કચ્છપ્રદેશમાં પાણીની યાત્રા-૨

Submitted by vinitrana on Mon, 08/19/2013 - 08:49
આપણે કચ્છપ્રદેશમાં પાણીની યાત્રા સંદર્ભમાં કચ્છની ભૂસ્તરીય રચના વિષયક માહિતી મેળવી હતી. ભૂસ્તરીય રચનામાં આવતાં ખડકો અને તેની લાક્ષણિકતાને ભૂગર્ભજળ સાથે સીધો સંબંધ છે કારણ કે, જે પ્રમાણે ખડકોની લાક્ષણિકતા બદલાય તે પ્રમાણે પાણીની ગુણવત્તા પણ બદલાય છે. કચ્છ વિસ્તાર પહેલા કયાં નામોથી ઓળખાતો હતો એ આપણે જા•યું હવે આ વિસ્તારોમાં પાણી અને તેની સાથે રહેલી જીવનશૈલીની માહિતી પાણીના સંદર્ભમાં જોઇએ.

કચ્છ વિસ્તારમાં ભૂસ્તરની પરિસ્થિતિ પ્રમાણે અલગ-અલગ ગુણવત્તાવાળા પાણી મળી આવે છે. જીવન સાથે પાણી એક અતૂટ બંધન ધરાવે છે માટે જયારે કચ્છમાં એક વિસ્તારમાં પાણીની અછત જોવા મળે એટલે એ વિસ્તારમાંથી લોકો હિજરત કરીને અન્ય વિસ્તારમાં જવાનું ચાલું કરે! કચ્છપ્રદેશની સંસ્કૃતિનું આ એક અવિભાજય અંગ છે. ખાસ કરીને કચ્છના જત લોકો કે પશુપાલન ઉપર નભતાં માલધારીઓ પહેલા કચ્છના જ બીજા વિસ્તારમાં હિજરત કરે અને જો એ પણ શકય ન હોય તો કચ્છની બહાર સૌરાષ્ટ્રના મોરબી, જામનગર અથવા ગુજરાતના પાટણ, સુરત જેવા વિસ્તારોમાં આશરો લે. ખેર, કચ્છપ્રદેશમાં પાણીની યાત્રાની વાત કરીએ તો કચ્છમાં પર્યાવરણના સંદર્ભમાં વરસાદની માત્રા ઓછી છે.(જે હવે કલાઇમેટ ચેન્જના દ્રષ્ટિકોણથી બદલાઇ રહ્યી છે.) વરસાદની ઋતુમાં વરસાદ ઓછો પડતો હોવાથી વરસાદના પાણીનો શકય એટલો સંગ્રહ કરવાની પ્રવૃતિ આ વિસ્તારમાં યુગોથી કરવામાં આવે છે એમ કહી શકાય કારણકે, ૩૦૦૦ વર્ષ પહેલાની સભ્યતા ધોળાવીરામાં વરસાદી પાણીના સંગ્રહ માટેની એક ચોક્કસ વ્યવસ્થાપન પદ્ઘતિ જોવા મળે છે જે દર્શાવે છે કે, વર્ષો પહેલા પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે એક પદ્ઘતિસરનું આયોજન થતું હતું. ઇજનેરી ટેકનીક દ્વારા જળસ્રોતોનું વ્યવસ્થાપન યોગ્ય પદ્ઘતિથી કેવી રીતે કરી શકાય તે માટે ધોળાવીરાની મુલાકાત લેવી જરૂરી બની જાય છે. કચ્છના લખપત વિસ્તારમાં ભૂગર્ભજળ મળી શકે તેવા ખડકો છે નહી માટે આ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો જ સંગ્રહ કરવામાં આવે છે. લખપત વિસ્તારમાં એક જુની મસજિદમાં રૂફ રેઇન વોટર હાર્વેસ્ટિંગનો નમૂનો જોવા મળે છે જે દર્શાવે છે કે, એ સમયે પણ લોકો જાણતા હતા કે જમીનમાંથી પાણી મળી શકે તેમ નથી માટે વરસાદી પાણીના સંગ્રહ કર્યા વગર છુટકો નથી.

કચ્છમાં આવેલા વિસ્તારોમાં વિવિધતા જોવા મળે છે. વિસ્તારની વિવિધતા પ્રમાણે પાણી મેળવવાની અને સંગ્રહ કરવાની પદ્ઘતિ પણ અલગ-અલગ રીતે વિકસાવવામાં આવલી છે. બન્ની વિસ્તારમાં રણપ્રદેશ લાગુ પડતો હોવાથી અહીની 'કાઠી' જાતિના લોકોએ 'વિરડા' અને ઝીલ(નાના તળાવો) જેવી પદ્ઘતિ વિકસાવી હતી જે આજે પણ દુષ્કાળના સમયમાં ખૂબ જ કારગત નિવડેલી છે. કાઠી લોકોએ ખારાશ અને પાણીના વિજ્ઞાનને સમજીને વિરડાની ટેકનીક દ્વારા આપણને એ સમજણ આપી કે, ખારાશ સામે કેવી રીતે ટકી શકાય! પચ્છમ વિસ્તારમાં સપાટીય જળસ્રોતો એટલે કે વરસાદી પાણી ઉપર વધારે આધાર રાખવો પડે છે. આ વિસ્તારમાં જયારે પાણી ખૂટી પડે છે ત્યારે અહીંના રહેવાશીઓ હિજરત કરી જાય છે. જોકે આજે હવે આ પરિસ્થિતિમાં પણ બદલાવ આવેલો છે. લોકો હવે પાણીના પૂરવઠા આધારે પોતાની જરૂરિયાત પ્રમાણે વપરાશનું ગણિત માંડીને પાણીનો વપરાશ કરી રહ્યા છે. પાવરપટ્ટી વિસ્તારમાં ઓછી ઊંડાઇના ખડકોમાંથી પાણી મળી આવે છે. આ પાણી આધારિત અહીંના લોકોએ જીવનશૈલી અપનાવેલી છે. પાવરપટ્ટી વિસ્તારમાં ઋતુ પ્રમાણે અનુકૂળ પાકો લેવામાં આવે છે જેમાં ચારાના પાકો, ધાન અને રોકડીયા પાકોનો સમાવેશ થાય છે. ઓછા પાણીને કારણે અહીં ઘેટા-બકરા જેવા નાના પશુઓનું પશુપાલન પણ જોવા મળે છે. જયારે અંજાર વિસ્તારમાં વધુ ઊંડાઇના ખડકોમાંથી પાણી મળી આવે છે. આ વિસ્તારમાં પાણીની અનુકૂળતા પ્રમાણે શાકભાજી અને બાગાયતી પાકો વિપુલ પ્રમાણમાં થાય છે અને પશુપાલન ઓછી માત્રામાં જોવા મળે છે. રાપર વિસ્તારના ખડકોમાંથી જૂજ પ્રમાણમાં જ પાણી મળી આવે છે માટે અહીં મોટાભાગે પાણીનો મુખ્ય સ્રોત વરસાદ જ છે. ગેરડો વિસ્તારના માલધારી લોકોએ કુવા અને બોરવેલ બનાવીને દુષ્કાળના વર્ષોમાં પણ ટકી રહેવાની ક્ષમતા કેળવી હતી.

વિકાસના ચક્રની સાથે પૃથ્વી ઉપર વસતી વધારો પણ થવા લાગ્યો અને પાણીનો વપરાશ પણ વધવા લાગ્યો. આવા સમયમાં કોઇ એક જ જગ્યાએથી પાણીનો ઉપયોગ સામૂહીક રીતે થઇ શકે એ માટે શહેરોમાં તળાવો બાંધવામાં આવ્યા જેની સાક્ષી તરીકે રાજાશાહી વખતના હમીરસર અને ટોપણસર જેવા તળાવો છે. હમીરસર તળાવ ભૂ-ભૂસ્તરીય વિજ્ઞાન અને કુદરતી રીતે વરસતાં વરસાદની માત્રા આધારિત બનાવામાં આવેલા તળાવનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઓછા વરસાદે પણ પાણીનું વ્યવસ્થાપન કેવી રીતે થઇ શકે એ બાબતે હમીરસર આપણને ઘણું શીખવી જાય છે.

કચ્છમાં પાણીની આ યાત્રા તો અવિરત ચાલી રહી છે ત્યારે આપણે એ યાત્રામાં કયાં સુધી પહોચ્યા તેનો કયાસ કાઢવો હોય તો એમ કહી શકાય કે, યુગો જુની વરસાદી પાણીના સંગ્રહ કરવાની આપણી આદતને આજે આપણે ભૂલી ગયા છીએ અને રાજાશાહી વખતના તળાવોને એક 'મોન્યુમેન્ટ' ગણી હવાફેર કરવાના સ્થળ તરીકે જોઇ રહ્યા છીએ. ઓછી ઉંડાઇએ મળતાં પાણીવાળા પ્રદેશોમાં પણ હજુ નીચે જવાથી પાણી મળશે એવી લાલચે ધરતીનું પેટાળ ચીરીને દરિયાના ખારા પાણીને અંદર આવવા માટેના રસ્તા બનાવી આપ્યા છે. ઊંડા ભૂગર્ભજળનું શોષણ દિવસે-દિવસે આપણે વધારી દીધું જેને કારણે ભૂગર્ભજળ વધુ ઊંડા ઉતરતાં ગયા છે. પાણી માટેની આપણી તરસ હજુ સંતોષાઇ નહી એટલે આપણે પાણી માટેની સ્વાયતતાને નેવે મુકીને કચ્છ બહારથી 'નર્મદા'ને લાવ્યા. નવા યુગની નવી વિચારાધારા પ્રમાણે નર્મદાના આવવાથી શું થયું??!!.... કદાચ એમ કહી શકાય કે જીવન જરૂરી એવા પાણી માટે સંર્પૂણપણે કચ્છ વિસ્તાર બહારના સ્રોત ઉપર આધારિત થયો.

આજે પરિસ્થિતિ એવી છે કે આપણે આપણા જળસ્રોતોને યોગ્ય રીતે સાચવી શકયા નથી અને નર્મદાનું પાણી નિયમિત મળી શકતું નથી. અહી મૂળભૂત મુદ્રો પાણીની જરૂરિયાત કરતાં પાણીના વપરાશને અનુલક્ષીને માગ અને પૂરવઠાનું અર્થતંત્ર સમજીને અસરકારક વ્યવસ્થાપનને અનુસરી પાણી બાબતે સ્વાવલંબન કેળવવાની જરૂરિયાત છે. આ સ્વાવલંબન મેળવવા માટે દરેક વ્યકિતએ વ્યકિતગત રીતે જળસ્રોતોની જાળવણી કરવી ફરજિયાત થઇ જાય છે! જો આપણે આપણા પરંપરાગત જળસ્રોતાનું વ્યવસ્થાપન યોગ્ય અને અસરકારક રીતે નહી કરીએ તો કદાચ ભવિષ્યમાં નર્મદા જેવા બહારના સ્રોતોનું અસ્તિત્વ નહી હોય ત્યારે પાણી માટે આપણે શું કરીશું? આ એક આપણો પોતીકો સવાલ છે આ સવાલનો જવાબ કોઇ કચ્છ બહારનો વ્યકિત નહી પણ આપણે જ આપવાનો છે અને આ સવાલનો એક માત્ર જવાબ પાણીનું પરંપરાગત સુનિયોજિત યોગ્ય વ્યવસ્થાપન છે. જે માત્રામાં પાણી કચ્છમાં મળે છે એ માત્રાને સમજી, જરૂરિયાત પ્રમાણેના વપરાશને અનુસરીને પાણીનો ઉપયોગ કરીએ તો નર્મદા જેવા બહારના સ્રોતો ઉપર આધાર રાખવો પડે નહી તે દિવા જેવી સ્પષ્ટ વાત છે! આ વાત આપણે બધા જાણતા હોવા છતાં પણ આજે આપણે શું કરી રહ્યા છે? જવાબ મેળવવાની કોશિષ કરીએ તો પાણી બાબતે આપણે હજુ પણ અર્ધ જાગૃત છીએ!!!

વિનીત કુંભારાણા