ભારતવર્ષના ઇતિહાસમાં જોવા મળતી જળસંચયની પદ્ઘતિઓ

Submitted by vinitrana on Wed, 11/26/2014 - 20:30
Source
જલ સંવાદ, વાસ્મો, ગાંધીનગર
પાણી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. વિશ્વની કોઇપણ સંસ્કૃતિ પાણીના સ્રોત પાસે જ વિકાસ પામી છે. મોટા શહેરોમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ, ઝરણાઓના પાણીનો સંગ્રહ જેવી કામગીરીઓ ભૂતકાળમાં પણ કરવામાં આવી છે. રાજયોમાં પાણીના સંગ્રહ માટે તળાવો, સિંચાઇ માટેની કેનાલો વગેરે બનાવવામાં આવતાં હતા અને તેને સારી રીતે સંભાળીને રાખવામાં આવતા હતાં. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ આ બાબતે સંદર્ભ છે. નારદમુનિ જયારે પણ જુદા-જુદા રાજયોમાં પ્રવાસે જતાં ત્યારે ત્યાંના તળાવો અને પાણીના સ્રોતોની સ્થિતિ જેવી બાબતોની ચર્ચા કરતાં હતા. આપણા મહાકાવ્ય રામાયણમાં ઉલ્લેખ છે કે, હનુમાન જયારે સીતાની શોધ માટે લંકા ગયા હતા ત્યારે તેઓ ત્યાંના ખૂબ જ સંભાળીને રાખવામાં આવેલા તળાવો, કુવાઓ અને વાવ જોઇને ખૂબ જ પ્રભાવિત થયા હતા.

પ્રથમ સભ્યતાના જે અવશેષો આપણી સમક્ષ આવ્યા છે તેમાં પણ પીવાના પાણી અને સિંચાઇના પાણી માટેની જુદી-જુદી વ્યવસ્થાઓ જોવા મળી છે. ધોળાવીરામાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકાઓ મળી આવ્યા છે. તેજ રીતે લોથલ(ગુજરાત) અને ઇનામગાંવ(મહારાષ્ટ્ર)માં પણ પીવાના અને સિંચાઇના પાણીના સંગ્રહ માટેના નાના બંધ બનાવી જળસંગ્રહ કરવામાં આવતો હતો. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં સિંચાઇ માટે તળાવ અને બંધ બનાવવા બાબતની વિગતો આપવામાં આવી છે. પાણી પૂરવઠા માટેના સાધનોના વ્યવસ્થાપન અંગેની વિગતો આપવામાં આવી છે. અગાઉ પણ સિંચાઇ માટેના સખત નિયમો બનાવવામાં આવેલા હતા. સિંચાઇની પદ્ઘતિ પ્રમાણે ખેડૂતો પાસેથી જુદા-જુદા વેરા ઉઘરાવવામાં આવેલા હતા.

પ્રાકૃતિક સ્રોતો નદી, તળાવ, ઝરણામાંથી ઉપયોગમાં લેવાતાં પાણી માટે કુલ ઉત્પાદનના ૨૫% ઉત્પાદન વેરા તરીકે લેવામાં આવતું હતું. રાજા દ્વારા બાંધવામાં આવેલા સ્રોતોમાંથી પાણી મેળવવા માટે પણ વેરો ભરવો પડતો હતો. હાથ દ્વારા પાણી ખેંચતાં ૨૦%, બળદો દ્વારા પાણી ખેંચતાં ૨૫% અને ચેનલો દ્વારા પાણી વાપરતાં ૩૩% સુધીનો વેરો હતો.

જયારે લોકો નવા સ્રોતોનું બાંધકામ કરે અથવા સ્રોતોની સુધારણા હાથ ધરે ત્યારે વેરો લેવામાંથી મુકિત આપવામાં આવતી હતી. નવા બંધ અને તળાવ માટે પાંચ વર્ષ, જુના તળાવોની સુધારણા માટે ચાર વર્ષ અને ઝાડી-ઝાંખરાની સફાઇ માટે ત્રણ વર્ષ વેરો માફી આપવામાં આવતી હતી. અગાઉના સમયમાં તળાવો, બંધ ખાનગી પણ હતા અને તેના માલિકો પાણી વેચવા માટે અધિકૃત હતા. જયારે આવા કોઇ સ્રોતના માલિક લાંબા સમય માટે બહારગામ જાય ત્યારે ગામલોકો આવા સ્રોતોની જાળવણી સાથે સંચાલન કરતાં હતા. પાણીના વપરાશ માટે જે નિયમો અને દંડ હતા જે આ પ્રમાણે હતા
૧. બીજા કોઇના ખેતરમાં પાણી છોડી નુકશાન થાય તો દંડ થતો.
૨. બંધ અને બગીચાને નુકશાન કરવામાં આવે તો દંડ થતો.
૩. ઉપરવાસના વિસ્તારના માલિક નીચાણવાસના વિસ્તારના કોઇ ટાંકાને પાણી પહોચાડવામાં અવરોધ કરે તો દંડ થતો.
૪. સ્રોતની જાળવણીમાં નિષ્ફળ જાય તો દંડ થતો.
૫. બિન અધિકૃત કુવો કે ટાંકો બનાવવામાં આવે તો દંડ થતો.
૬. દાન માટે બાંધવામાં આવેલા પાણીના સ્રોતનું વેચાણ અથવા ગીરો રાખનારને દંડ થતો.
૭. પાણી ભરેલા બંધને તોડવા માટે મૃત્યુદંડ સુધીની સજા થતી હતી.


ચેર અને ચૌલ શાસકો દ્વારા દક્ષિણ ભારતમાં શરૂઆતમાં કાવેરી અને વૈકાવી નદીઓ ઉપર બંધો બાંધવામાં આવેલા હતા. પલ્લવો દ્વારા દક્ષિણ ભારતમાં મોટા પાયે સિંચાઇ વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવેલું હતું. તામિલનાડુંમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકાઓનું નિર્માણ કરવામાં આવેલું હતું. ઉત્તર ભારતમાં આ પ્રકારની કામગીરી રજપૂતો દ્વારા કરવામાં આવી હતી.

ભોપાલમાં ૬૪૭ ચોરસ કિલોમીટરનું તળાવ રાજા ભોજ દ્વારા બનાવવામાં આવ્યું હતું. પૂર્વ ભારતમાં પણ પાલ અને સેન રાજાઓ દ્વારા ઘણા તળાવો અને ટાંકાઓનું નિર્માણ કરવામાં આવેલું હતું. કલહણ દ્વારા લખાયેલા 'રાજ તરંગિણી'માં કાશ્મીરમાં બારમી સદીમાં વિકસાવામાં આવેલી સિંચાઇ માટેની વ્યવસ્થાનું વિગતવાર વર્ણન છે.

મધ્યકાળ દરમિયાન મહમ્મદ બીન તુઘલઘ દ્વારા ખેડૂતોને વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાઓ અને કુવાઓ વિકસાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું હતું. ફિરોઝશા તુઘલઘ દ્વારા ઇ.સ. ૧૩૫૫માં પશ્ચિમી યમુના નહેરનું નિર્માણ કરાવી હરિયાણા અને રાજસ્થાનના સૂકા પ્રદેશમાં સિંચાઇની સુવિધાનો વિકાસ કરવામાં આવ્યો હતો.

શાહજહાં દ્વારા પણ ઘણી બધી કેનાલ વિકસાવવામાં આવેલી હતી. રાજાઓ દ્વારા જે પણ પાણીના સ્રોતો વિકસાવામાં આવેલા હતા તે મુખ્યત્વે સિંચાઇ માટેના હતાં પણ તેઓની આજુબાજુમાં કુવાઓ કરી પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા હતાં. ઉત્તર પશ્ચિમના સૂકા પ્રદેશોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકાઓ બનાવામાં આવવેલા હતાં. આ કામ પ્રથમ ઇ.સ. ૧૬૦૭માં રાજા સુરસિંહ દ્વારા કરવામાં આવેલું હતું. ઇ.સ. ૧૭૫૫માં જોધપુરના રાજા મહારાજા ઉદેસિંહ દ્વારા તેમના કિલ્લામાં મોટા ટાંકાઓનું નિર્માણ કરવામાં આવલેું હતું. આ ઉપરાંત ઇ.સ. ૧૮૯૫થી ૧૮૯૬ના સમયગાળામાં પણ આવા ટાંકાઓનું નિર્માણ કરવામાં આવેલું હતું.

ઇ.સ. ૧૬૧૫માં મધ્યપ્રદેશના બુરહાનપુર માટે એક અદ્વિતીય પાણી પૂરવઠા વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવેલું હતું. સાતપુડાના પર્વતોમાંથી પસાર થતી એક લાંબી ભૂમિગત સુરંગ બુરહાનપુર સુધી લાવવામાં આવેલી હતી. આ સુરંગ વચ્ચે આપવામાં આવેલા એર શાફટસમાંથી આજે પણ લોકો પાણી મેળવી રહ્યા છે. હૈદરાબાદનું પ્રસિદ્ઘ હુશેનસાગર તળાવ અને દોલતાબાદ પાસે આવેલા બંધોમાંથી આજે પણ પીવાનું પાણી મેળવવામાં આવે છે.

આ રીતે આપણા ભારતવર્ષમાં અનેક રીતે પાણીના સંગ્રહ બાબતે વિવિધ કાર્યો કરવામાં આવેલા છે. ગુજરાતમાં અનેક સ્થળે આવેલી વાવ આપણા વૈભવી સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. ભૂતકાળના વર્ષોમાં પણ લોકો દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રયાસો કરવામાં આવેલા છે અને તે સફળ થયા છે તો આજે આપણે આપણી આ પરંપરાગત વારસાગત સંસ્કૃતિને શા માટે ભૂલી ગયા છીએ ??!!

વિનીત કુંભારાણા
Disqus Comment