ચેકડેમોનું પર્યાવરણમાં મહત્વ

Submitted by vinitrana on Tue, 11/11/2014 - 20:16
પર્યાવરણ એટલે પરિ+આવરણ. પૃથ્વી ઉપરની જીવસૃષ્ટીના અસ્તિત્વને ટકાવવા માટેના પ્રાકૃતિક સંતુલનને પર્યાવરણ કહેવાય. પર્યાવરણના મુખ્ય બે અંગ છે. એક સજીવ અને બીજું નિજી
જીવજંતુ, જળચર, થલતર, નભચર પશુ-પ્રાણી-પક્ષી એટલે સજીવ અંગ અને નિર્જીવઅંગ એટલે પૃથ્વી, નદી, પહાડ, ઝરણા, સૂર્ય, ચંદ્ર અને નક્ષત્ર. પર્યાવરણ અને સમાજજીવન વચ્ચેનો સંબંધ અંત્યંત ઘનિષ્ઠ છે. માણસમાત્રની દૈનિક પ્રવૃતિથી પર્યાવરણનો નકશો બદલાતો રહ્યો છે અને એમ પણ કહી શકાય કે, બદલાઇ ચૂકયો છે. માનવીની જરૂરિયાતો અને અપેક્ષાઓ જેમ-જેમ વધતા ગયા તેમ-તેમ આપણી આસપાસના પર્યાવરણને આપણે ભારે નુકશાન પહોંચાડયું છે. માનવી અને પર્યાવરણ વચ્ચેની સમતુલા ખોરવાઇ રહી છે, ખોટકાઈ રહી છે. પૃથ્વી પર દરરોજ માનવવસતિ કૂદકેને ભૂસકે વધી રહી છે. વસતિના પ્રમાણમાં તેમની જરૂરિયાતો પણ વધી રહી છે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પર્યાવરણને સીધી કે આડકતરી રીતે નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે. આ નુકશાન થકી કુદરતી સ્રોતો હવા, પાણી અને જમીન ખૂબ જ ખરાબ રીતે પ્રદૂષિત થઇ રહ્યા છે.સામાન્ય રીતે માણસ દરરોજ આશરે પચીસ કિલોગ્રામ હવા શ્વાસમાં લે છે. આ હવા એટલે ઓકિસજન જે જીવન ટકાવી રાખવા માટેનો પ્રાણવાયુ કહેવાય છે. પરંતુ, શું આપણે આટલી શુદ્ઘ હવા મળે છે ખરી ? ના. માણસની દૈનિક પ્રવૃતિ તથા ઉદ્યોગો દ્વારા લાખો ટન કાર્બન ડાયઓકસાઇડ, હાઇડ્રોજન, કાર્બન મોનોઓકસાઇડ, સલ્ફર ડાયોકસાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, કેડમીયમ, પારો, સીસું, બેરિલિયમ, અને જસત જેવી જુદી જુદી ધાતુઓના અંશો વાતાવરણ ભળે છે.

આ પ્રદૂષિત હવા માનવ શ્વાસમાં લેતો થયો છે. આપણા પર્યાવરણને આ પ્રદૂષણે છિન્ન-ભિન્ન કરી નાખ્યું છે. ખાસ કરીને પાણી અને હવાને આપણે એટલા પ્રદૂષિત કરી નાખ્યા છે કે, શુદ્ઘ પાણી અને હવા પ્રાપ્ત કરવા લગભગ દુર્લભ બની ગયા છે.

પર્યાવરણના અસંતુલન માટે જવાબદાર કૃત્ય ગણીએ તો માનવસંસ્કૃતિનાં એકવીસમી સદીના પ્રગતીના પ્રયાણમાં આપણે બહુમૂલ્ય વૃક્ષોનું છેદન વિશેષ રૂપે કરી રહ્યા છે. પ્રાણવાયુના શુદ્ઘિકરણમાં વૃક્ષો અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષોના છેદનથી પ્રાણવાયુના શુદ્ઘિકરણની કુદરતી પ્રક્રિયામાં વિક્ષેપ પડેલો છે. પર્યાવરણ અસંતુલિત થવાની શરૂઆત આ પ્રક્રિયાથી થઇ છે.

