અબડાસા તાલુકાના દરિયાકાંઠા પાસે આવેલું કોષા ગામનું નાગરેછા તળાવ અને તેરાના ત્રણ તળાવ

Submitted by vinitrana on Thu, 09/04/2014 - 08:37
કોષા ગામ એ અબડાસા તાલુકામાં દરિયાકાંઠા પાસે વસેલંુ ગામ છે છતાંપણ આ ગામમાં આજે પણ પીવાના પાણીની કોઇ મુશ્કેલી નથી! આ પરિસ્થિતિ માટે કોષા ગામમાં આવેલું તળાવ જવાબદાર છે. આ તળાવ કોષા ગામના વડિલો દ્વારા બનાવવામાં આવેલું છે. ભૂસ્તરની દ્રષ્ટિએ આ તળાવ રીસન્ટ સમયના કાંપ ઉપર બનાવવામાં આવેલું છે. આ કાંપની નીચે દરિયાની ખારાશવાળા ખડક મળી આવે છે. પીવાના પાણીના આ તળાવમાં દોઢ વર્ષ સુધી પાણી મળી રહે છે.

આ તળાવમાં સાત કુવાઓ આવેલા છે. ત્રણ કુવા તળાવના ઉપરના ભાગમાં એટલે કે જયાં પાણીનો ભરાવો ઓછો હોય છે ત્યાં બનાવવામાં આવેલા છે. ત્રણ કુવાઓ તેનાથી નીચેના ભાગમાં એટલે કે જયાં પાણીનો ભરાવો મધ્યમ હોય છે ત્યાં બનાવવામાં આવેલા છે અને એક કુવો તળાવના મધ્યભાગમાં કે જયાં પાણીનો ભરાવો સૌથી વધારે હોય છે ત્યાં બનાવવામાં આવેલો છે.

આ કુવાની ઊંડાઇ બાબતે લોકોએ ખૂબ જ કાળજી રાખેલી છે. સૌથી ઊપરના ભાગના કુવાઓની ઊંડાઇ ૨૦ ફુટ છે તેનાથી નીચેના કુવાઓની ઊંડાઇ ૧૭ ફુટ છે અને મધ્યભાગમાં આવેલા કુવાની ઊંંડાઇ ૧૫ ફ્રટ છે. કુવાઓની ઊંડાઇ બાબતે વડિલોની કોઠાસુઝનો અનુભવ થાય છે. દરેક કુવાઓની ઊંડાઇ જયાં સુધી કાંપ મળી આવે છે એટલી જ રાખવામાં આવેલી છે. જો આ કુવાઓની ઊંડાઇ એકાદ ફૂટ પણ વધારવામાં આવે તો ખારાશવાળા ખડકને કારણે પાણીની ગુણવત્તા તરત જ નબળી પડી જાય! અહીં વડિલોએ ભૂસ્તર અંગે પોતાની ઊંડાણપૂર્વકની વિચારધારાનો ઉપયોગ કર્યો છે તેની સાથે આ કુવાઓના વ્યવસ્થાપન અંગેની ચીવટ પણ લેવામાં આવી છે. ઉપરના ભાગમાં આવેલા ત્રણ કુવામાંથી એક કુવાનો ઉપયોગ માત્ર ધાર્મિક પ્રસંગો પૂરતો મર્યાદિત છે. જયારે બાકીના બે કુવાઓ જ્ઞાતી પ્રમાણે વહેચાયેલા છે.

સૌ પ્રથમ જયારે તળાવ આખું ભરેલુ હોય ત્યારે આ કુવાઓનો ઉપયોગ થાય છે. ત્યાર બાદ જેમ જેમ તળાવમાં પાણી નીચું ઊતરતું જાય છે તેમ તેમ ઉપર બાજુના ભાગે આવેલા કુવાઓનું પાણી સુકાતું જાય છે અને ત્યારે તેનાથી નીચેના ભાગમાં આવેલા બીજા ત્રણ કુવાઓનો ઉપયોગ શરૂ થાય છે. આ ત્રણ કુવાઓમાં જયા સુધી તળાવમાં પાણી ભરેલું હોય ત્યાં સુધી પાણી મળી રહે છે. જયારે તળાવમાં પાણી ખાલી થઇ જાય છે ત્યારે આ કુવાઓમાંથી પાણી મળી શકતું નથી.

