પાણી માટે પદયાત્રા-૧

Submitted by vinitrana on Fri, 12/13/2013 - 08:36
ગાંધીજી જીવનભર બૂનિયાદી શિક્ષણના હિમાયતી રહ્યા હતાં. તેમનું માનવું હતું કે, પાયાનું શિક્ષણ ભણતરની સાથે સંસ્કારોનું પણ ગણતર કરે છે. જરૂરિયાત પૂરતી સુવિધા સાથે સરળ જીવનશૈલી સાથે જીવન જીવવાની તેમની એક આગવી વિશેષતા હતી. શિક્ષણના સંદર્ભમાં પણ તેઓ આવું જ માનતા હતાં. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ વર્ષ ૧૯૨૦માં કરી હતી. ગૂજરાત વિદ્યાપીઠની પેટા શાખાઓ પણ છે જેમાં ઉચ્ચશિક્ષણની બે મહ_વની શાખાઓ ગાંધીનગરમાં આવેલી છે. ૧. રાંધેજા અને ૨. સાદરા.

ગૂજરાત વિદ્યાપીઠનો ઉદ્દેશ છેક છેવાડાના સ્તરે કાર્યકરો તૈયાર કરવા તથા દેશના સામાજિક નવનિર્માણ માટે ચારિત્ર અને કાર્યદક્ષતા સાથે સંકળાયેલી ચળવળ માટે ઉચ્ચ શિક્ષણ આપવાનો છે. તમામ અભ્યાસક્રમોમાં સત્ય અને અહિંસાને વળગી રહેવાની હિમાયત કરવામાં આવે છે. આ ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠમાં શ્રમના ગૌરવ સાથે ઉત્પાદક કાર્યમાં ભાગીદારી, સર્વ ધર્મ સમભાવની સ્વીકૃતિ, ગ્રામીણજનોની જરૂરિયાતોની સ્વીકૃતિ વગેરે મુદા ઉપર ભાર મૂકવામાં આવે છે.

ગુજરાતના કચ્છ જિલ્લા સ્થિત એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ) સંસ્થા દ્વારા પૃથ્વી ઉપર પ્રાપ્ય પાણીના સુનિયોજીત વ્યવસ્થાપન અંગે કાર્ય કરે છે. આ સંદર્ભમાં ક્ષમતાવર્ધનના અભિગમ હેઠળ ભૂસ્તરશાસ્ત્રમાં રૂચી ધરાવતાં ગ્રામીણ યુવકોને તાલિમ આપીને તેમની ક્ષમતાઓને બહાર લાવી ગામ વિકાસના કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે. આ અભિગમથી પોતાની ક્ષમતાઓનો વિકાસ કરીને તૈયાર થયેલા અબડાસા તાલુકાના ગ્રામીણ યુવકો(પેરા વર્કરો-પેરા જિયોહાઇડ્રોલોજિસ્ટ)નલિયા મથકે 'પરબ' નામક એક ફોરમ ચલાવી રહ્યા છે. અબડાસા તાલુકામાં તેમજ અન્ય વિસ્તારોમાં એકટ દ્વારા જળ વ્યવસ્થાપનના જે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે તેમાં પરબની ટીમ 'ટેકનીકલ ટીમ' તરીકે સહાય કરે છે.

ગ્રામીણ યુવકોને તૈયાર કરવા માટે જે અભ્યાસક્રમ એકટ દ્વારા તૈયાર કરવામાં આવેલો છે તે અંગેની વાત ગુજરાત વિદ્યાપીઠ ખાતે થઇ હતી. ચર્ચા-વિચારણાના અંતે આ અભ્યાસક્રમને ગૂજરાત વિદ્યાપીઠમાં પંસદગીના વિષય તરીકે મૂકવામાં આવેલો છે. આ અભ્યાસક્રમ રાંધેજા સ્થિત પેટા શાખામાં શરૂ કરવામાં આવેલો છે. એકટ સંસ્થાનો ગૂજરાત વિદ્યાપીઠ સાથે પ્રસ્થાપિત થયેલો આ સંબંધ આ વર્ષે ભૂગર્ભજળ બચાવો પદયાત્રા તરીકે વિકાસ પામેલો છે.

