પોતાના પર્ણો દ્વારા આ પાણીનો અમુક જથ્થોે બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવી દે છે. રેગિસ્તાનમાં પાણીનું એક-એક ટીંપુ બેહદ કિંમતી હોય તે સ્વાભાવિક છે. આથી થોરમાંથી સૌ પ્રથમ પર્ણો દૂર થયા જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઊડી જતો પાણીનો જથ્થો સચવાઇ રહે! બીજું, વરસાદની માત્રા ઓછી થવાથી થોરમાં પાણીનો સંગ્રહ કરવાનો વિશેષ ગુણ ખીલ્યો જેને કારણે આજે પણ તેનું અસ્તિત્વ રેગિસ્તાનમાં અકબંધ છે. સાગુઆરો નામનો થોર પોતાની ખાનાવાળી આંતરિક રચનામાં એકી સાથે એક ટન જેટલા પાણીનો સંગ્રહ કરી શકે છે! આ થોરની બાહ્ય સપાટી સંગીતના વાજીંત્ર એકોર્ડિયનની માફક ધમણ જેવી હોય છે. તુર્કસ કેપ નામક ગોળાકાર થોર પણ ફોલ્ડવાળી આંતરિક રચના ધરાવે છે. રેગિસ્તાનની કાળઝાળ ગરમીમાં થોર બાષ્પોત્સર્જનથી પાણી ગુમાવે એટલે એકોર્ડિયનની દબાતી ધમણની જેમ તેના ફોલ્ડ વધારે ફોલ્ડ થાય છે અને થોરની સપાટી ચીમળાઇ જાય છે. આમ થવાથી તડકામાં ખુલ્લા ભાગનું ક્ષેત્રફળ ઘટી જાય છે એટલે પાણીનું બાષ્પોત્સર્જન થતું ઘટે છે. ઘણા ખરા થોરને કુદરતે આઠથી દશ ફોલ્ડ આપેલા છે. બિશપ્સ હેટ કહેવાતાં થોરને ચાર અંદર અને ચાર બહાર એમ આઠ ફોલ્ડ છે. આ ફોલ્ડમાં પાણી ઓછું થાય એટલે તે ચીમળાઇ જાય પણ જેવું એકાદ વરસાદનું ઝાપટું પડે એટલે એ ફરી પોતાના ફોલ્ડમાં પાણીનો સંગ્રહ કરી લે!

રેતાળ સૂકી જમીનમાં પાણી તરત જ જમીનમાં ઉતરી જાય એટલે થોરના મૂળમાં પણ ક્રમિક ફેરફાર થયા. થોરના મૂળ રેતાળ જમીનમાં આશરે ૨૦ ફૂટ જેટલા ઊંડા ઉતરેલા હોય છે અને પોતાની આસપાસના બે ફૂટના ઘેરાવામાં પોતાના મૂળીયાઓનું નેટવર્ક સ્થાપી શકે છે. આસપાસના વિસ્તારમાં પાણીનું એકાદ ટીંપુ પણ નજરે ચડે એટલે તરત જ મૂળ દ્વારા તેને ખેંચી લે છે. આ પ્રમાણે ટીંપે-ટીંપે તે પાણીનો સંગ્રહ સતત કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. વરસાદી પાણીના સંગ્રહ માટે થોર એક ઉત્તમ ઉદાહરણ છે, પણ થોર વરસાદી પાણી સિવાયના પાણીનો પણ સંગ્રહ કરી શકે છે. ચીલીના અત્તકામા રેગિસ્તાનમાં આશરે ૪૦૦ વર્ષના અંતરાલ બાદ ઇ.સ. ૧૯૭૧માં પહેલા વરસાદ પડયો હતો. એ પહેલાના ચાર સૈકાઓ અત્તકામાના સાવ કોરા ધાકડ ગયા હતા. એ વર્ષોમાં પણ અત્તકામા રેગિસ્તાનમાં પુષ્કળ થોર રહ્યા હતા, જેને કુદરતી અજાયબી ગણી શકાય! વરસાદના પાણી વગર અત્તકામામાં થોર જીવતા રહ્યા હતા તેનું એક માત્ર કારણ પ્રશાંત મહાસાગરના તટવર્તી વિસ્તારમાં થતું ધુમ્મસ હતું. ધુમ્મસ થતાં જે ઝાકળબિંદુઓ ઠરીને અત્તકામા રેગિસ્તાનમાં પડતાં તેને થોર ઝીલી લઇને પોતાનું અસ્તિત્વ વર્ષો-વર્ષ ટકાવી રાખ્યું હતું. દક્ષિણ આફ્રિકાના કલહરી રેગિસ્તાનમાં થતાં એક જાતના થોરને ૧૦ ફૂટ લાંબા અને ૩.૫ ફૂટ પહોલા ફકત બે પાંદડા હોય છે જે જમીન સપાટી ઉપર ફેલાયેલા પડેલા હોય છે. દરિયાઇ ધુમ્મસ ત્યાં ઠરે એટલે ઝાકળબિંદુઓ લાંબા પાંદડા ઉપરથી સરકીને સીધા જમીનમાં ઉતરી જાય અને એ બાદ થોરના મૂળ તેને તરત જ શોષી લે. રેગિસ્તાનમાં પાણી જેવી મૂલ્યવાન બીજી એક પણ ચીજ નથી. રેગિસ્તાનમાં પૂરતાં પાણીનો જથ્થો એકઠો કરવો મુશ્કેલ છે, પણ કુદરત સર્વોપરી છે માટે એ વ્યવસ્થા પણ થોર માટે કુદરત કરી હોવાથી તેનું અસ્તિત્વ આજની તારીખે જોખમમાં નથી.

જોકે થોરને પોતાનો વંશવેલો ટકાવી રાખવા માટે પણ ઝઝમવું પડે છે. આ બાબતનો ઉત્તમ નમૂનો અમેરિકાના દક્ષિણી રાજય એરિઝોનામાં આવેલા મેકિસકન સરહદ ઉપર આવેલા સાગુઆરો થોરના વન છે. પાંદડારહિત સાગુઆરો થોરની ઊંચાઇ આશરે ૪૦ ફૂટ હોય છે. એ જ પ્રમાણે તેના ફૂલ પણ 'એકસ્ટ્રા લાર્જ' થતા હોય છે. આ થોરનું પરાગનયન કરવા માટે પતંગીયા કે ફૂદા કામ આવતાં નથી. સાગુઆરો થોરના પરાગનયનનું કાર્ય ચમાચીડીયા કરે છે. હાલમાં એરિઝોનામાં ચામાચીડીયાઓની વસતી એકદમ ઓછી છે. કુદરતે એનો પણ ઇલાજ અહીં ગોઠવેલો છે. વસંતઋતુ આવે એટલે મેકિસકોના ચામાચીડીયા એરિઝોના ઉપરથી પસાર થાય છે અને વસંતઋતુ પૂરી થાય એટલે એ જ ચામાચીડીયાઓનું ઝુંડ ફરી એરિઝોના ઉપરથી પસાર થઇને મેકિસકો પરત આવે. સાગુઆરો થોર પોતાનું પરાગનયન શકય બનાવવા માટે આ ચામાચીડીયાઓના મેકિસકોથી વાયા એરિઝોનાના પ્રવાસ સમયે વસંતઋતુમાં જ ફૂલોનું સર્જન કરે છે. સાગુઆરો થોર ૨૦ માર્ચ પછી ફૂલકોબી સાઇઝના પોતાના ફૂલોની પાંખડીઓ ખોલી નાખે છે. રાત્રીના સમયે ચામાચીડીયાઓને આકર્ષવા માટે આ ફૂલો એકદમ સફેદ રંગના જ હોય છે. આ ફૂલોનો ફૂલરસ ગ્લુકોઝયુકત હોય છે માટે ચામાચીડીયાઓ પોતાનો લાંબો પ્રવાસ શકય બનાવવા માટે આ ફૂલરસ પીને પોતાના શરીરમાં શકિતઓ ભરી લે છે અને બદલામાં સાગુઆરોનું પરાગનયન કરી આપે છે. વેલ, આ પાર્ટનરશીપ અહી ખતમ થઇ જતી નથી. ૨૧ જૂન પછી આ[img_assist|nid=45770|title=SAGUAARO THOR|desc=|link=none|align=left|width=235|height=314] ચામાચીડીયા પરત આવે ત્યારે સાગુઆરો થોર ઉપર બીયાવાળા ફળ લાગી ચૂકયા હોય છે. ચામાચીડીયાઓ આ ફળોને આરોગીને ઉંધા માથે લટકીને અહી આરામ કરે છે. એ દરમ્યાન સાગુઆરોના બીયાવાળી હગાર પણ ત્યાં જ ફેલાવીને મેકિસકો પરત જાય છે. જે જગ્યાએ બીયાવાળી હગાર પડે ત્યાં નવો સાગુઆરો થોર ઉગે છે.

