ઔદ્યોગીકરણના વાયરામાં કચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે...!!! (૨)

Published on
3 min read

એક સામાન્ય ખેડૂત જયારે ખેતી કરે છે ત્યારે તેને હંમેશા એવી આશા હોય છે કે, ઉત્પાદન સારૂં થશે. ખેત ઉત્પાદન સારામાં સારું થાય એ માટે ખેડૂત કર્જો કરતાં પણ અચકાતો નથી અને પોતાની પૂરી તાકાત લગાડીને સીઝન પહેલા પોતાનાથી બની શકે એટલું કરી છુટે છે. ઘણું બધું કરવા છતાં પણ છેલ્લે જયારે ઉપજ સંતોષકારક ન થાય ત્યારે ખેડૂતને ઘોર નિરાશા સાંપડે છે. આવું જ કંઇક હાલમાં લખપત તાલુકાના પાનધ્રો નજીક બની રહ્યું છે. જયારે અહીં લીગ્નાઇટની ખાણો હતી ત્યારે હજારો ટ્રકથી અહીની જમીન ધણધણી રહ્યી હતી. હવે આ જમીનો વીજમથક દ્વારા છોડવામાં આવેલા કેમીકલયુકત પાણીથી ખદબદે છે. દૂષિત પાણીને કારણે જમીનના પોષક તત્વોનો નાશ થઇ રહ્યો છે અને ધીર-ધીરે જમીન બીન ઉપજાવ થઇ રહ્યી છે. આ ક્ષારયુકત દૂષિત પાણી એટલું ઝેરી છે કે, આસ-પાસમાં આવેલા વૃક્ષોનો પણ ખોં નીકળી ગયો છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકી શકે તેવા વૃક્ષો પણ જો આવા પાણીની સામે ઝઝુમી શકતા ન હોય તો ખેતીના કુમળા છોડ તો આવી ખારા પટ્ટ બની ગયેલી જમીનમાં કેવી રીતે પોષણ મેળવી શકે?

