બીટી રીંગણ રીંગણ અને વેલ ઉપર પાકતા બટાટા

Brinjal
Brinjal

મલ્ટિનેશનલ કંપની મોન્સેટોએ રીંગણના બિયારણમાં બાયો ટેકનોલોજિથી જમીનજન્ય જીવાણું બેસીલસ થુરિંજિએન્સિસ દાખલ કરીને બીટી રીંગણની નવી જાત બજારમાં મૂકી છે. જિનેટિકલી મોડીફાઇડ બિયારણમાં આ જમીનજન્ય જીવાણું રીંગણના છોડમાં ઝેર ઉત્પન્ન કરે છે જેને કારણે આખો છોડ ઝેરી બની જાય છે. રીંગણના છોડને નુકશાન કરતી ઇયળો આવા છોડના કોઇપણ અંગને ચૂસે એટલે તરત જ ઝેરની અસરને કારણે ઇયળ મરી જાય. થોડા વર્ષો પહેલા આ પ્રમાણે જ કપાસના છોડ માટે પણ બીટી બિયારણ બનાવવામાં આવેલું હતું જે હવે સામાન્ય થઇ ગયું છે.
Brinjal_BTBrinjal_BT જોકે જે તે સમયે થોડા સમય માટે આવા બિયારણના વિરોધનો વંટોળ ઊભો થયો હતો પણ સમય જતાં તે હવે શાંત થઇ ગયો છે. કપાસની વાત કરીએ તો આપણે કદી કપાસને સીધા આરોગતા નથી પણ કપાસીયાના તેલનો ઉપયોગ ખાવામાં લઇએ છીએ. કપાસીયામાંથી તેલ કાઢવામાં આવે ત્યારે આવા ઝેરનો નાશ કરી દેવામાં આવે છે એવું નિષ્ણાતો કહે છે. રીંગણનો ઉપયોગ આપણે જમવામાં સીધો જ કરીએ છીએ ત્યારે આ ઝેર સીધું આપણી હોજરીમાં ઠલવાઇ જાય તે સ્વાભાવિક છે.

કૃષિ ક્ષેત્રે કોઇપણ નવું સંશોધન કરવામાં આવે ત્યારે બે વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો હોય છે એક, જાત સુધારણા અને બીજું વધુ ઉત્પાદન. રીંગણની બાબતમાં વાત કરીએ તો કૃષિ તજ્જ્ઞોના તારણો મુજબ રીંગણના છોડમાં ડુંખ અને ફળ ખાનારી ઇયળોને કારણે દર વર્ષે આશરે ૪૦% પાક બરબાદ થઇ જાય છે. બીટી રીંગણથી આવુ થતું કદાચ અટકી જશે, પણ અહી મૂળભૂત સવાલ એ છે કે, આવા બીટી બિયારણ બનાવાનું શા માટે જોઇએ? વર્ષ ૨૦૦૯માં આપણા દેશમાં રીંગણની અછત હતી નહી અને રૂપિયા ૮૫૦૦ કરોડ રૂપિયાના રીંગણનો વેપાર નોંધાયેલો છે જેમાંથી ૨૦૦ કરોડ રૂપિયાના રીંગણ તો આપણે નિકાસ કરેલા છે. આમછતાં પણ કેન્દ્ર સરકારે બીટી રીંગણને ઓકટોબર ૨૦૦૯માં મંજૂરી આપી દીધી છે પણ વન અને પર્યાવરણ મંત્રી શ્રી જયરામ રમેશે દેશભરમાં લોકમત મેળવ્યા બાદ જ આખરી નિર્ણય લેવાનું ઉચિત માન્યું છે. આ માટેની પ્રક્રિયા દેશભરમાં શરૂ થઇ ચૂકી છે. હવે જો લોકમત તરફેણમાં આવે તો બીટી રીંગણ ખાવાથી શો ફરક પડે!? દેખાવે તો સાદા રીંગણ અને બીટી રીંગણમાં કોઇ જ તફાવત નથી પણ બીટી રીંગણની અંદર ઇયળોને મારવાનું ઝેર હશે માટે રીંગણને કાચા ખાઇ શકાશે નહી પણ કંપનીનો દાવો છે કે બીટી રીંગણને રાંધવામાં આવે ત્યારે આ ઝેરનો નાશ થઇ જાય છે.

આ અગાઉ પણ સૌપ્રથમ બી.ટી. કોટણની જાત બજારમાં મૂકવામાં આવી હતી. ભારતવર્ષના ત્રણ રાજયો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મબલક બી.ટી. કોટનનું ઉત્પાદન ખેડૂતો દ્વારા લેવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિ એવી છે કે, આ ત્રણેય રાજયોમાં બી.ટી. કોટનનો વાવેતર વિસ્તાર વધ્યો હોવાને કારણે કાળાબજારમાં ગરમી આવી ગઇ છે. બી.ટી. કોટન બિયારણની પેટન્ટ વિદેશી કંપનીઓ પાસે છે. આથી આ કંપનીઓ આ ત્રણેય રાજયોના ખેડૂતોને બી.ટી. કોટનના બિયારણનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપે છે. ખેડૂતો બિયારણનું ઉત્પાદન કરે પણ છે પરંતુ કંપની ખેડૂતોને નજીવી રકમ આપી આ બિયારણ ખરીદીને કંપનીના માર્કા સાથે સીધુ બજારમાં વેચાણમાં મૂકે છે. ખેડૂતોની મહેનતની કમાણી કંપની ભરપૂર નફા તરીકે લે છે. ખેડૂતોના વ્યાપક અસંતોષને કારણે હવે આ કંપનીઓ દ્વારા ત્રણેય રાજયોની ગૃહ સરકારને મનાવી લઇને એક ભાવ બાંધણું નક્કી કરેલું છે.

ઉચ્ચસ્તરે બી.ટી. કોટન કે ખેતીના અન્ય ઉત્પાદનના ભાવ બાબતે અંગે ચર્ચા કરવા કરતાં ખેડૂતોનું જીવન ધોરણ કેવી રીતે ઊંચું લાવવું એ અંગેનો માસ્ટર પ્લાન ઘડી કાઢવાની તાતી જરૂરિયાત જણાય છે. ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં ખેતી જેવો એક પણ મોટો ઉદ્યોગ નથી. આજે આ ઉદ્યોગની કમર ભાંગી ગઇ છે. આ ઉદ્યોગને ફરી જીવંત કરવાની જરૂર છે અને આ ઉદ્યોગ જીવંત ત્યારે જ થશે જયારે વિદેશી કંપનીઓનું આક્રમણ ઓછું થશે. વિદેશી લેભાગું કંપનીઓના લલચાવનારા પેકેજોથી સરકાર અને ખેડૂતોએ દૂર રહેવું પડશે તો જ આપણી પરંપરાગત ખેતી પદ્ઘતિ ફરી ચલણમાં આવશે અને આપણો ખેતી ઉદ્યોગ ફરી ધમધમતો થશે.હાલમાં ગ્લોબલ વોર્મિંગને અનુલક્ષીને વાતાવરણમાં જે ફેરફારો થઇ રહ્યા છે તેને કારણે દરેક દેશ પોતાની રીતે 'એકશન પ્લાન' ઘડી રહ્યા છે ત્યારે બીટીની પર્યાવરણ ઉપર થતી અસરો પણ ચકાસીને ધ્યાનમાં લેવી જરૂરી બની જાય છે. બીટી કપાસના સંશોધન પછી થયેલા અખતરાઓ પ્રમાણે સાદા કપાસ અને બીટી કપાસવાળી જમીનના તુલનાત્મક અભ્યાસના આધારે તારણો મળ્યા હતા કે, બીટી કપાસ વાવેતર કરેલી જમીન બગડે છે અને સમય જતાં તેમાં જૈવિક પ્રક્રિયાઓ ધીમી પડે છે. સરવાળે આવી જમીનમાં વાવેતર કરેલા અન્ય પાકોને વધારે પાણીની જરૂર પડે છે. આ ઉપરાંત ઇયળો પણ કુદરતી રીતે આવા ઝેરો પચાવવા માટેની ક્ષમતા કેળવી લે છે. ખેર, અહી પ્રÅન ફકત બીટી રીંગણનો જ નથી પણ જો બીટી રીંગણ બજારમાં આવી ગયા તો એ પછી કંપની શાકભાજીના બીજા આશરે પંચાવન બીટી બિયારણો બજારમાં મૂકવાની તૈયારીમાં છે. સીધો મતલબ એ થયો કે, બીટી શાકભાજીમાં આવી જશે તો આપણી જમવાની થાળીમાં 'ઝેર' સિવાય બીજું કશું નહી હોય જે પ્રવર્તમાન પેઢીની સાથે આવનારી નવી પેઢીને પણ નુકશાન કરશે એ વાતમાં કોઇ શંકા છે જ નહી.

એકબાજું મોન્સેટો જેવી કંપની બીટી બિયારણો ખેડૂતોને આપવા માટે તલપાપડ છે ત્યારે બીજીબાજું કેટલાક પ્રગતિશીલ ખેડૂતો પોતાની જાતે વિકસાવેલા બિયારણોનો ઉપયોગ કરવાના પ્રયોગો કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના એક ખેડૂતે પ્રયોગો દ્વારા જમીનની અંદર પાકતા બટાટાને જમીનની બહાર 'વેલ' ઉપર પાકતા કર્યા છે. મૂળ તો એક પ્રકારની વેલ ઉપર બટાટા જેવા આકાર અને રંગના ફળ પાકતા હતા. આ વેલ ઉપર બટાટાની આંખ ગ્રાફટિંગ પદ્ઘતિથી ચડાવીને બટાટાનો પાક લેવાના શરૂ કરેલા છે. વેલ ઉપર પાકતા આ બટાટાનું પૃથ્થકરણ કરવા માટે તેને સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના બાયો ટેકનોલોજિ વિભાગ અને દિલ્હીની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આમ તો આ બટાટા મૌસમી છે જે મે મહિનામાં થાય છે. વેલ ઉપર પાકતા આ બટાટા ચડવામાં અને પચાવવામાં થોડા ભારે છે. આ બટાટાની છાલને નખથી ખોતરવામાં આવે તો તેની અંદરનો ભાગ લીલાશ પડતો છે પણ તેનો સ્વાદ સંપૂર્ણપણે મૂળ બટાટા જેવો જ છે. બેશક, આ બટાટા બીટી રીંગણની માફક ઝેરી ન હોય પણ કુદરતી ઘટનાચક્ર એક પરિપર્ણતાથી ચાલતું હોય તેમાં વિક્ષેપ પાડવો જોઇએ નહી. શુદ્ઘ અને સરળતાથી ચાલતાં આ ઘટનાચક્રને કારણે કુદરતમાં એક સંતુલન જળવાઇ રહ્યું છે. હવે જમીનની અંદરનો પાક જમીનની બહાર લેવામાં આવે કે બીટી બિયારણોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે તો આ ઘટનાચક્રમાં ચોક્કસ વિક્ષેપ પડે જેની વિપરીત અસરો પણ હોઇ શકે તે આપણે ભૂલવું જોઇએ નહી. જો આપણે આ રીતે જ કુદરતી સંતુલનને બગાડતા રહીશું તો પગ ઉપર કયારે કુહોડો પડી ગયો તેની કાળા માથાના માનવીને ખબર પણ પડશે નહી!

વિનીત કુંભારાણા

Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading