ઉદયપુરમાં આવેલું ઢેબર(જયસમંદ) તળાવ

JAYSAMAND LAKE
JAYSAMAND LAKE
રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જયસમંદ તાલુકામાં આવેલું ઢેબર તળાવ ઇ.સ. ૧૬૮૫ માં મહારાણા જયસિંહ દ્વારા બંધાવવામાં આવેલું છે. આ તળાવ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું કૃત્રિમ તળાવ છે.

મહારાણા જયસિંહ(૧૬૮૦-૧૬૯૮)ના શાસનકાળ દરમિયાન મેવાડના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ખેતી માટે સિંચાઇના પાણીની જરૂરિયાત હતી. મહારાણા જયસિંહના પિતા રાજસિંહે ભુતકાળમાં ગોમતી નદી ઉપર ડેમનું નિર્માણ કરીને રાજસમંદ તળાવ બનાવ્યું હતું. જયસિંહે પણ પોતાના પિતાનું અનુકરણ કરીને આ તળાવનું બાંધકામ કરાવ્યું હતું અને તેને જયસમંદ તળાવ પણ કહેવામાં આવે છે. આ તળાવનું ઉપનામ વિજયસાગર છે.(જયસમંદ નામમાં રહેલા સમંદ શબ્દનો અર્થ દરિયો થાય છે.) ૨, જુન, ૧૬૯૧ના દિવસે આ તળાવનું ઉદ્‌ઘાટન કરવામાં આવેલું હતું ત્યારે મહારાણા જયસિંહે પોતાના વજન જેટલું સોનું ડેમ અને તળાવના વ્યવસ્થાપન માટે દાનમાં આપેલું હતું.

. આ તળાવના આંકડાઓ ઉપર નજર કરીએ તો આ તળાવ ૯ માઇલ(૧૪ કિ.મી.) પહોળું છે અને તેનો સોથી વધારે ઊંડો ભાગ ૧૦૨ ફૂટ(૩૧ મીટર) છે. માર્બલના બનાવેલા પગથીયા ધરાવતો આ તળાવનો ઘેરાવો(પરિઘ)૩૦ માઇલ(૪૮ કિ.મીં) જેટલો છે. તળાવ ઉપર એક બંડ બનાવામાં આવેલું છે જે ૧૨૦૨ ફૂટ(૩૬૬ મીટર) લાંબુ, ૧૧૬ ફૂટ(૩૫ મીટર) ઊંચુ અને ૭૦ ફૂટ(૨૧ મીટર) પહોળું છે. ડેમ ઉપર મધ્યમાં શિવમંદિર આવેલું છે. ડેમના ઉત્તરીય ભાગમાં કોટયાર્ડ આવેલું છે જયારે દક્ષિણ દિશાના છેવાડા ભાગે એક બાર પીલર સાથેનું એક પેવેલીયન આવેલું છે.

. જયસમંદ તળાવમાં સમર પેલેસ આવેલો છે જેનો ઉપયોગ ઉનાળાની ઋતુમાં ઉદયપુરની મહારાણીઓ કરતી હતી. આ તળાવ ત્રણ ટાપુ ધરાવે છે. આ ટાપુઓમાં રાજસ્થાનની ભીલ મિનાસ નામક આદિવાસી પ્રજા વસવાટ કરે છે. આ ત્રણ ટાપુઓમાંથી બે મોટા ટાપુ બાબા કા માગરા અને એક નાનો ટાપુ પીયરી તરીકે ઓળખાય છે. તળાવની આસપાસ ઘટાટોપ જંગલ આવેલું છે જે જયસમંદ સેન્ચૂરી તરીકે ઓળખાય છે. અહી વિવિધ વનસ્પતિઓ, વૃક્ષોમાં વિવિધતા જોવા મળે છે અને આ જંગલ વન્યપ્રાણીઓ માટે સ્વર્ગ સમાન છે. શહેરી વિસ્તારથી દૂર નાની-મોટી પહાડીઓ વચ્ચે આવેલા તળાવની આસપાસના આ જંગલમાં વન્યસૃષ્ટિ તેની ચરમસિમાએ જોવા મળે છે. રાજસ્થાનના ઉદયપુર શહેરથી બાંસવાડા રોડ ઉપર ૪૮ કિ.મી.ના અંતરે જયસમંદ તળાવ આવેલું છે.

વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading