ગિરી તળેટી ને કુંડ દામોદર...

Submitted by vinitrana on Tue, 08/19/2014 - 09:15
[img_assist|nid=47889|title=DAMODAR KUND|desc=|link=none|align=left|width=199|height=73]ગિરી તળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય...એવા એક ભજનમાં જુનાગઢ તીર્થભૂમિ શ્રી કૃષ્ણ અને તેના પરમ ભકત નરસિંહના નામ સાથે સંકળાયેલી છે. જુનાગઢમાં ગિરનાર તરફ જવાના રસ્તા ઉપર દામોદર કુંડ આવેલો છે. લોકવાયકા છે કે, અહીં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતાં હતાં.

પ્રાચીન સમયમાં પ્રેમ, શોર્ય, સ્વાર્પણ, ટેક અને બલિદાનની અનેક કથાઓનું સંગ્રહણ કરીને ઊભેલો અતિ પ્રાચીન ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. દરિયાની સપાટીએથી ગિરનારની ઊંચાઇ ૧,૧૧૬ મીટર છે, તે ૨૪ કિ.મી. લાંબો છે અને તેની પહોળાઇ ૬.૫ કિ.મી. છે. આ ગિરીમાળા ૭૦ ચોરસ માઇલ એટલે કે, ૧૮૧ ચોરસ કિ.મી.માં વિસ્તરેલી છે. ગિરનારમાં હસનાપુર ડેમ, સુરજકુંડ, બોરીયો અને માળવેલા નામના ઘાટ છે. જુનાગઢ શહેરથી ૩.૬ કિ.મી. દૂર વાદળોથી વાતો કરતો ઊભેલો આ ગિરનાર પર્વતની ગિરીમાળા શહેરની બહાર નીકળતા તરત જ ચાલું થાય છે. ગિરનાર પર્વતમાં નવ નાથ અને ચોર્યાસી સિદ્ઘોનું બેસણું છે એવું કહેવામાં આવે છે.

જુનાગઢ શહેરથી ગિરનાર તરફ જવાના રસ્તામાં સોનરખ નદીમાં આ પવિત્ર અને પ્રાચીન દામોદર કુંડ આવેલો છે. સોનરખ નદી ગિરનાર ઉપરથી હાથીપગા પાસેથી નીકળીને ૩૩૦ મીટર નીચે ઉતરી, ભવનાથ મંદિરની ઉત્તર દિશાએથી વહીને દામોદર કુંડ પાસેથી વહે છે. આગળ જતાં આ નદી શક્કરબાગ પાસે ઉબેણ નદીને મળે છે. જોગણીયા ડુંગર પાસેથી નીકળતી પલાશિની નદી દામોદર કુંડ પાસે સોનરખ નદીને મળે છે. પલાશિની નદીના ઉદ્‌ગમ સ્થાને પલાશ(ખાખરા)ના અનેક વૃક્ષો હોવાથી એ નદીનું નામ પલાશિની પડયું હોવાનું કહેવાય છે.આ કુંડના કાંઠે આવેલા દામોદરરાયનું પ્રાચીન મંદિર આવેલું છે. સ્કંદ ગુપ્તના સૂબા ચક્રપાલિતે ઇ.સ. ૪૫૭-૪૫૮માં ચક્રભૂત વિષ્ણુનું આ મંદિર બંધાવ્યાનો પર્વતિય શિલાલેખમાં ઉલ્લેખ છે. આ મંદિરની પૂર્વ દિવાલ તથા તેના શિખરનો જીણોદ્ઘર કરાવામાં આવેલો છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ મંદિર શ્રી કૃષ્ણના પૌત્ર વજનાભે બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે. લોકાકિત મુજબ ભકતકવિ નરસિંહ મહેતા અહીં રોજ દર્શને આવતાં અને જુનાગઢના માંડલિકે જયારે તેમની ભકિતની કસોટી કરવાનો પડકાર આપ્યો ત્યારે દામોદરરાયે અહીંથી જ હાર આપી હતી એમ કહેવાય છે. ગિરનાર માહત્મ્યમાં એવી વાર્તા છે કે, આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વહે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે, આ કુંડના પાણીમાં અસ્થિ આપમેળે ઓગળી જાય છે અને અસ્થિ ભસ્મ નાખવામાં આવે તો પણ આ કુંડનું પાણી શુદ્ઘ રહે છે. દામોદર કુંડ પાસે વિક્રમ સંવત ૧૪૭૩ના વર્ષનો એક શિલાલેખ છે તેમાં જણાવ્યા પ્રમાણે દામોદર નામના કોઇ શ્રેષ્ઠીએ કુંડની બાજુમાં મઠ બંધાવી આપ્યાનો ઉલ્લેખ છે. દામોદર કુંડની પાસે મહાપ્રભુજીની બેઠક પણ છે. આમ, દામોદર કુંડ પ્રાચીન ધરોહરની સાથે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે.

દામોદર કુંડની લંબાઇ ૨૭૫ ફૂટ અને પહોળાઇ ૫૦ ફૂટ છે. ઇ.સ. ૧૮૨૬માં દિવના વ્યાપારી સંઘજીએ વાઘેÅવરી માતાજીના મંદિરના દરવાજાથી ગિરનાર સુધીનો માર્ગ બંધાવ્યો હતો અને ઇ.સ. ૧૮૮૯માં દિવાન હરીદાસે દામોદરરાયજીના મંદિરમાં જવા માટે પુલનું નિર્માણ કરાવ્યું હતું.

જુનાગઢની બજારમાં નીકળીએ ત્યારે એમ લાગે કે, હાથમાં કરતાલ અને બીજા હાથમાં તપેલી લઇને પિતાનું શ્રાદ્ઘ લેવા નીકળેલા મહેતાજી અહીંથી પસાર થયા હશે ત્યારેનું દ્રશ્ય કેવું અદ્‌ભૂત હશે! નરસિંહ મહેતાના નિવાસ્થાનમાં પ્રવેશ કરીએ એટલે જમણી તરફ દામોદર ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. તેની સામે ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મહેતાજીના નિવાસ્થાનથી ગિરનાર તરફ જવાના રસ્તે ત્રણ કિ.મી. દૂર દામોદર કુંડ આવેલો છે. આ કુંડનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. અહીં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હોવાથી દામોદર કુંડને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતો હતો. દામોદર કુંડની ઉત્તરમાં કુમુદ પર્વત આવેલો છે જેનું બીજું નામ અશ્વત્થામા પર્વત છે. સાત ચિરંજીવીમાંના એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે અને બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યાકાળે દામોદર કુંડમાં આવે છે એવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. મહેતાજી જુનાગઢથી ચાલીને પ્રતિદિન પ્રાત:કાળે સ્નાન કરવા આવતાં અને દામોદરરાયના મંદિરમાં કિર્તન કરતાં હતાં. એવું કહેવાય છે કે સ્વયં દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ, પાંચમના શનિવારે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ઘ સરાવી તર્પણ કરેલું હતું. આથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ભાદરવા મહિનામાં પિતૃ તર્પણ માટે અનેક લોકો દામોદર કુંડ આવે છે અને આ પવિત્ર કંુડ પાસે પિતૃ તર્પણની વિધી કરાવે છે.

કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા હતા એટલે તે રણછોડ કહેવાયા હતા. તેઓ ભાગીને સદેહે દામોદર કુંડ ઉપર પધાર્યા હતા. લોકવાયકા પ્રમાણે જયારે શ્રી કૃષ્ણનું અવસાન વેરાવળ પાસેના ત્રિવેણી સંગમ પાસે એક પારધીનું તીર તેમના પગમાં વાગવાથી થયું એ બાદ તેમમના અસ્થિનું વિસર્જન તેમના પૌત્રના હસ્તે આ કુંડમાં કરવામાં આવેલું છે.

દામોદર કુંડ સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. દામોદર કુંડ કરોડો લોકોની શ્રદ્ઘા અને આસ્થાનું પ્રતિક છે પણ આ આસ્થાનું પ્રતિક હવે પ્રદૂષિત થઇ રહ્યું છે. ગિરનારમાંથી નીકળતી સોનરખ નદીનું પાણી આ કુંડમાંથી પસાર થઇને આગળ જાય છે. ગિરનાર વિસ્તારમાં આવેલા વસાહતોની ગટરનું પાણી સોનરખ નદીમાં નાખવામાં આવે છે આથી દામોદર કુંડમાં પણ હવે આ પ્રદૂષિત પાણી આવે છે. આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે મેળો ભરાય છે ત્યારે પણ આ કુંડને પ્રદૂષિત કરવામાં આવે છે. દામોદર કુંડમાં ભળતી ગટરની લાઇને અન્યત્ર વાળવાની માગ ઘણી વખત તંત્ર સામે થઇ છે પણ હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. મહાનગરપાલિકા દ્વારા ચાર વર્ષ પહેલા દામોદર કુંડની સફાઇ અને ગટર લાઇનને અન્યત્ર વાળવા માટે આશરે બે કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવેલી હતી પણ આગળ ઉપર કશી કાર્યવાહી કરવામાં આવેલી નથી. શિવરાત્રીના મેળામાં આવેલા શ્રદ્ઘાળુઓ દામોદર કુંડમાં અચૂક સ્નાન કરે છે, પણ હવે દામોદર કુંડના પ્રદૂષિત પાણીને જોઇને સ્નાન કરતાં સંકોચ અનુભવે છે. દામોદર કુંડમાં સ્વચ્છ પાણી રહે એ માટે બોર કરવામાં આવેલો હતો જે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા બૂરી દેવામાં આવેલો છે. આ બોરને ફરી ચાલુ કરવાની માગ લોકો દ્વારા ઉઠાવવામાં આવેલી છે. જોકે છ ઇંચનો બોર બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે પણ તેની પણ કામગીરી કરવામાં આવેલી નથી.

તારીખ ૨૬, ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ દૂષિત પાણીને મૃત્યુ પામેલા હજારો માછલા દામોદર કુંડમાં તણાઇ આવ્યા હતા. આમ થવાનું કારણ એ છે કે, મહાશિવરાત્રીના મેળા દરમિયાન લોકો દ્વારા દૂષિત પાણી ગટર વ્યવસ્થાના અભાવે સોનરખ નદીમાં ઠાલવવામાં આવેલું હતું. દામોદર કુંડના ઉપરવાસમાં ત્રણ ચેકડેમો આવેલા છે. આ ચેકડેમો પણ પ્રદૂષિત પાણીથી ભરેલા પડયા છે. તંત્રની બેદરકારીના વાંકે આજે આ પવિત્ર દામોદર કુંડ ઉકરડા સમાન બની ગયો છે.

વિનીત કુંભારાણા
Disqus Comment