વિશ્વમાં વધતાં પ્ર્રદૂષણ તથા પર્યાવરણીય અસમતોલ પરિસ્થિતિ સામે જાગૃતિ લાવવા ૩, જુન,૧૯૭૨માં બ્રાઝિલની રાજધાની રિયો-ડી-જનોરોમાં પૃથ્વી શિખર સંમેલન યોજાયું હતું. આપણા દેશમાં વર્ષ ૧૯૭૨માં સંતુલિત પર્યાવરણ માટે રાષ્ટ્રીય સમન્વય સમિતિ રચાઇ હતી. વર્ષ ૧૯૮૦માં આ માટે એક અલાયદું મંંત્રાલય ઉભું કર્યું હતું.

વર્ષ ૧૯૮૨માં સ્ટોકહોમમાં વિશ્વવ્યાપી પર્યાવરણ સંરક્ષણ માટે સંમેલન પણ યોજાયું હતું. આમ વર્ષ ૧૯૮૦ પછીના વર્ષોમાં ઉતોરત્તર પર્યાવરણ સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવી અને અનેવિધ કાર્યો થવા માંડયાં.

ઓરોગોનમાં એક યુવક મોટું વૃક્ષ કાપવાના વિરોધમાં સીતેર ફૂટ ઊંચા વૃક્ષ ઉપર ચડી ગયેલો હતો અને અઠવાડીયા સુધી વૃક્ષ ઉપરથી નીચે ઉર્તયો ન હતો જેથી એ વૃક્ષ કપાઇ ના શકે !

હવે આપણે જોયું તેમ પર્યાવરણ સંતુલનમાં મહત્વના બે અંગ-શુદ્ઘ હવા અને પાણી છે. આ બે અંગોનું પ્રમાણ વધારવાના ઉપાયો જોઇએ તો શુદ્ઘ હવા મેળવવા વૃક્ષારોપણનો વ્યાપ વધારવો જોઇએ. શુદ્ઘ પાણી માટે જળસંચય અને જળ સંરક્ષણ કરવું જોઇએ.

વિશ્વની જળસંપત્તિની વાત કરીએ તો ૯૭.૩ ટકા દરિયો, ૨.૦૩ ટકા બરફાચ્છદિત પહાડો-ગ્લેશિયર્સ, ૦.૬૧ ટકા ભૂગર્ભજળ, ૦.૦૬ ટકા નદીઓ અને તળાવો છે. આ જળ સંપત્તિમાંથી ભૂગર્ભજળ(૦.

૬૧ ટકા)નો સદ્‌ઉપયોગ કરીએ તો પર્યાવરણની સમતુલા જાળવવાની એક આગવી પ્રક્રિયા કરી કહેવાશે.

જમીન પર જળસંપત્તિના સ્રોતો વધારવા સરકાર દ્વારા છેલ્લાં દસ વર્ષથી પણ વધારે સમયથી ચેકડેમો બાંધવાનું શરૂ કરવામાં આવેલું છે.આ ચેકડેમો સરકારની વિવિધ યોજનાઓ હેઠળ તથા જનસહભાગીદારીથી પણ બાંધવામાં આવે છે.

ચેકડેમોના બાંધકામના ઇતિહાસ તરફ ડોકિયું કરીએ તો, ભારતમાં ૧૫મી સદીમાં જેસલમેરમાં પાલીવાડા બ્રાહ્મણો દ્વાર આ પ્રકારના બંધો(ખદીન) બાંધવાની શરૂઆત થઇ હતી. આખા જેસલમેરમાં આવા ૫૦૦ જેવા બંધો બંધાયા જેના દ્વારા ૧૨૧૪૦ હેકટર જમીન લાલિત થઇ. જેસલમેરમાં બંધાયેલા ખદીનનું રેખાચિત્ર આ સાથે દર્શાવેલું છે.