અગાઉ જણાવ્યું તેમ આ તળાવમાં દોઢ વર્ષ સુધી પાણી રહે છે એટલે કે દોઢ વર્ષ સુધી આ છ કુવાઓમાં પાણી મળી રહે છે. હવે જયારે દુષ્કાળ પડે છે ત્યારે બીજા વર્ષના બાકીના છ મહીના સુધીનું પાણી તળાવની મધ્ય ભાગમાં આવેલા સાતમાં નંબરના કુવામાથી પાણી મળી રહે છે અને આ કુવો આખા ગામ માટેનો કુવો છે કે જેમાંથી દરેક જ્ઞાતીના લોકો પાણી ભરીને પીએ છે એટલું જ નહી તળાવના કુવાઓની વ્યવસ્થાપનને લોકોએ ધર્મ સાથે જોડી દીધા છે જેના પ્રતિકરૂપે કુવાની પરથાળ ઉપર કોઇપણ વ્યકિત સ્વૈચ્છિક રીતે પગરખા પહેરીને જતી નથી.

આવી આ સુંદર વ્યવસ્થાપનની પદ્ઘતિ કુદરતી જળચક્ર સાથે સુસંગત રહે એ માટે ગામલોકોએ પોતાની રીતે આવક્ષેત્રનો પણ વિકાસ કરેલો છે. આ તળાવનું કુદરતી આવક્ષેત્ર નાનું હતું જેને કારણે ગામની પાણીની જરૂરિયાત પૂર્ણ થાય એટલું પાણી તળાવમાં આવતું ન હતું આથી ગામના લોકોએ આસપાસની આશરે ૩૫૦ હેકટર જમીનનું વરસાદી પાણી પણ આ તળાવમાં આવે એ રીતે પાણીના વહેણને વાળી લીધું છે.

અહીં દુ:ખની વાત એ છે કે, ગામના આધુનિકરણના ટુંકા દ્રષ્ટિકોણને લીધે પાણીના આ વહેણો ઉપર રોડ બનાવી નાખવામાં આવેલા છે જેને કારણે પાણી તળાવમાં આવવાના બદલે અન્યત્ર ફંટાઇ જાય છે. આવા આધુનિકરણને કારણે કુદરતી જળચક્ર અને વપરાશના ચક્ર સાથે સુમેળ રહેતો નથી. આવી ભૂલો આપણે સુધારી લઇએ તો કોષા ગામના નાગરેછા તળાવ જેવા અન્ય તળાવો પણ આપણી જીવાદોરી સમાન બની જશે. વડિલો દ્વારા વિકાસ કરવામાં આવેલા આ નાગરેછા તળાવના વ્યવસ્થાપન માટે કોઇ સમિતી નથી અને જરૂર પણ નથી કારણ કે, ગામનો પ્રત્યેક વ્યકિત સ્વૈચ્છિક રીતે આ વ્યવસ્થાપનને અનુસરતો હોય તો સમિતી બનાવવાની જરૂર છે ખરી??

તેરાના ત્રણ તળાવ...

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલું છે તેરા ગામ. આ ગામના પાદરે સુંદર મજાના ત્રણ તળાવો આવેલા છે. 'ત્રે તરા' એટલે કે, ત્રણ તળાવો ઉપરથી આ ગામનું નામ તેરા પડેલું છે એવું ગામ લોકો કહે છે. આ ગામ વસ્યું હશે ત્યારથી જ આ તળાવોનું આયોજન થયું હશે એવું જણાય છે. આ તળાવોનું આયોજન ગામની પાણીની જરૂરિયાતને અનુલક્ષીને થયુ હશે.

ગામના પાદરે આ તળાવો અને તળાવોમાં વરસાદના પૂરતા પાણી માટે ઉપરવાસથી ૧૩ કલોમીટર દૂર આવેલા ભવાનીપરના ટેકરાઓ ઉપર પડતાં વરસાદનું પાણી નાનકડા વહેણ દ્વારા અગ્નિ ખુણાથી ગામના ચોકમાં ફેલાઇને છતાસર તળાવમાં આવે છે. આ તળાવની ક્ષમતા અને ભૌગોલિક રચના તથા બાંધકામને અનુલક્ષીને તળાવ અમુક લેવલ સુધી ભરાય છે. તેને સામે છેડે બનાવેલા ઓવરફલો દ્વારા એક નાની ચેનલમાંથી પસાર થઇ આ પાણી સુમરાસર તળાવમાં દાખલ થાય છે. સુમરાસર તળાવ ભરાય જાય એ બાદ તેની બાજુમાં આવેલું ચતાસર તળાવ ભરાય છે. ચતાસર તળાવમાં પાણી જાય ત્યારે ઓવરફલોના બે રીતના લેવલ રાખવામાં આવેલા છે. ૬૦% પાણી ચતાસર તળાવમાં અને ૪૦% પાણી તેરાની મીઠી નદીમાં જાય છે.

