જલ સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણ

બૃહત શિલ્પશાસ્ત્ર મુજબ પાણી માત્ર જ જીવસંસ્કૃતિના ઉદ્ભવ અને અસ્તિત્વ માટે જરૂરી હોતાં માનવીએ નદી, કૂવા, કૂઈ, વાવ, કુંડ, તળાવ જેવાં જળસંચયના સાધનો વિકસાવ્યા અને તેનો નાતો તેની જોડે રહ્યો. વાનરના પૂર્વજ આદિમાનવો દ્વારા વહેતી નદીના જળનો ઉપયોગ જ કરવામાં આવતો હતો.


પ્રત્યેક જીવિત કોશિકાનું આધારભૂત અંગ છે જલ - મૂળ પંચ તત્ત્વમાં પાણીનું સ્થાન અગત્યનું છે. પિંડે તે બ્રહ્માંડે અને બ્રહ્માંડે તે પિંડે એમ કહેવાય છે. માનવ શરીર શરીરમાં ૮૦% પાણી છે. પૃથ્વી પર ૧.૪૦ બિલિયન ક્યુબીક કિલોમીટર પાણી છે. માનવીએ જ્યાં પાણીની વિપુલતા ભાળી ત્યાં વસવાટ કર્યો અને એમાંથી સર્જાઈ જલસંસ્કૃતિ. જલસંસ્કૃતિના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો પાણીના ‘રાસાયણિક’ રીતે બે પ્રકાર છે. (૧) વધુ ક્ષારવાળું અને (ર) ઓછા ક્ષારવાળું.

‘ઔષધશાસ્ત્ર’ની દૃષ્ટિએ પાણીના મુખ્ય બે પ્રકારોમાં (૧) આકાશનું અર્થાત દિવ્ય (ર) ભૂમિ પરનું અર્થાત ભૌમ. આકાશમાંથી વરસતા પાણીને ચાર પ્રકારમાં વર્ણવ્યા છે. (અ) ધારાજ-વરસાદનું પાણી સીધે સીધું કોઈ પાત્રમાં ભરી લેવામાં આવે તેને ધારાજ પાણી કહે છે. (બ) કરકાભવ-બરફના ગાંગડાના સ્વરૂપમાં વરસતું પાણી એટલે કરકાભવ. (ર) તૌષાર-નદી, પહાડ, આસપાસ વાતાવરણમાં ઉષ્ણતામાનનું પ્રમાણ એકાએક ઘટી જવાથી જામતા ઝાકળ કે ઔસબિંદુઓ એ તૌષાર જળ કહેવાય છે, પરંતુ તે બહુ ઉપયોગમાં (ડ) હેમજલ - ઊંચી પર્વતમાળાઓ પર રહેલા બરફ (હીમ) ઓગળતાં થતું પાણી હેમજલ કહેવાય છે.

બૃહત શિલ્પશાસ્ત્ર મુજબ પાણી માત્ર જ જીવસંસ્કૃતિના ઉદ્ભવ અને અસ્તિત્વ માટે જરૂરી હોતાં માનવીએ નદી, કૂવા, કૂઈ, વાવ, કુંડ, તળાવ જેવાં જળસંચયના સાધનો વિકસાવ્યા અને તેનો નાતો તેની જોડે રહ્યો. વાનરના પૂર્વજ આદિમાનવો દ્વારા વહેતી નદીના જળનો ઉપયોગ જ કરવામાં આવતો હતો. નદીઓ બે પ્રકાર છે. બારમાસી અને ચોમાસાની સીઝન દરમ્યાન વહેતી નદીઓ.

આદિમાનવ સંસ્કૃતિના વિકાસમાં ડગ મંડાતા તે સભ્ય સમાજમાં પરિવર્તિત થવા લાગ્યો અને તેણે જૂથો બનાવી પાણીની વિપુલતાવાળા વિસ્તારોમાં નદી પહાડોના ઢોળાવો પર વરસતા વરસાદના વહેતાં પાણીને એક જગ્યાએ એકઠું કરી તળાવ સ્વરૂપે સંગ્રહ કરી તેના કાંઠે પોતાનો વસવાટ શરૂ કર્યો.