થોર વિશેનો સૌથી વિસ્મયકારક મુદો હવે આવે છે. થોર પોતાના માટે પાણી કેવી રીતે મેળવે છે એ વિશે આપણે જાણ્યુ પણ થોરને પાણી સાથે ખોરાકની પણ જરૂર હોય છે. વનસ્પતિઓમાં પાન તેનું રસોડું છે. વનસ્પતિ વાતાવરણનો કાર્બનડાયોકસાઇડ પર્ણછીદ્રો વડે ગ્રહણ કરી સૂર્યપ્રકાશ વડે કલોરોફિલ બનાવે છે જે વનસ્પતિઓનો ખોરાક છે. થોરને પાંદડાઓ નહિવત હોવાથી પર્ણછીદ્રો તેના થડમાં આવેલા હોય છે. થોર કાર્બનડાયોકસાઇડ મેળવવા માટે પોતાના થડમાં આવેલા પર્ણછીદ્રો ખોલે એટલે રેગિસ્તાનના ૪૫-૫૦ ડીગ્રી સેલ્શિીયસ જેટલા તાપમાનમાં તેણે મહેનતથી એકત્ર કરેલું પાણીનું પણ બાષ્પોત્સર્જન થઇ જાય. કુદરતે થોરને આ સમસ્યાનો પણ ઉકેલ કરી આપ્યો છે. થોરનું થડ હંમેશા લીલું, જાડું, સખત અને રબ્બર જેવું લીસુ હોય છે. પાણી કે ભેજ તેને ભેદીને વાતાવરણમાં જઇ શકતું નથી. થડરૂપી વોટર ટેન્ક એકદમ સીલબંધ હોય છે. થડમાં પર્ણછીદ્રોની રચના પણ એવી રીતે ગોઠવવામાં આવેલી છે કે, કાર્બનડાયોકસાઇડને પ્રવેશ કરવા માટેના છીદ્રો સપાટીની જરા નીચે તરફ આવેલા છે. આ છીદ્રોમાં હંમેશા થોડી માત્રામાં હવા ભરાયેલી હોય છે આથી પર્ણછીદ્ર પોતે કદી વાતાવરણના સીધા સંપર્કમાં આવી શકતું નથી. આથી પર્ણછીદ્રોમાં રહેલું પાણી અકબંધ રહે છે. થોર માટે સૂર્યપ્રકાશનો મુદ્રો પણ થોડો પેચીદો છે કારણ કે, કલોરોફીલ બનાવવા માટે સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે. આ માટે પણ થોરે પોતાની શરીર રચનામાં ફેરફારો કરેલા છે. દિવસે આગ ઓકતી ગરમીમાં થોર પોતાના પર્ણછીદ્રો બંધ રાખે છે. મધરાત પછી રેગિસ્તાનમાં શિતળ વાતાવરણ થાય ત્યારે થોર પોતાના પર્ણછીદ્રો ખોલે છે અને પ્રકાશસંલેÅલેષણના કાચા માલ જેવા કાર્બનડાયોકસાઇડને પોતાના Åવાસોમાં ભરવાનું શરૂ કરી દે છે, પણ રાત્રીના સમયે ફોટોન કણોનો મારો ચલાવતો સૂર્યપ્રકાશ ન હોય એટલે પ્રકાશસંલેÅલેષણની ક્રિયા થઇ શકતી નથી. જોકે થોર કલોરોફીલના ઉત્પાદનનો કાર્યક્રમ પડતો મૂકતી નથી પણ મુલવતી રાખે છે. પરોઢ સુધી તે શકય હોય એટલો કાર્બનડાયોકસાઇડનો જથ્થો ગ્રહણ કરી લે છે. જેવો સૂર્યોદય થાય એટલે પોતાના પર્ણછીદ્રો બંધ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં 'બંધ બારણે' કલોરોફીલ બનાવવાનું શરૂ કરી દે છે. યાદ રહે, થોર એક જ એવી વનસ્પતિ છે જે પોતાના માટે કલોરોફીલ બનાવવાનું શેડયુલ બદલાવાની ક્ષમતા ધરાવે છે. આ દ્રષ્ટિકોણથી તેને રેગિસ્તાનનનો રાજા ગણી શકાય કે જેની કોઇ પ્રજા નથી!

Disqus Comment