આ ત્રણેય તળાવની પાળ એકદમ વ્યવસ્થિત બનાવવામાં આવેલી છે. ઓવારા, પગથીયા, પાળ ઉપર દરવાજા, પાળ ઉપરથી રસ્તાઓ, મંદિર, ધર્મશાળાઓ અને છતરડીઓ બનાવવામાં આવેલી છે.આ તળાવની વિશેષતા એ દેખાઇ રહ્યી છે કે, લોકોએ સમજુતીપૂર્વક પહેલું(છતાસર)તળાવ માત્ર નાહવા માટે ઉપયોગ કરે છે. આ તળાવમાં ભાઇઓ અને બહેનોના આરાઓ જુદા-જુદા છે. નહાયા બાદ કપડા બદલવા માટેની પણ અલગથી વ્યવસ્થા છે. કપડા ધોવા માટે પણ સરસ છીપરાઓ રાખવામાં આવેલા છે. એક આરા ઉપર મોટી ઉમરની બહેનો કપડા ધોવા બેસતી એટલે એ આરાને 'ડોશીબાઇનો આરો' તરીકે ઓળખવામાં આવે છે. એક તળાવમાંથી બીજા તળાવમાં કેટલું પાણી જાય છે? તળાવ ઓવરફલો થવામાં કેટલું બાકી છે? તે પણ જોઇ શકાય તેવી વ્યવસ્થા અહી રાખવામાં આવેલી છે.

સુમરાસર તળાવમાંથી રાજાના દરબારગઢમાં એક કુવો બનાવવામાં આવેલો છે. આ કુવામાં આ તળાવનું પાણી જાય છે. આ તળાવ છતાપીર દરગાહની બાજુમાં આવેલું હોવાથી તેનું નામ છતાસર તળાવ રાખવામાં આવેલું છે.

બીજા નંબરના(સુમરાસર)તળાવનું નામ એ મહારાવ શ્રી સુમરાજી ઉપરથી રાખવામાં આવેલું છે. આ તળાવના પાણીનો ઉપયોગ પીવાના પાણી માટે કરવામાં આવે છે. આ તળાવના કાંઠે પીવાના પાણી માટેના વાસણ પણ સાફ કરવાનું સ્વૈચ્છિક બંધન છે. આ તળાવમાં કોઇપણ વ્યકિત બુટ-ચપ્પલ પહેરીને પણ જતાં નથી. કોઇપણ ઢોરને પણ આ તળાવમાં પાણી પાવા લઇ જવા ઉપર પ્રતિબંધ છે.

ત્રીજું(ચતાસર)તળાવ એ વટ(સ્ત્રી હઠ)ને ખાતર બનાવવામાં આવેલું છે. આ ગામમાં એક શ્રેષ્ઠી ચત્રભૂજ જેમના ધર્મપત્નિ તળાવે કપડા ધોવા માટે ગયેલા એ વખતે બાજુવાળા બહેન કપડા ધોતા હશે ત્યારે ચત્રભૂજના પત્નિને છાંટા ઉડેલા હતા તો એમણે બહેનને છાંટા ન ઉડાડવા માટે કહેલું. પેલા બહેને ચત્રભૂજની પત્નિને મહેણું મારતા કહ્યું, ''તારો વર તો પૈસાવાળો છે એવુ હોય તો તારા ઘરનું તળાવ બંધાવને! અહીં તો છાંટા ઉડવાના જ!'' ચત્રભુજના પત્નિને માઠુ લાગી આવ્યુ અને ઘેર જઇ રીસ ચડાવી બેસી ગયા. ચત્રભૂજે રીસનું કારણ પૂછતા તેમણે તળાવ ઉપર બનેલી ઘટનાનું વર્ણન કર્યુ અને તળાવ બનાવવાનું વચન માગ્યું.

ચત્રભૂજ શેઠે પોતાની પત્નિને વચન આપ્યું અને તે પાળી બતાવ્યું. આ રીતે ગામમાં ત્રીજું તળાવ બન્યું જેનું નામ ચત્રભુજ શેઠના નામ ઉપરથી ચતાસર તળાવ રાખવામાં આવ્યું. આ તળાવના પાણીનો ઉપયોગ બધા જ હેતુ માટે કરવામાં આવે છે. બીજા તળાવમાંથી આ તળાવમાં પગથીયા ઉપરથી જતું પાણી એક 'નયન રમ્ય' દ્રશ્ય ખડું કરે છે. આ બન્ને તળાવની વચ્ચે કિનારા ઉપર દ્ઘિદામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જયાં ગામલોકો સવાર-સાંજ દર્શન કરવા અને ફરવા માટે જાય છે.

વિનિત કુંભારાણા
Disqus Comment

More From Author

Related Articles (Topic wise)

Related Articles (District wise)

About the author

नया ताजा