દર વર્ષે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીજીના જન્મદિવસ-બીજી આકટોબર નિમિત્તે એક પદયાત્રાનું આયોજન ગુજરાતના ગામડાઓમાં કરવામાં આવે છે. આ વર્ષે આ બાબતે ગૂજરાત વિદ્યાપીઠની સાદરા ખાતેની પેટા શાખાએ કચ્છના ગામડાઓમાં પદયાત્રાનું આયોજન બનાવવાનું વિચાર્યુ ત્યારે એકટ દ્વારા આ પદયાત્રા 'પરબ' દ્વારા અબડાસા વિસ્તારમાં કરાવવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. શા માટે અબડાસા વિસ્તારમાં પદયાત્રા થવી જોઇએ ?

[img_assist|nid=46455|title=Knowledge gaining by Playing|desc=|link=none|align=left|width=302|height=227]કચ્છના સંદર્ભમાં કૂવા/બોરવેલની વાત કરીએ તો, છેલ્લા ૨૫(પચ્ચીસ) વર્ષોમાં કૂવા/બોરવેલની સંખ્યામાં ૧૫૮%નો વધારો થયો છે. ભુજ જેવા શહેરોનું પીવાનું અને ઘરવપરાશનુ ૯૩% પાણી ભૂગર્ભજળ દ્વારા લેવામાં આવે છે. જીવન અને વિકાસ ભૂગર્ભજળ ઉપર આધારિત હોવા છતાં તેના વિશેના જ્ઞાન અને ઊંડી સમજણનો સદંતર અભાવ જોવા મળે છે. આથી ભૂગર્ભજળના શોષણને નિયંત્રણમાં લેવામાં આવતા પગલાઓ અસરકારક બની શકતા નથી. ભૂગર્ભજળસ્રોતોની માલિકી જે-તે વિસ્તારોના રહેવાસીઓની હોય છે એટલે તેના વ્યવસ્થાપનમાં દરેક રહેવાસીઓની સહભાગીદારી થવી પણ જરૂરી બની જાય છે. આપણા સમાજ માટે સળગતો પ્રશ્ન એ છે કે, ભૂગર્ભજળસ્રોત વ્યવસ્થાપનમાં સહભાગીદારી કેવી રીતે કેળવી શકાય ? સહભાગીદારી માટે સમાજમાં રહેતા દરેક લોકો ભૂગર્ભજળસ્રોતના વ્યવસ્થાપનની સમજણ માટે એક સ્તરનું જ્ઞાન મેળવવું જરૂરી છે. આ માટે દરેકે સહિયારો પ્રયાસ કરવો જોઇએ. જે-તે વિસ્તારના લોકોએ અન્ય વિસ્તારમાં થતાં ભૂગર્ભજળસ્રોતના વ્યવસ્થાપનને સમજવું જોઇએ અને પોતાના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે તેનું અનુસરણ કરવું જોઇએ. આ માટે જ્ઞાનનું આદાન-પ્રદાન જરૂરી છે.[img_assist|nid=46454|title=Slogan writing|desc=|link=none|align=left|width=302|height=227]આ સંદર્ભમાં નલિયા સ્થિત 'પરબ'ના યુવા પેરા વર્કરોએ ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ સાથે સંકલન કરીને અબડાસા તાલુકાના કુલ ૨૪ ગામોમાં તારીખ ૨૭, ૨૮, ૨૯ અને ૩૦ ઓકટોબર, ૨૦૧૩ એમ કુલ ચાર દિવસય ભૂગર્ભજળ જાગૃતિ પદયાત્રાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ)-ભુજ દ્વારા સહકાર સાંપડયો છે. ગૂજરાત વિદ્યાપીઠના ૬ પ્રાધ્યાપકો સાથે કુલ ૮૪ વિદ્યાર્થીઓ અને કચ્છ-ભુજ વિસ્તારના ૬ વિષય નિષ્ણાંતોની સાથે અબડાસા તાલુકાના ૨૪ ગામોના લોકો આ પદયાત્રામાં ભાગ લીધો હતો.

(ક્રમશ :)

વિનીત કુંભારાણા
Disqus Comment