શહેરના તળાવો અને આપણી લોકભાગીદારી...!!! (૧)

Submitted by vinitrana on Wed, 07/31/2013 - 15:44

વિશ્વમાં વધતી જતી વસતી અને વિકાસને કારણે ભૂગર્ભજળની સાથે સપાટી ઉપરના પાણીની સ્થિતિ પણ હવે ચિંતાજનક બની રહી છે. વિશ્વના દેશોની સાથે ભારત દેશ પણ આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી બાકાત નથી. કુદરતી પાણીના સ્રોતોની સાથે સપાટીય સ્રોતોના પાણીની ગુણવત્તા બાબતે પણ સ્થિતિ ચિંતાજનક છે. આ માટે પાણીની પરિસ્થિતિ અને તેની ગુણવત્તા જાળવી રાખવાની તાતી જરૂરિયાત છે. ભારત સરકાર દ્વારા આ બાબતે પગલા લેવાની શરૂઆત કરવામાં આવેલી છે. સપાટીય સ્રોતોના રક્ષણ માટે ક્રેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧માં 'નેશનલ લેકસ કન્ઝરવેશન પ્લાન' ઘડી કાઢવામાં આવ્યો હતો. આ પ્લાનનો સમાવેશ અગીયારમી પંચવર્ષીય યોજનામાં પણ કરવામાં આવ્યો હતો. આમ કરવાનું મુખ્ય કારણ એ હતું કે, શહેરોમાં આવેલા તળાવોમાં 'સિલ્ટીંગ' થઇ રહ્યું હતું. આ ઉપરાંત તળાવોની આસપાસના વિસ્તારો દ્વારા ગેરકાયદેસર દબાણો થવાથી તળાવોનો વિસ્તાર ઘટી રહ્યો હતો.નેશનલ લેકસ કન્ઝરવેશન પ્લાન ઘડી કાઢવાના હેતુઓ આ પ્રમાણે હતા:

૧. તળાવોમાં થતાં પ્રદૂષણના સ્રોતને શોધી તેને અટકાવવા અથવા તો તેને અન્ય દિશા તરફ વાળી દેવા.

૨. તળાવોમાં ખાણેત્રા કરવા તેમજ વેટલેન્ડ સાઇટના અભિગમને આધિન રહીને બાંધકામ કરવા.
૩. તળાવોના આવકક્ષેત્રનું સિમાંકન કરવું અને તેમાં સુધારણા કરવી.
૪. તળાવની આસપાસ પ્રજાના મનોરંજન માટેની સગવડો જેવી કે, બાલ વાટિકા, બોટિંગ વગેરે શરૂ કરવા.
૫. તળાવો પ્રત્યે લોકજાગૃતિ ઊભી કરવી અને લોકભાગીદારી દ્વારા વિકાસના કામ કરવા.
૬. અન્ય કામગીરી તળાવોના સ્થાન અને માનવ વસતીને ધ્યાનમાં રાખીને કરવી.

આ હેતુઓને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૦૬ સુધીમાં સરકાર દ્વારા ૨૮ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યા જેમાં ૧૨ રાજયોના કુલ ૪૨ તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો અને કુલ ૧૫૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અગીયારમી પંચવર્ષિય યોજનામાં તળાવો માટેના ચોક્કસ વિસ્તારના સર્વેની સાથે તેના સિમાંકન કરી તેના પુન:સ્થાપનની કામગીરીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત તળાવોના આવકક્ષેત્રોમાં પણ સુધારણા કરી તેના રક્ષણ માટેના પણ પગલાઓ લેવામાં આવ્યા હતા. આ બધી જ કામગીરીઓ જે-તે વિસ્તારના લોકોની ભાગીદારી દ્વારા કરવામાં આવ્યા હતા. લોકો આવા કામમાં સહભાગી થાય એ માટે લોકજાગૃતિના કાર્યક્રમોનો સમાવેશ પણ કામગીરીમાં કરવામાં આવેલો હતો.

ધ નેશનલ કમીશન ફોર ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સિઝ દ્વારા દેશના ફ્રેશ વોટરના સ્રોતોની આકારણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં કુલ ૨૪ રિવર બેઝીન સાથે ઉપયોગમાં લઇ શકાય તેવા સપાટીય પાણીના સ્રોતોનું સર્વે કરવામાં આવ્યું હતું. આ સર્વે પ્રમાણે દેશમાં અંદાજિત ૩૨.૮૮ લાખ ચોરસ કિ.મી. આવકક્ષેત્રો સાથે ૧૯૫૨.૮૭ ઘન કિ.મી. પ્રતિ વર્ષ સપાટીય સ્રોતો મળી આવ્યા છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડવોટર બોર્ડ દ્વારા ૪૩૨ ઘન કિ.મી. ફ્રેશ ગ્રાઉન્ડવોટર પ્રતિ વર્ષ ઓળખવામાં આવેલા છે જેમાંથી ૩૯૬ ઘન કિ.મી. ઉપયોગમાં આવી શકે તેવી સ્થિતિમાં છે. ધ નેશનલ કમીશન ફોર ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સિઝ દ્વારા પાણીની વધુમાં વધુ અને ઓછામાં ઓછી જરૂરિયાતનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. આ અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૧૦માં ઓછામાં ઓછી જરૂરિયાત ૬૯૪ ઘન કિ.મી.થી વધુમાં વધુ ૭૧૦ ઘન કિ.મી. હતી. આ અંદાજના અનુસંધાને વર્ષ ૨૦૨૫માં ઓછામાં ઓછી ૭૮૪ ઘન કિ.મી. અને વધુમાં વધુ ૮૪૩ ઘન કિ.મી. જેટલી રહેશે. આ પ્રમાણે જ આ આંકડો વર્ષ ૨૦૫૦માં ૯૭૩ ઘન કિ.મી. ૧૧૮૦ ઘન કિ.મી. સુધી થવાનો અંદાજ છે. આ અંદાજ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે આપણે પાણીનો વપરાશ કાળજીપૂર્વક કરવો જોઇએ અને પાણીના સ્રોતોની જાળવણીના યોગ્ય વ્યવસ્થાપનના પગલાઓ અત્યારથી જ ભરવા જોઇએ.

વસુંધરા ઉપર જીવનની શરૂઆત થઇ એ પહેલા જીવન માટે જરૂરી એવા પાણીની ઉત્પત્તિ થઇ હતી. વસુંધરાનો નક્કર આકાર થયા બાદ કાળક્રમે તેના ઉપર વરસાદ સ્વરૂપે પાણી વરસવાનું શરૂ થયું હતું. વસુંધરાની સપાટી ઉપર આ પાણી વહેવાનું શરૂ થયું અને જે સ્થળે આ પાણીના વહેણમાં આડાશ આવી ત્યાં એ પાણી સંગ્રહ થયું. આમ, કુદરતી રીતે વસુંધરા ઉપર જળાશયો આકાર લેવા માંડયા. આ જળાશયો સમય જતાં તળાવ તરીકે ઓળખાવા લાગ્યા. તળાવમાં જમા થતું પાણી વસુંધરાની સપાટી ઉપર રહેતું અને સાથે-સાથે સપાટી નીચે પણ અનુશ્રવણ દ્વારા જમા થવા લાગ્યુ. વસુંધરા ઉપર જીવનની શરૂઆત થતાં જીવસૃષ્ટિ આ પાણીનો ઉપયોગ કરવા લાગી. જીવનક્રમમાં માનવની ઉ_પતિ થઇ. માનવની વિચારશકિતએ તળાવના પાણીની સાથે સપાટી નીચે જમા થયેલા પાણીનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢયો અને જે રચના અસ્તિ_વમાં આવી તેને કુવો, વાવ, પગથીયાવાળી વાવ જેવા અનેકવિધ નામ આપવામાં આવ્યા. ટેકનોલોજિનો વિકાસ થતાં વસુંધરાના પેટાળમાં જમાં થયેલા પાણીને આજે આપણે બોરવેલ દ્વારા ઉલેચી રહ્યા છીએ. નવી ટેકનોલોજિની સામે વર્ષોથી ચાલી આવતી આપણી જુની ટેકનોલોજિ પણ તળાવોના માધ્યમથી સંસ્કૃતિ સ્વરૂપે આજે પણ હજુ જીવંત છે.
 

Disqus Comment