તળાવ : તળાવ શબ્દ સંસ્કૃત પરથી બનેલો છે. તળાવોને કુદરતી અને માનવસર્જિત એમ બે વિભાગોમાં વહેંચી શકાય. કુદરતી તળાવને અંગ્રેજીમાં લેક અને માનવસર્જિત તળાવને ટેંક કહે છે.

પ્રાચીન શિલ્પશાસ્ત્ર મુજબ તળાવના છ પ્રકારો છે. (૧) અર્ધ ગોળાકાર (ર) સંપૂર્ણ ગોળાકાર (૩) માલસર (૪) ચતુષ્કોણ (પ) ભદ્ર અને (૬) સુભદ્ર.

સૌરાષ્ટ્રમાં ર૦૦૦ જેટલા ગામોમાં તળાવો છે. કચ્છમાં ૬પ૦ ગામોમાં ઉત્તર ગુજરાતમાં રપ૦૦ ગામોમાં અને મધ્ય ગુજરાતમાં ૯૦૦ ગામોમાં ગામ તળાવો છે. તળાવ બાંધકામોનો ઈતિહાસ જોઈએ તો જૂના જમાનામાં રાજા-મહારાજાના નામ પરથી તળાવો બંધાતા ૧૧ મી સદીમાં ભોપાલમાં રાજા ભોજે ‘ભોજનતાલ’ તળાવ બનાવડાવેલું. જેમાં નાના મોટાં ૩૬પ નદી-નાળનાં પાણી આવતા. આ તળાવનો ફેલાવો રપ૦ ચોરસ માઈલ હતો. જામનગરનું લખોટા (રણમલ) તળાવ ૬.પ૦ લાખ ચોરસ મીટરનો ફેલાવો ધરાવે છે અને ૪૦ મિલિયન ક્યુબીક ફીટ પાણી સંગ્રહ થાય છે. ગોંડલના મહારાજા ભગતસિંહે ૧૦૦ વર્ષ પહેલાં ‘વેરી’ તળાવ બંધાવેલું. ખડીરના બાંભણકા ગામે બ્રાહ્મણોએ તળાવ બંધાવ્યું તો લોરિયા ગામે સારસ્વત પરિવારની એક મહિલાએ જીવનભરની બચત પૂંજીમાંથી તળાવ બંધાવી ઈતિહાસ સર્જ્યો છે.

તળાવનું સંરક્ષણ, જાળવણી જોઈએ તો જામનગરના લખોટા તળાવમાં ભરાઈ ગયેલ ૧પ ફુટ કાંપને રૂા. ૪.પ૦ કરોડના ખર્ચે લખોટા જળસંચય અભિયાન સમિતિએ લોકફાળાથી પૂર્ણ કરેલ. ગોંડલના વેરી તળાવમાં પણ ભરાયેલા ર૮ ફુટ કાંપને ધાર્મિક સંપ્રદાયો અને શહેરીજનોએ સાથે મળી લોકસહયોગથી સફાઈ કરી તાજેતરમાં ભુજના હમીરસર તળાવ સફાઈ અભિયાન લોકો દ્વારા પૂર્ણ કરાયું છે. કચ્છનું નારાયણ સરોવર, વડનગરનું શર્મિષ્ઠા તળાવ, ડાકોરનું ગોમતી તળાવ વગેરે ધાર્મિક રીતે પવિત્ર સ્થાન ગણાય છે.

કૂવા : ભૂગર્ભજળના વિપુલ જળસંપત્તિના ઉપયોગ માટે ખોદેલા ગોળ ઊંડા ખાડાને કૂવો કહે છે. બૃહત શિલ્પશાસ્ત્રમાં ચાર હાથથી માંડી તેર હાથા સુધીની પહોળાઈનો કૂવો કરવાનું કહેવાયું છે. જુદી-જુદી પહોળાઈ મુજબ તેના નામ ‘શ્રીમુખ’ વૈજ્ય, પ્રાંત, દુંદુભિ, મનોહર, ચુડામણિ, દિગભદ્ર, જયનન્દ, શંકર કહેવાયા છે.

વિવિધ પ્રકારના કૂવાઓમાં મશરૂ કૂવા (અમદાવાદમાં આજથી પ૦ વર્ષ પહેલાં બંધાયેલ છે) કેડિયા, કોશિયા કે રેંટિયા હવાડો અર્થાત એરિયા, નવઘણી કૂવો.

કૂઈ : જૂના જમાનામાં સ્થપાયેલા નગરોમાં એક કુટુંબની જરૂરિયાતને ઘર વપરાશનું પાણી પૂરું પાડવા નિર્માણ કરાયેલા સાધનને કૂઈ કહે છે. જે કૂવાની પહોળાઈ ચાર હાથથી ઓછી હોય તેને કૂઈ કહેવાય છે. કચ્છના હબાય વિસ્તારમાં કોટાય શિવ મંદિર પાછળ ખીણમાં સૂરજ કૂઈ આવેલી છે. વડોદરામાં જૈન દેરાસરમાં, જંબુસરમાં કહાનવા ગામ પાસે કલ્યાણદાસ મહારાજના બંગલામાં, જૂનાગઢ જિલ્લામાં બીકથાની ધાર પાસે નવઘણ કૂઈ રા’નવઘણની યાદમાં હયાત છે.

વાવ : ગુજરાતમાં વાવ (વાપી) નિર્માણનો ઉલ્લેખ લગભગ ૧૦મી સદીથી મળે છે. એકબાજુથી ઉતરવાના પગથિયાં હોય તેને વાવ કહે છે. આર્થિક દૃષ્ટિએ વાવ બાંધકામ કરાવવા કરતા કૂવો બાંધવો સસ્તો પડે છે, તેથી જ કહેવાય છે કે ‘પાંચ કૂવા બરાબર એક વાવ’ લોકવાયકા છે કે જ્યાં સુધી વાવ હોય ત્યાં સુધી પુણ્ય તપે કેટલીક વાવ ભૂગર્ભ મહેલ જેવી હોય છે. તેમાં કૂવાને તળિયેથી બે-ત્રણ માળ બાંધી મથાળે ઘુમટ રચેલો હોય છે. વાવનું કેન્દ્રસ્થાન કૂવો હોય છે. વાવના સાત પ્રકાર છે. (૧) એક મુખી - નન્દાવાવ (ર) બે મુખી-ભદ્ર વાવ (૩) ત્રી મુખી-જયા વાવ (૪) ચાર મુખી-વિજ્યા વાવ (પ) બત્રીસ હાથ લાંબી-દીર્ધિકા વાવ (૬) ભોલરી વાવ - અંદરના પહોળા ભાગ વાળી (૭) જીવતી વાવ-અખૂટ પાણી વાળી.

વઢવાણની માધા વાવ, અડાલજની વાવ, મોઢેરાની વાવ, અમદાવાદની નલિકસાબાની વાવ, પાટણની રાણી વાવ, પાવાગઢની ગેબલશાની વાવ, ચાંપાનેરની સદનશાહની વાવ, વડોદરાના સેવાસી ગામે સેવાસીની વાવ, દક્ષિણ ગુજરાતની ભરૂચ, સુરત, વલસાડની વાવો પ્રખ્યાત છે.

કૂવા અને વાવ વચ્ચે ફરક એટલો છે કે કૂવામાંથી પાણી સીંચીને બહાર કાઢવું પડે છે જ્યારે વાવમાં ઉતરવા માટે પગથિયા હોય છે.

