ભુજ શહેરને સુનિયોજીત પાણીનું વ્યવસ્થાપન વારસામાં મળેલું છે…

Submitted by vinitrana on Wed, 08/21/2013 - 20:40
વસુંધરા ઉપર કોઇ એક ક્ષણે જીવનની શરૂઆત પાણી થકી થઇ હતી અને આજે પાણી જીવન માટે સમસ્યા બની ચુકી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની સમસ્યાએ વૈશ્વિક સ્વરૂપ ધારણ કરેલું છે. કોઇ સદગૃસ્થએ કહેલું છે કે, વિશ્વમાં પાણી માટે રીતસર યુદ્ઘ થશે. આ વિદ્યાન ખોટું પડે એ માટે પાણીની સમસ્યાને સમજીને તેનું નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે.

ભુજ શહેરમાં કાર્યરત હુન્નરશાળા, કચ્છ નવનિર્માણ અભિયાન, સહજીવન, એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ અને કચ્છ મહિલા વિકાસ સંગઠને ભુજ શહેરના વિવિધ વિસ્તારોના પાણીના પર્શ્નોને સમજીને તેના નિરાકરણ માટે જરૂરી આયોજન બનાવી તેના અમલીકરણની શરૂઆત કરી છે. આ અમલીકરણની પ્રક્રિયામાં નગરપાલિકા-ભુજ દ્વારા પણ સાથ સહકાર આપવામાં આવેલો છે. અમલીકરણની આ પ્રક્રિયા એટલે 'શહેર પાડે સાદ ' કાર્યક્રમ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભુજ શહેરના વંચીત વિસ્તારોમાં રહેતાં લોકોની પાયાની જરૂરિયાતોને સંતોષવાનો છે. પાંચ દિવસના આ કાર્યક્રમની શરૂઆત શિવરા મંડપ જાગીર ટ્રસ્ટથી કરવામાં આવેલી છે. આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન માધવરાય પાણી સમિતિ, રામદેવનગર વિકાસ સમિતિ, કર્મભૂમિ વિસ્તાર વિકાસ સમિતિ, આશાદિપ વિસ્તાર વિકાસ સમિતિ અને ભૂતેશ્વર કુંભારવાસ પાણી સમિતિના સયુંકત સહકારથી કરવામાં આવેલું હતું.

[img_assist|nid=45798|title=SHIVARAMANDAP AREA|desc=|link=none|align=left|width=322|height=241]શિવરા મંડપ જાગીર ટ્રસ્ટ વિસ્તારમાં પહેલા પાણીની તંગી હતી. આ બાબતે રહેવાશીઓએ માજી કાઉન્સીલર નિરંજનાબહેનને વાત કરી હતી. તેમણે આ બાબતે એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ) સંસ્થાનો સંપર્ક કરવાની વાત કરી હતી. આ વિસ્તારની પાણીની સમસ્યાને સમજીને એક કુવો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. કેટલીક કાયદાકિય વિટંબણાઓને કારણે નવો કુવો બનાવવાનું શકય ન બન્યું એટલે આ વિસ્તારમાં આવેલા વીરો કુવોને ફરી સજીવન કરવાની વાત લોકો સમક્ષ મુકવામાં આવી. આ માટે નગરપાલિકાએ પણ મંજુરી આપી અને દેશસલસર તળાવ પાસે આવેલા વિરો કુવાના પાણીને પીવાલાયક બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી. વિરો કુવોથી આશરે ૧૦૦૦ મીટરની મુખ્ય પાઇપલાઇન શિવરા મંડપ વિસ્તાર સુધી પહોચાડવામાં આવી અને આ વિસ્તારમાં અલગ-અલગ સ્થળે પાંચ સ્ટેન્ડ પોસ્ટ બનાવવામાં આવ્યા. આ આખી યોજનાનો લાભ કુલ ૧૦૭ કુટુંબને મળ્યો છે અને યોજનાનો અંદાજિત ખર્ચ સાડા પાંચ લાખ રૂપિયા થયો છે.

કચ્છના આશરે ૩૦૦ ગામોમાં પાણી અંગેના કામો થયા છે. એકટ, સહજીવન, હુન્નરશાળા, અભિયાન, સેતુ, કચ્છ મહિલા વિકાસ સંગઠન જેવી સંસ્થાઓએ પાણીની મુશ્કેલી અંગેનો અભ્યાસ કરીને હવે શહેરના વંચીત વિસ્તારોમાં પાણી બાબતે કાર્ય કરવાની પહેલ કરી છે. ભુજના રાજવીઓએ ભુજ શહેર માટે પાણીની વ્યવસ્થા એવી રીતે કરી હતી કે ભવિષ્યમાં ભુજ શહેરની વસતી બે લાખને પણ આંબી જાય તો પણ પાણીની તંગી રહે નહી. આ પરંપરાગત વ્યવસ્થાપનમાં કયાંક અવરોધ આવેલા છે. આ આખા વ્યવસ્થાપનને સમજીને તેને ફરી જીવંત કરવું જરૂરી છે. છેલ્લા બે વર્ષમાં શિવરા મંડપ જાગીર વિસ્તાર, રામદેવનગર, કર્મભૂમિ વિસ્તાર, બાપાદયાળુ નગર અને કુંભારવાસ એમ કુલ પાંચ શહેરી આવાસોમાં પાણી અંગે કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીના અમલીકરણમાં નગરપાલિકા-ભુજનો પૂર્ણ સહયોગ મળેલો છે. આ પ્રમાણે ભુજ શહેરના એક-એક વંચીત વિસ્તારોમાં કાર્ય કરવામાં આવે તો ભવિષ્યમાં ભુજ શહેરને નર્મદા જેવા બહારના પાણીના સ્રોતની જરુર રહેશે નહી અને લોકો પાણી બાબતે સ્વાયત બનશે.

[img_assist|nid=45799|title=Dr. Yogesh Jadeja-ACT-Bhuj|desc=|link=none|align=left|width=322|height=241]શહેરમાં લોકોમાં જાગૃતિ કેળવાય એ માટે નમૂના રૂપ કાર્યો કરવા જરૂરી છે. નવી ટેકનોલોજિને સમજીને તેને અપનાવવી જરૂરી છે. 'શહેર પાડે સાદ' નામનો આ પાંચ દિવસનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે જે સતત છેલ્લા ચાર વર્ષથી હમીરસરની આસપાસ આવેલા ૧૬૫ કુવાઓના નિરિક્ષણનું પરિણામ છે. પાણી માટે લોકજાગૃતિ જરૂરી છે. ભુજ શહેરની પાણીની જરૂરિયાત બાબતે એક વિઝનની જરૂર છે. આ પ્રકારના અમલીકરણ અને કાર્યક્રમો પાણી અંગેના વિઝનને સ્પષ્ટ કરશે. જુના કુવા-તળાવો ફરી જીવંત કરવામાં આવે તો પરંપરાગત રીતે પાણી મેળવવાની પદ્ઘતિ ફરી એકવાર સમગ્રતામાં આવશે.

ભુજ શહેરમાં પાણીનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય? એ માટે આપણો દ્રષ્ટિકોણ શું હોઇ શકે? પરંપરાગત જળસ્રોતોના રક્ષણ અને વ્યવસ્થાપન અંગેની પોલિશી શું હોઇ શકે? આ બાબતે કહી શકાય કે, ભુજનો ઇતિહાસ ૪૫૦ વર્ષ જુનો છે. આજે ભુજ શહેરની વસતિ આશરે ૧,૬૦,૦૦૦ની છે. ભુજ શહેરમાં આવેલા હમીરસર તળાવની રચના જે તે સમયે રાજવીઓએ એવી રીતે કરેલી હતી કે, ભુજ શહેરની વસતિ ભવિષ્યમાં વધે તો પણ પાણીની અછત ન રહે! હમીરસરનો કુલ આવક ક્ષેત્ર ૪૦ ચો.કિ.મી. છે જેના માટે ૨૯ થી ૩૦ ઇંચ વરસાદની જરૂર પડે, પણ એ સમયના ઇજનેરી કોશલ્ય દ્વારા ફકત ૬થી ૭ ઇંચ વરસાદમાં જ હમીરસર તળાવ છલકાય જાય એવી રીતે આવક્ષેત્રની રચના કરવામાં આવેલી છે. હમીરસરના આવક્ષેત્રમાં અનેક તળાવો આવેલા છે જે ઊંડા છે અને હમીરસર તરફ આવતાં આવા તળાવો છીછરા છે જે ઝડપથી વરસાદી પાણીને જમીનમાં રિચાર્જ કરે છે.

ભુજ શહેરની પાણીની જરૂરિયાતની વાત કરીએ તો પ્રતિદિન ૧૪૦ લિટર/માનવ છે. ભુજ શહેરની હાલની વસતિ પ્રમાણે એક દિવસની જરૂરિયાત ૨૪.૩૦ એમ.એલ.ડી. થાય. આ જરૂરિયાતમાંથી ૧૭.૫૦ એમ.એલ.ડી. પાણી ભુજ શહેરને કુવા અને બોરવેલ દ્વારા મળે છે. લગભગ ૮૦% જેટલી જરૂરિયાત તો ભૂગર્ભસ્રોતો દ્વારા જ મળી રહે છે જે દર્શાવે છે કે, હજુ પણ વધારે યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવામાં આવે તો બાકીની ૨૦% જરૂરિયાતને પણ આવા જ સ્રોતો દ્વારા પૂરી કરી શકાય. આજે આપણે આપણા પરંપરાગત દિર્ધદ્રષ્ટિથી આયોજિત કરાયેલા સ્રોતો તરફ આંખ આડા કાન કરીએ છીએ. શહેરના કેટલાય કુવાઓ અને તળાવો આજે નામશેષ થઇ ગયા છે. ભૂગર્ભજળને ઉલેચવાની પ્રક્રિયામાં વધારો થયો છે અને તેનું વ્યવસ્થાપન કરવાની પ્રક્રિયામાં ઘટાડો થયો છે. જ્ઞાન અને સંવેદનાની લાગણી નવી પેઢીમાં ઘટી રહી છે જેને જાગૃત કરવાની જરૂર છે. આજની પાણીની પરિસ્થિતિને થાળે પાડવા માટે તળાવોને ફરી પુર્નજીવીત કરવા જોઇએ, વિકેદ્રિત પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવી જોઇએ, વરસાદી પાણીના સંગ્રહની પ્રવૃતિને વેગ મળવો જોઇએ. આ ઉપરાંત જે વપરાયેલું પાણી છે તેને ફરી રિસાયકલ કરી તેનો ઉપયોગ કરવાનુ શરૂ કરવું જોઇએ.

છેલ્લા કેટલાક સમયથી હમીરસરની જે આવક્ષેત્ર ૪૦ ચો.કિ.મી. હતું તે ફકત ૬ ચો.કિ.મીં. થઇ ગયું હતું. વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકાના સહયોગથી આ આવક્ષેત્ર આજે ૨૨ ચો.કિ.મી. જેટલું સ્પષ્ટ જોઇ શકાય છે. તળાવોના આવા આવક્ષેત્રોનું ડિમાર્કેશન કરવું જરૂરી છે જેથી પરંપરાગત જળસ્રોતોનું મહત્વ જળવાય રહે. જોકે આજે શહેરની અંદર આવી આવક્ષેત્રની લગભગ ૩૦ કિ.મી.ની ચેનલોનો ઉપયોગ 'ડમ્પીંગ યાર્ડ' તરીકે થાય છે તે બંધ થવું જરૂરી છે. હમીરસરની આવ વિવિધ વિસ્તારોમાંથી આવે છે અને આ વિસ્તારો વિવિધ સરકારી ખાતા હસ્તક છે. આ બધી આવક્ષેત્રના વિકાસ માટે એકસૂત્રતા જરૂરી છે. આ માટે એક ઓથોરીટી બનાવવી પણ એટલી જ અગત્યની છે. આવકક્ષેત્રના વિકાસ બાબતે વિવિધ સરકારી ખાતાઓમાં કોમ્યુનિકેશન ગેપ છે. આ ગેપને દૂર કરવા માટે એક સંસ્થાકિય માળખું બનવું જરૂરી છે.

વિનીત કુંભારાણા