KhadinKhadinપર્યાવરણના સંતુલનમાં ચેકડેમનું મહત્વ શું હોઇ શકે ? એક ચેકડેમ બંધાતા તેની આજુબાજુના ગ્રામ્યજીવન ઉપર શું પ્રભાવ પડે ? જેસલમેરમાં આ પ્રકારનું એક સર્વેક્ષણ કરવામાં આવેલું હતું. ચેકડેમ ધરાવતા વિસ્તારમાં પ્રતિ કુટુંબ ખેત ઉત્પાદન ૧૨ ટકા જયારે ચેકડેમના ફાયદાથી વંચીત વિસ્તારમાં ૮ ટકા હતું. એ જ રીતે આ બન્ને વિસ્તારોમાં પશુપાલનનો રેશિયો ૭૦ ટકા અને ૪૦ ટકા હતો.

ચેકડેમવાળા વિસ્તારમાં મોટા પાલતું પશુઓ ૩૬ ટકા હતા જયારે વંચીત વિસ્તારમાં ૨૭ ટકા હતા. પશુઓની કિંમત ચેકડેમવાળા વિસ્તારમાં પ્રતિ વર્ષ, પ્રતિ પશુ રૂપિયા ૪૪૦૦ મળતી હતી જયારે વંચીત વિસ્તારમાં એ જ પશુની કિંમત રૂપિયા ૨૦૦૦ મળતી હતી. પશુપાલન દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોના વેચાણ દ્વારા જે રકમ પ્રાપ્ત થતી હતી તેમાં પણ ઘણો ફર્ક જોવા મળી રહ્યો હતો.

યોગ્ય રીતે એક ચેકડેમ બાંધવાથી ચેકડેમ દ્વારા સામાજિક જીવન ઉપર ઘણી અસર પડે છે એ તો જાણે સમજયા પણ, એક ચેકડેમ પર્યાવરણના સંતુલનમાં કેટલો ભાગ ભજવે છે તે જોઇએ. એક ચેકડેમ બંધાતા સૌ પ્રથમ સ્થાનિક લોકોને મજુરીકામ દ્વારા રોજીરોટી મળે તથા વરસાદ બાદ થતા પાણી સંગ્રહથી જે મીઠું પાણી નદી-વોકળા મારફતે રણ-કે દરિયામાં વહી જતુ તે રોકાતાં પશુ-પંખીઓને પાણી પીવાના ઉપયોગમાં આવે છે.

ગ્રામ્યજીવનમાં આ પાણી સંગ્રહનો ઉપયોગ ખેતી અને પશુપાલનમાં થાય છે ત્યારે તેનો સીધો ફાયદો માનવ વસતિને થાય છે.

એક ચેકડેમ આજુબાજુ વૃક્ષોના ઉછેર-વિકાસથી આ વૃક્ષો ઉપર પંખીઓ માળા બનાવી રહે છે. પર્યાવરણ ફરી ધીરે-ધીરે જીવંત થાય છે. શ્વાસોશ્વાસ દ્વારા વૃક્ષો કાર્બનડાયોકસાઇડ લઇ શુદ્ઘ ઓકિસજન આપણને શ્વાસ લેવા માટે ભેટ આપે છે.

વૃક્ષો અને તેની આસપાસ ઉગી નીકળેલું ઘાસ જમીન ઉપર વહેતા પાણીના પ્રવાહ માટે અવરોધ પેદા કરીને જમીનનું ધોવાણ અટકાવે છે. પ્રાણીઓ પણ આ ચેકડેમનું પાણી પીવાના ઉપયોગમાં લે છે અને આવા ચેકડેમો આજુબાજુ પોતે આશરો લે છે.

ચેકડેમના બાજુમાં માટી પાળા પર નાના જીવ-જંતુઓ પોતાનાં આશ્રય દર બનાવી રહે છે. આમ એક ચેકડેમ સીધી તેમજ આડકતરી રીતે આ બધા પરિબળો દ્વારા ઉપયોગી સિદ્ઘ થાય છે અને સંતુલિત પર્યાવરણમાં પોતાનું મહત્વ સાબિત કરે છે.

વિનીત કુંભારાણા