કુંડ : હિન્દુ મંદિરોમાં જ્યાં નદી કે તળાવ ન હોય ત્યાં કુંડ બાંધવાનો રિવાજ છે. મોટા મંદિરોમાં દર્શન કરતાં પહેલાં કુંડમાં સ્નાન કરીને યાત્રિકો દેવાલયમાં જાય છે. જે કુંડ ચોરસ હોય તેને ભદ્ર કહે છે. સમુદ્ર, નન્દ, પરિઘ કુંડના અન્ય પ્રકારો છે. કપડવંજમાં કુંડ બારમા સૈકામાં બંધાયેલા છે. ખેડા, પેટલાદ, કાણીસા, ભાવનગર જિલ્લાના સિંહપુરમાં કુંડ આવેલા છે જ્યારે શંખેશ્વરમાં લોધિકેશ્વર શિવમંદિર પાસે આવેલા પાંચ પાંડવ કુંડ સોલંકીકાળ કરતા પણ પહેલા બંધાયેલો હોવાનું મનાય છે. કચ્છના પાટનગર ભુજમાં રામકુંડ રાજા રામના જીવનપ્રસંગ કથા સાથે સંકલાયેલ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.

આમ ઉપરોક્ત જલસંગ્રહના ઉપાયો બાદ હાલના યુગમાં પાણી સંગ્રહ માટે ટેંક બાંધવામાં આવે છે. જે અમુક વિસ્તારોની પાણી જરૂરિયાત માટે બનાવાય છે જ્યારે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણ તથા સિંચાઈ સવલત માટે સિંચાઈ યોજનાઓ, બંધ, ચેકડેમો બાંધવામાં આવે છે.

હવે આ જલસંચયના સાધનોમાં ફક્ત ગુજરાતની વાત કરીએ તો ૧૮૦૦૦ થી વધુ ગામડાઓ વચ્ચે રપ૦ થી વધુ વાવ, પ૦૦૦ તળાવો કૂવાઓ જેવા પરંપરાગત પ્રતિકસમા જળાશયોની જે વિશિષ્ટ સ્થિતિ સંજોગોમાં વિશેષ ઉપયોગી પુરવાર થયા છતાં તેમની જાળવણી જેમ જેમ ઘટતી ગઈ તેમ આવા જળાશયો બિનઉપયોગી થતા ગયા અને જળસમસ્યાઓ વધતી ગઈ છે. આવા સંજોગોમાં પરંપરાગત જળસંચયના સાધનોની જાળવણીમાં લોકભાગીદારીની મદદથી જળસમસ્યાનો સફળ સામનો કરવાનો પરિણામદાયી માર્ગ છે.

ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર, નેશનલ ડેરી ડેવલપમેન્ટ, આગાખાન રૂરલ સપોર્ટ સેન્ટર, ઈન્ડિયા, કચ્છ નવનિર્માણ અભિયાન જેવી સંસ્થાઓએ જલ કર્મશીલો તરીકે પ્રોત્સાહનરૂપ કામગીરી કરી છે.

છેલ્લા પ૦ વર્ષના જલસંગ્રહસ્થાનોની જાળવણી, સંરક્ષણના પ્રયાસો જોઈએ તો વર્ષ ૧૯૭૧ ની બીજી ફેબ્રુઆરીના ઈરાનના રામસર શહેરમાં ૮૭ દેશોનાં પ્રતિનિધિઓની મળેલી પરિષદમાં જળભૂમિ ક્ષેત્રો (વેટલેંડ) નું પર્યાવરણીય, આર્થિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સ્વીકારી તેને જાળવવા અને સંરક્ષણ થવા સંધી સંધાઈ. વર્ષ ૧૯૯ર માં કેન્દ્ર સરકાર દ્વારા બંધારણમાં ૭૩ અને ૭૪ માં સુધારાઓ કરી, પીવાના પાણી પુરવઠા, લઘુ સિંચાઈ, જળ વ્યવસ્થાપન અને જલાશયોના વિકાસને લગતી બાબતો માટે સ્થાનિકે ગ્રામ પંચાયતોને સત્તા સોંપી રર મી માર્ચ વિશ્વ જળ દિવસ ઉજવવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્ષ ૧૯૯૩ થી નક્કી કરાયું. જે મુજબ વર્ષ ૧૯૯૪ માં આ દિવસ વિશ્વના વોટર રિસોર્સિસની સંભાળ લેવાના વિષય અનુરુપ ઉજવાયો.

વર્ષ ર૦૦૩ માં વિશ્વ જળ દિવસ રર મી માર્ચના બીજા દિવસથી એટલે કે ર૩ મી માર્ચ સુધી જાપાનના ક્યોટો શહેરમાં વર્લ્ડ વોટર ફોરમમાં ૧૮૦ દેશોએ ભાગ લીધો, જેમાં વર્લ્ડ વોટર કાઉન્સિલે જળ સંગ્રહ સાધનોની જાળવણી તથા પોલ્યુશન અટકાવવાના મુદે કુલ્લ ૧૧ મુદાઓ પૈકીનો એક હતો. પાણી સંબંધી કાયદા જેવા કે વોટર સેસ એક્ટ-૧૯૭૭, ધી વોટર એક્ટ-૧૯૭૪, ધી વોટર રૂલ્સ ૧૯૭પ વગેરે કાયદાકીય જોગવાઈઓ પણ અમલમાં મૂકાઈ. આમ આગળના ઈતિહાસમાં જોઈએ તો મનુસ્મૃતિ અને વિષ્ણુસૂત્રમાં પણ પાણીની ચોરી માટેની સજાનો ઉલ્લેખ છે, તેમજ કૌટિલ્યના ઈતિહાસમાં પણ જળાશયોની જાળવણીની નિષ્ફળતા માટે જવાબદારને દંડની જોગવાઈની વિગતો છે. હાલમાં વિશ્વમાં જ્યારે પર્યાવરણ અસમતોલ થયું છે ત્યારે વૃક્ષછેદન વધ્યું છે અને પાણી સંગ્રહ ઘટ્યો છે. વર્ષ ર૦૦૩ ના એક અહેવાલ મુજબ વિશ્વમાં દરરોજ ર લાખ ટન ઘન કચરો નદીઓ અને તળાવોમાં ઠલવાય છે. આ ઉપરાંત ૯૦% ગટર તથા ૭૦% ઔદ્યોગિક બગાડો પણ કોઈ ટ્રીટમેન્ટ વગર જળસંગ્રહ સ્થાનોમાં ઠલવાય છે, જે રોકવા અતિ કડક કાયદાકીય નિયમકન લાગુ થવું જરૂરી છે.

વિશ્વમાં હાલના પાણી વપરાશની ગણતરીએ જોઈએ તો ર૦ર૦ સુધીમાં હાલના પાણીના ઉપયોગમાં ૪૦% જેટલો વધારો થશે તેવો અંદાજ છે. આ સામે હયાત જળ સંશાધનોની જાળવણી સુરક્ષા અતિ મહત્ત્વની છે.

પાણીના ૧૦૦ ટકામાંથી ૭૦ ટકા ખેતીવાડીમાં, ર૦ ટકા ઉદ્યોગો, ૧૦% ઘર વપરાશમાં વપરાય છે. ખેતીવાડી માટેનો ૭૦%નો ૯૩.૦પ ટકા હિસ્સો ઉદ્યોગોમાં, ર૦ ટકાનો ૩.૮% અને ઘર વપરાશમાં ૧૦% નો ર.૭પ% હિસ્સો ઉપયોગ થાય છે. બાકીની ટકાવારી વ્યર્થમાં બગાડ થાય છે. આ ગંભીર બાબત છે. ઘર વપરાશમાંથી બહુમૂલ્ય પાણી વ્યર્થ વેડફીએ છીએ. જળ સંસ્કૃતિની જાળવણી આપણી ફરજ છે.

વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading