મહાભારત કાળે તળાવોનું મહાત્મ્ય

Submitted by vinitrana on Tue, 08/19/2014 - 08:49
મહાભારત યુદ્ઘમાં બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ પાસે ધર્મનું રહસ્ય જાણી લેવા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠીરને આજ્ઞા કરે છે. આથી ભીષ્મ પિતામહને પ્રણામ કરીને યુધિષ્ઠીરે વિવિધ પ્રશ્નો પૂછયાં છે. મહાભારતના અનુશાસનપર્વ-દાનધર્મ પર્વના અધ્યાય અઠ્ઠાવનમાં એક પ્રશ્ન આ મુજબ છે:

[img_assist|nid=48361|title=1|desc=|link=none|align=left|width=314|height=196]યુધિષ્ઠીર : હે ભરતશ્રેષ્ઠ કુરુસિંહ ! હવે હું તમારી પાસેથી બગીચાઓ તથા તળાવો બાંધવાથી મળતું ફળ સાંભળવા ઇચ્છું છું.

ભીષ્મ પિતામહ : જેનો દેખાવ ઘણો જ સુંદર હોય, જેમાં પુષ્કળ પ્રકારનું ધાન્ય ઉત્પન્ન કરવાની શકિત હોય, જેનો દેખાવ વિચિત્ર ધાતુઓથી વિભૂષિત હોય અને જેમાં પ્રાણીમાત્રને નિવાસ કરવાની અનુકૂળતા હોય, તે ભૂમિ શ્રેષ્ઠ કહેવાય છે. એવી ભૂમિમાં જુદાં-જુદાં ક્ષેત્રોમાં તળાવો બંધાવવા અને તળાવો ખોદાવવા તે ઉત્તમ ગણાય છે, માટે તે સર્વના અનુસંધાનમાં હું અનુક્રમે કહું છું. જે પુરુષે તળાવો બંધાવેલા હોય છે તે પુરુષ ત્રણેય લોકમાં પૂજાય છે. કેમ કે, તળાવ પ્રાણીમાત્રને પોતાના મિત્રની પેઠે ઉપકાર કરનારું છે, સૂર્યને પ્રસન્ન કરનારું છે અને દેવોને પોષણ કરનારું છે. આથી તળાવો બાંધવા તે અતિ ઉત્તમ કિર્તિજનક છે. વિદ્ઘાનો કહે છે કે, તળાવો બંધાવવાથી ધર્મ, અર્થ અને કાજનું ફળ મળે છે. કોઇ યોગ્ય પ્રદેશ ઉપર તળાવ બંધાવવાથી ઘણું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. કેમ કે, તળાવ એક મોટા આશ્રમરૂપ હોય છે. તળાવ ચારેય પ્રકારના પ્રાણીઓને આશ્રમરૂપ થઇ પડે છે માટે ખોદાવેલા કે બંધાવેલા તળાવો ઉપર લક્ષ્મી આવે છે. તળાવો ખોદાવવાથી કે બંધાવવાથી જે ગુણો અને ફળ પ્રાપ્તિ ઋષિઓએ કહી છે એ હવે હું તને કહું છું-જે પુરુષે બંધાવેલા તળાવમાં વર્ષાકાળમાં પાણી રહે છે તેને અગ્નિહોમનું ફળ મળે છે. જે પુરુષે બંધાવેલા તળાવમાં શરદઋતુમાં પાણી રહે છે તે પુરુષને મરણ બાદ એક હજાર ગાયોના દાન જેટલું ઉત્તમ ફળ મળે છે. જેના તળાવમાં હેમંતઋતુ સુધી પાણી રહે છે તે પુરુષને પૂષ્કળ સુવર્ણ દાનવાળા યજ્ઞનું ફળ મળે છે. જણે બંધાવેલો તળાવમાં શિશિરઋતુ સુધી પાણી રહે છે તેને અગ્નિષ્ટહોમનું ફળ મળે છે. જે પુરુષે મોટા આશ્રયવાળું તળાવ બંધાવેલું હોય, જેમાં વસંતઋતુ સુધી પાણી રહે છે તે પુરુષને અતિરામ યજ્ઞનું ફળ મળે છે. જેના તળાવમાં ગ્રીષ્મકાળ સુધી પાણી રહે છે તે વ્યકિતને અÅવમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.

જે વ્યકિતે બંધાવેલા જળાશયોમાં ગાયો તથા સત્પુરુષો જળપાન કરે છે, તો એ વ્યકિતનું આખું કુળ સુખ-સમૃદ્ઘિ ભોગવે છે. જેના તળાવોમાં તૃષાતૂર થયેલા ગાયો, મૃગો, પક્ષીઓ અને મનુષ્યો જળપાન કરે છે તે વ્યકિતને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે. જેણે બંધાવેલા તળાવમાં પ્રાણીઓ જળપાન કરે છે, સ્નાન કરે છે તથા વિશ્રાંતિ લે છે તે પુરુષને મરણ પછી અનંત ફળ પ્રાપ્ત થાય છે. હે તાત્ ! જળ એક દુર્લભ વસ્તું ગણાય છે અને પરલોકમાં તો એ વિશેષ કરીને દુર્લભ છે માટે જળનું દાન કરવાથી સનાતન કાળની તૃપ્તિ મેળવી શકાય છે. હે નરસિંહ ! જાણી લે કે તળાવ બંધાવવાથી જે જળતૃપ્તિ થાય છે તે સર્વ દાનોમાં અત્યંત શ્રેષ્ઠ છે અને સર્વ દાનો કરતાં વિશેષ છે. આથી જળનું દાન તો અવશ્ય કરવું જોઇએ. આ રીતે મેં તને તળાવો બંધાવવાનું ઉત્તમ ફળ કહ્યું.

મહાભારતમાં ભીષ્મએ બાણશૈયા ઉપર સૂતેલી અવસ્થામાં યુધિષ્ઠીર સમક્ષ ઉચ્ચારેલી આ વાણી આજે પાંચ હજાર વર્ષ પછીએ તળાવનું અનુપમ મહાત્મ્ય સમજાવે છે. તળાવ અનેકનું જીવનદાતા છે. માટીમાં રહેલા બેકેટેરિયા અને સૂક્ષ્મ કીડા-મંકોડાથી માંડીને અનેક મળતાં જળચરો જળના આશ્રયે રહીને ખોરાક મેળવે છે તથા જીવનથી મરણ સુધીનો કાળ વ્યતિત કરે છે. કુતરાં, ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ તળાવથી જ પોતાની તરસ છીપાવે છે. એ જ રીતે અનેક જાતના પક્ષીઓ પણ તળાવના જળથી જ પોતાની તૃષાથી સંતૃપ્તિ મેળવે છે. આવા તળાવના જ જળથી ઘાસ, લતાઓ અને વૃક્ષો પોષણપામી લીલાછમ્મ રહે છે તથા અનેક જીવોને આહાર પૂરો પાડે છે. તો, મનુષ્યો પણ ધાર્મિક ક્રિયાઓ, સ્નાન જેવી પ્રવૃતિ માટે જળાશયના જળનો આશરો લે છે.

આપણે ત્યાં જો નદીઓ લોકમાતા કહેવાય છે તો તળાવ પિતા કે મિત્ર સમાન છે. ખાસ કરીને આજનો યુગ કે જેમાં જળ દુર્લભ બનતું જાય છે ત્યારે આપણે ધર્મ દ્વારા પ્રાપ્ત થયેલી પરંપરામાં તળાવો બંધાવતા, ખોદાવવા કે તેનો જીણોદ્ઘાર કરવા એ ઉત્તમ કર્મ છે. આવા કર્મમાં યથાશકિત પોતપોતાના સામર્થ્ય મુજબ દરેક વ્યકિતએ સહકાર આપવો જોઇએ. ઓછામાં ઓછું આપણે એવું તો કરી જ શકીએ કે, આપણે આપણા વાવ, કૂવા અને તળાવોમાં ગંદકી ન નાખીએ, બીજાને ગંદકી કરતાં અટકાવીએ અને તેે સ્વચ્છ રાખીએ. આજના આધુનિક યુગની આ એક ઉત્તમ સેવા કહેવાશે. જળદેવતાનું સન્માન કરવું એ આપણો ધર્મ છે અને આજના યુગની તીવ્ર માગ છે.

વિનીત કુંભારાણા
Disqus Comment

More From Author

Related Articles (Topic wise)

Related Articles (District wise)

About the author

नया ताजा