કચ્છના ઉદ્યોગોને નર્મદા યોજનાનું પાણી મળે છે. અહીં મૂળભૂત મુદો એ છે કે, નર્મદા યોજનાના ઉદ્રેશમાં પ્રથમ ક્રમાંક પીવાના પાણીને ત્યારબાદ ખેતીમાં સિંચાઇના પાણીનો હતો. ઉદ્યોગોને નર્મદા યોજનામાંથી પાણી આપવાની મંજૂરી પાછળથી ઉમેરવામાં આવેલી છે. આજે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે, પ્રાથમિકતાનો આખો ક્રમ જ બદલાઇ ગયો છે. કચ્છમાં ઉદ્યોગોને નર્મદા કેનાલમાંથી ૪૦ એમએલડી પાણી આપવામાં આવે છે પણ ઉદ્યોગો આ પાણી મળે કે ન મળેની ફિકર કર્યા વગર બેફામ ભૂગર્ભજળ વાપરે છે અને અમે તો નર્મદાનું મળતું કાયદેસરનું જ પાણી વાપરીએ છીએ એવો જવાબ જે તે સમયે આપે છે. ઉદ્યોગો માટે કચ્છમાં નર્મદાની પાઇપલાઇન બચાવનું એક મોટું સાધન બની ગયું છે. કચ્છમાં સ્થાપિત ઉદ્યોગો દૈનિક આશરે પાંચ કરોડ સીત્તેર લાખ લિટર પાણી નર્મદા યોજનાનું વાપરે છે. જિલ્લામાં આવેલા વિવિધ ૯૭ ઉદ્યોગોને નર્મદાનું આશરે આઠ કરોડ છવીસ લાખ લિટર પાણી મંજૂર કરવામાં આવેલું છે. દૈનિક જે પાણી મંજૂર કરવામાં આવેલું છે એ કરતાં ઉદ્યોગોને બે કરોડ છપ્પન લાખ લિટર ઓછું પાણી મળે છે. પાણીની આ ઘટ્ટ ઉદ્યોગો કેવી રીતે સરભર કરે છે?! સરળ જવાબ છે ભૂગર્ભજળથી અથવા તો તંત્ર પાસેથી ગેરકાયેદસર રીતે પાણી મેળવે છે. આ પરિસ્થિતિની બીજી બાજુ જોવાનો પ્રયત્ન કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે, નર્મદા યોજનાનું પીવાનું પાણી અનિયમિત અને અપૂરતા જથ્થા સાથે આપીને યોજના સાથે સંકળાયેલા તમામ ગ્રામ્ય વિસ્તારોને પાણી ન મેળવવા આડકતરી રીતે લાચાર કરવામાં આવી રહ્યા છે જેથી ઉદ્યોગોને વધુ પાણી આપી શકાય. કચ્છમાં ઉદ્યોગો દ્વારા વપરાતા નર્મદાના પાણીનું અન્ય રીતે મૂલ્યાંકન કરીએ તો ભુજ શહેરની પીવાના પાણીની ચાર દિવસની જરૂરિયાત જેટલું પાણી ઉદ્યોગો એક દિવસમાં વાપરી નાખે છે. [img_assist|nid=45774|title=HAMIRSAR LAKE-BHUJ|desc=|link=none|align=left|width=314|height=235]ભુજ શહેરનું હમીરસર તળાવ એક જ વર્ષમાં સાત વખત ભરી શકાય એટલું પાણી ઉદ્યોગો એક જ વર્ષમાં વાપરી નાખે છે.(સૌજન્ય: શ્રી અશ્વિનભાઇ ઝિંઝુવાડિયા-કચ્છમિત્ર) ખેર, અહીં સવાલ પાણી વપરાશનો નહી પણ વિવેકબુદ્ઘિનો છે. કચ્છમાં ભૂકંપ બાદ ઉદ્યોગોનો રાફડો ફાટયો છે પણ જે રીતે પાણીનો વપરાશ કરવામાં આવી રહ્યો છે એ જોતા આગામી થોડા વર્ષોમાં કચ્છના ભૂતળ કદાચ ખાલીખમ્મ થઇ જશે ત્યારે કચ્છના ઉદ્યોગોની સાથે કચ્છના પ્રજાજનોએ પણ પીવાના પાણી પરત્વે પરાવલંબન ભોગવવું પડશે. કચ્છના પ્રજાજનોને તો જાણે 'પાડાના વાંકે પખાલીને ડામ' જેવો તાલ થશે એમ કહી શકાય. ઉદ્યોગો નર્મદાના પાણીની સાથે કચ્છના ભૂગર્ભજળ વાપરે એ સાથે ભૂગર્ભજળ રિચાર્જની કામગીરી પણ બહોળા પ્રમાણમાં કરે તો પ્રજાજનોની સાથે તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત થઇ શકે! હાલના સમયમાં સરકારે લીધેલો પ્રજાજોગ નિર્ણય ઉદ્યોગો સામે લાલબત્તી સમાન છે. ઉદ્યોગો હવે આ લાલબત્તીને સમજીને કમ સે કમ કચ્છપ્રદેશના ભૂગર્ભજળનું શોષણ કરવાનું બંધ કરી દેવું જોઇએ જેથી આવનારી પેઢીનું ભાવિ સુરક્ષિત રહી શકે.

જળ અને જમીનને સાચવવા ખૂબ જ જરૂરી છે પણ કચ્છમાં ઓદ્યોગીકરણને કારણે આ બન્ને ક્ષેત્રે મોટો ખતરો ઊભો થયો છે. છાસવારે ખેતીલાયક જમીનને બીન ખેતીમાં ફેરવીને તેનું વેંચાણ કરી દેવામાં આવે છે અને ત્યાં મોટા ઉદ્યોગો સ્થાપી દેવામાં આવે છે. એક વાત ચોક્કસ છે કે આવા ઉદ્યોગો આપણને શાકભાજી કે અનાજ પકવી દેશે નહી. આ વાતની આપણે ખબર હોવા છતાં પણ આપણે આજે ઉદ્યોગોને વધારે ને વધારે પ્રોત્સાહન આપતાં રહીએ છીએ. ઉદ્યોગો હોય એટલે પાણીની જરૂરિયાત તો રહેવાની જ. આવા સંજોગોમાં ભૂગર્ભજળનું અતિ શોષણ કરવામાં આવે છે અને ઉદ્યોગોના દૂષિત પાણી દ્વારા સપાટીય જળસ્રોતોને પ્રદૂષિત કરી નાખવામાં આવે છે. આ પ્રકારે સતત ઔદ્યોગીકરણનું ભષ્ટ્ર ચક્ર ચાલુ રહેશે તો ભવિષ્યમાં અનાજ પકવવા માટે સ્વચ્છ જળ કે જમીન રહેશે નહી!

વિનીત કુંભારાણા

संबंधित कहानियां

No stories found.
India Water Portal - Hindi
hindi.indiawaterportal.org