પાણી માટે પદયાત્રા- ૪

Submitted by vinitrana on Mon, 12/16/2013 - 08:32
[img_assist|nid=46552|title=RATRISHABHA_SONG OF WATER|desc=|link=none|align=left|width=302|height=227]છેલ્લા એક દાયકાથી કુદરતી ખેતી કરતાં માધાપર ગામના વતની શ્રી મનોજ સોલંકીએ પોતાના વકતવ્યમાં સ્વાયત્તા કેળવવા અંગેની વાત ઉપર વિશેષ લક્ષ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કુદરતી ખેતીમાં પાણીની જરૂરિયાત ખૂબ જ ઓછી રહે છે. જેમ જંગલમાં અનેક પ્રકારના વૃક્ષો કોઇપણ જાતની માવજત વગર કુદરતના સાનિધ્યમાં વિકાસ પામે છે તેમ આપણા ખેતરમાં પણ પાકો કુદરતી રીતે ઉગાડી શકાય છે-બસ શર્ત એટલી છે કે તેમના કુદરતી જીવનચક્રોમાં આપણે કોઇ ચંચુપાત કરવો નહી. પાકોના ઉત્પાદન બાદ ખેડૂત તેને વેચવા માટે બજાર તરફ દોડે છે અને બજારમાં જે ભાવ નક્કી કરેલા હોય તે ભાવે પોતાનું ઉત્પાદન વેચી દે છે. આવું ન થવું જોઇએ કારણ કે, ઉત્પાદન તમારૂં છે તો ભાવ પણ તમે જ નક્કી કરો. આમ કરવાથી ઘણો જ ફાયદો યાય છે.

[img_assist|nid=46553|title=RATRISABHA_SKIT|desc=|link=none|align=left|width=302|height=227]મનોજભાઇ પોતની ખેતીના કુદરતી ઉત્પાદન પોતે જ વેચે છે. કેટલીક ચીજ-વસ્તુઓ પોતે જાતે જ ઘર બેઠા બનાવે છે જે બજાર કરતાં અનેક ગણી સસ્તી પડે છે. આવું પાણીની બાબતમાં છે. આપણે આપણા પાણીની વ્યવસ્થા આપણે પોતે જ કરીએ અને તેની યોગ્ય રીતે જાળવણી કરીએ તો બીજા ઉપર આધાર રાખવો ન પડે. આ માટે યોગ્ય જગ્યાએ ચેકડેમ, નાના-મોટા તળાવો બનાવવા જોઇએ. આપણા કૂવા-વાવ અને તળાવો આપણી સંસ્કૃતિ છે. આપણા વડીલો આપણા માટે પાણીની વ્યવસ્થા આવા કૂવા તળાવો દ્વારા કરતાં ગયા છે પણ આપણે તેને સમજી શકયા નહી. આજે કેટલી વાવો બચી છે ? કેટલા કૂવા સારી હાલતમાં છે ? બોરવેલ નવી ટેકનોલાજિ છે. સારી છે, તેને અપનાવવી જોઇએ પણ મર્યાદામાં રહેવું જોઇએ. પાણી આપણા માટે જીવામૃત છે અને તેનું સંરક્ષણ કરવું એ આપણા બધાની નૈતિક ફરજ છે.

કચ્છ મહિલા વિકાસ સંગઠનના પંચાયત સેલના શ્રી લતા સચદેએ પંચાયત અને પાણીના કાયદા સંબંધિત વાત મૂકી હતી. પાણી સાવત્રિક છે. તેમના ઉપર બધાનો હક્ક છે પણ, એક ગામની વાત કરતાં હોઇએ તો પંચાયતમાં પાણીના ઉપયોગ અને વ્યવસ્થાપન સંબંધિત કાયદાઓ આવેલા છે. આ કાયદાઓને અનુલક્ષીને દરેક ગામવાસીઓને સમાન ધોરણે પાણીની ઉપલબ્ધી થવી જોઇએ. આ ઉપરાંત તેમણે કચ્છની તાસીરની વાત કરતાં કહ્યું હતું કે, આપણા કચ્છમાં પાંચ વર્ષમાં ત્રણ વર્ષ દુષ્કાળના હોય તો બે વર્ષ સારા વરસાદના હોય છે. આપણા વડીલો આ વાત જાણતાં હતા, આથી તેઓ સારા વરસાદના વર્ષમાં જ આવનારા દુષ્કાળના ત્રણ વર્ષના પાણીની વ્યવસ્થા પણ કરી લેતા હતાં. આ વ્યવસ્થા એટલે આપણા ગામની સીમમા આવેલા કૂવા અને તળાવો...! આપણા વડીલો પોતાની કોઠાસૂઝથી એવી જગ્યાએ કૂવા અને તળાવ બાંધીને ગયા છે કે, વરસાદનું પાણી આપોઆપ આ કૂવા અને તળાવોને મળતું રહે અને આપણી જમીન નીચે રહેલું ભૂસ્તર રિચાર્જ થતું રહે છે. આપણે આપણી આ ભવ્ય સંસ્કૃતિને ભૂલવી જોઇએ નહી.

ડો. સેઝીના ભીમાણીએ ભૂસ્તરના આડછેદ દર્શાવતા પોસ્ટર દ્વારા દરિયાના ખારા પાણી કેવી રીતે આપણા કૂવા-બોરવેલમાં ઘૂસી આવે છે એ અંગે માહિતી આપી હતી. શ્રી બ્રિજેન ઠાકરે કનકાવતી સેન્ડસ્ટોનનું મહત્વ સમજાવ્યું હતું અને કેવી રીતે બ્યાંસી ગામો આ સેન્ડસ્ટોન ઉપર નભે છે તે અંગે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે કનકાવતી સેન્ડસ્ટોન વિસ્તારમાં આવેલા ગામોમાં કઇ-કઇ કામગીરીઓ કરવામાં આવેલી છે અને હવે ભવિષ્યમાં કેવી કામગીરી કરવામાં આવશે એ વિશે સવિસ્તર માહિતી આપી હતી. શ્રી મનુભાઇ વાઢેરે ખેતી સાથે ભૂગર્ભજળના સંબંધ અંગેની વાત કરી હતી. સૂકીખેતીમાં વરસાદ ઉપર આધાર રાખવામાં આવે છે જયારે પિયતખેતીમાં ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં આવે છે. પિયતખેતીમાં પાકોની એવી જાતોનું વાવેતર કરવું જોઇએ જે ઓછા પાણીએ પાકતી હોય. આજના હાઇટેક યુગમાં બજારમાં આવી ઘણી સંશોધિત જાતો ઉપલબ્ધ છે જેનો ઉપયોગ વિષય નિષ્ણાંતની સલાહ લઇને કરવો જોઇએ. આમ કરવાથી ખેતીમાં ભૂગર્ભજળનો વપરાશ ઘટશે. ખેતીમાં વણવપરાયેલા આવા ભૂગર્ભજળનો ઉપયોગ પીવાના પાણી તરીકે થઇ શકે અને પાણીની મુશ્કેલી હળવી બની શકે. આ ઉપરાંત તેમણે સૂકીખેતી તેમજ પિયતખેતીમાં સરકાર દ્વારા કેવી યોજના હોય છે તે અંગે વાત કરી હતી.

દરેક ગામમાં રાત્રીસભાના કાર્યક્રમના સમાપન બાદ આગળના ગામમાં જવા માટેની તૈયારીની મિટિંગ કરવામાં આવતી હતી અને વહેલી સવારે બીજા ગામ તરફ પદચલન શરૂ કરી દેવામાં આવતું હતું. ગૂજરાત વિદ્યાપીઠના ૬ પ્રાધ્યાપકો સાથે કુલ ૮૪ વિદ્યાર્થીઓ અને કચ્છ-ભુજ વિસ્તારના ૬ વિષય નિષ્ણાંતો તેમજ પરબ અને એકટની સમગ્ર ટીમ સાથે અબડાસા તાલુકાના ૨૪ ગામોની પદયાત્રામાં આશરે બસો કિ.મી.નું અંતર ચાર દિવસમાં પદચલન દ્વારા કાપવામાં આવેલું હતું.

વિનીત કુંભારાણા
Disqus Comment