ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૨

Submitted by vinitrana on Mon, 12/02/2013 - 20:14
આ તળાવો ચરખારીની ચારે તરફ ફેલાયેલા છે. ચરખારીમાં શહેરની બહાર મહોબાના વિજયસાગર તળાવનો આ ભાગ અહીં કોઠી તળાવ(કોઠીતાલ) તરીકે પણ જાણીતું છે. અહીં તળાવના કિનારે એક નાનકડો મહેલ(કોઠી) બાંધવામાં આવેલો છે. કોઠીની નજીક મહાદેવનું મંદિર છે જેમાં મહાદેવનું શિવલીંગ મંદિરના ગર્ભગૃહમાં છે જયારે મંદિરની બહાર તળાવના કિનારે મહાદેવની પ્રતિમા છે. વિજયસાગર તળાવનું જોડાણ જયસાગર તળાવ સાથે કરવામાં આવેલું છે. જયારે વિજયસાગર તળાવ પાણીથી ભરાય જાય ત્યારે કિનારા પાસે આવેલી મહાદેવની પ્રતિમાના પગના અંગુઠાને પાણી અડકે એટલે આ તળાવનું પાણી નાલા દ્વારા જયસાગર તળાવમાં આવે છે. જયસાગર તળાવમાં વાસુદેવ-બાળ કૃષ્ણની પ્રતિમા છે. વાસુદેવના મસ્તક ઉપર વાંસના સુંડલામાં સુતેલા બાળ કૃષ્ણના પગના અંગુઠાને પાણી અડકે એટલે જયસાગર તળાવનું પાણી મલખાનસાગરમાં જાય છે.(હાલના સમયમાં જયસાગર તળાવમાં એક નાનકડું મંદિર દેખાય છે, પણ ઉપર જણાવ્યા પ્રમાણેની પ્રણાલી જોવા મળી ન હતી) આ પ્રમાણે એક પછી એક તળાવમાં પાણી ઠલવાતું રહે છે અને છેલ્લે રતનસાગર તળાવમાં આવે છે. દરેક તળાવ આશરે વીસ ફૂટ ઊંડા છે. કોઠી તળાવમાં તળાવની વચ્ચે જઇ શકાય તેવી રીતે પાકો રસ્તો બનાવેલો છે અને વચ્ચે ગોળાકાર પાકું સ્ટ્રકચર(ભુજના હમીરસર તળાવમાં જેમ લખોટો છે એવું)બનાવવામાં આવેલું છે. અહીં કાફેટેરિયા બનાવીને પર્યટન સ્થાન તરીકે વિકસાવાનું આયોજન કરવામાં આવેલું હતું પણ કેટલાક અનિવાર્ય કારણોસર આ આયોજન પૂર્ણ થવા પામ્યું નથી. જયસાગર તળાવમાં કમળના ફૂળ પૂષ્કળ પ્રમાણમાં થાય છે. શહેરની અંદર આવેલા અન્ય તળાવોની હાલત કોઠી તળાવ અને જયસાગર તળાવ કરતાં બદતર છે. શહેરની અંદર આવેલા તળાવો માનવસર્જિત પ્રદૂષણથી દૂષિત થયેલા છે. મલખાનસાગર તળાવના એક કિનારા પાસે તો શાકભાજી વેચનારાઓનો કબ્જો છે. અહીં પહેલા શાકભાજી વેચનારા ગેરકાયદેસર બેસતા હતાં જેને કારણે તળાવની સુંદરતાની સાથે તેના પાણીનો પણ બગાડ થઇ રહ્યો હતો. જનજાગૃતિના કારણે તેમને ત્યાંથી હઠાવવામાં આવ્યા. શાકભાજી વેચવા માટે શહેરમાં બીજી કોઇ વ્યવસ્થા ઊભી શકે તેમ ન હતી. આથી આ વેપારી વર્ગે રાજકારણનો સહારો લીધો. અણધડ નીતિ અને ગંદા રાજકારણને કારણે આ વેપારી વર્ગને તળાવ પાસેની જગ્યા કાયદેસર રીતે ફાળવી દેવામાં આવી. ખેર, લોકજાગૃતિનો જુવાળ ફરી ઊભો થાય તો આ સુંદર તળાવોની રચનાઓ વધુ દૂષિત થતી બચી શકે. ચરખારીના પૂર્વ મેયર અરવિંદસિહે ચરખારીના તળાવોના રક્ષણ માટેની ઘણી કામગીરી કરી છે અને હજુ પણ કામગીરી નિષ્ઠાથી કરી રહ્યા છે.

વર્ષ ૨૦૦૮માં દુકાળની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે ચરખારીના રહેવાસીઓ માટે આ તળાવોનું મહત્વ વિશેષ રહ્યું. ચરખારીના રહેવાસીઓ આ તળાવોની સફાઇની અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પોતાના ઉપર લીધી છે. જયારે દુકાળ પડે છે ત્યારે સૌથી વધારે કષ્ટ સમાજે ભોગવવું પડે છે નહી કે સરકારે...આ પ્રકારની વિચારધારાનો ફેલાવો થયો ત્યારે ઘણા લોકો પોતાની નૈતિક ફરજ સમજીને તળાવ સફાઇ અભિયાનમાં સ્વયં જોડાયા હતા. લોકોને તળાવો પ્રત્યે સંવેદનશીલ કરવાની ફરજ મહોબાના પુષ્પેન્દ્રસિંહે નિભાવી હતી.

શું પાણીનું પુનરોત્થાન થઇ શકે..?! વ્યાકરણના દ્રષ્ટિકોણથી આ વાકયરચના થોડી અટપટી છે પણ બુંદેલખંડનું વ્યવહારીક વ્યાકરણ આજે આ જ છે. બુંદેલખંડમાં તળાવોની સંસ્કૃતિ ભુલાઇ જતાં પાણીનું વ્યાપારીકરણ થઇ ગયું હતું. વ્યાપારીકરણની આ બજારમાંયી સમાજને મુકત કરવા માટે પુષ્પેન્દ્રસિંહે પાણીનું પુનરોત્થાન કરવાની સમાજમાં પહેલ કરી છે.

'હા, આ પાણીનું પુનરોત્થાન છે. વ્યવસાયિક બજાર સમાજથી પાણી છીનવી રહ્યું છે. આ બજાર દિવસે ને દિવસે વધતી જાય છે. આ બજારને આગળ વધતી રોકવા માટે અમે બુંદેલી નવયુવકોની ટોળીઓ બનાવેલી છે. આ 'બુંદેલી જળ પ્રહરી' પાણીનું બજાર આગળ વધતું અટકાવશે અને પાણી સમાજને ઉપલધ્ધ કરાવશે. સમાજ એ પાણીની બચત કરશે અને તેનું પુનરોત્થાન કરશે.'પુષ્પેન્દ્રસિંહના આ શબ્દોમાં ભારોભાર આત્મવિશ્વાસ છે અને તેમણે આ આત્મવિશ્વાસ લોકોમાં ટકાવી રાખવા જહેમત ઉઠાવી છે. પુષ્પેન્દ્રસિંહ જેવા જ વિચારો ધરાવતાં અને તળાવો બચાવવાની કામગીરીમાં મહત્વનું યોગદાન આપનારા ચરખારી તાલુકાના પૂર્વ ચેરમેન અરવિંદસિંહ પણ કહે છે કે, 'તળાવો હંમેશા સમાજની સંપત્તિ છે. તળાવો ઉપર લોકોનો સામૂહિક હક્ક છે. સરકારે તળાવોને ખાનગી સંપત્તિ તરીકે ગણી લીધી છે. તળાવો જેવી મહામૂલી સંપત્તિ ફરી સમાજના હાથમાં આવે એ માટે સમાજમાં લોકજાગૃતિ હોવી અત્યંત જરૂરી છે.'

[img_assist|nid=46371|title=LAKE OF CHARKHARI|desc=|link=none|align=left|width=400|height=302]પુષ્પેન્દ્રસિંહ કેવળ મહોબા અને ચરખારી પૂરતાં તળાવો બચાવવાની કામગીરી નથી કરતાં પણ તેઓ સમગ્ર બુંદેલખંડમાં પાણીના પુનરોત્થાનનું અભિયાન ચલાવવા માગે છે. આ અભિયાનમાં સમાજ પણ સાથ આપે તથા લોકો તેને પોતાનું કાર્ય સમજીને કરે એવી એમની ઇચ્છા છે. તેમના જેવા અન્ય સમાજસેવકો પણ આ ભગીરથ કાર્યમાં જોડાયેલા છે. સર્વોદય સેવા આશ્રમના અભિમન્યુસિંહ, રાજસ્થાન લોકસેવા આયોગની નોકરી છોડીને આવેલા પ્રેમસિંહ, લોકેન્દ્રસિંહ, ડો. ભારતેન્દ્રુપ્રકાશ જેવા અનેક મહાનુભાવો આ અભિયાનમાં તેમની સાથે જોડાયેલા છે.

છત્તરપુર(મધ્યપ્રદેશ)નગરપાલિકાના અધ્યક્ષ સરદાર પ્યારાસિંહએ તળાવના સફાઇની જવાબદારી પોતાના માથે લીધી છે: 'છત્તરપુરમાં ગ્લાવ મગરા, પ્રતાપસાગર, રાણી તળાવ અને કિશોરસાગર જેવા અનેક તળાવો છે. હું સંકલ્પ લઉં છું કે, અધ્યક્ષ તરીકેનો મારો સમયકાળ પૂર્ણ થાય એ પહેલા આવા અનેક તળાવોની સફાઇ હું કરાવીશ.'

આવા અનેક મહાનુભાવોની સાથે સરકારી વિભાગના અધિકારીઓ પણ અહીના તળાવોને બચાવવાની કામગીરી સાથે જોડાયેલા છે. મહોબા જિલ્લાના કલેકટરશ્રી અનુજકુમાર ઝા ને જયારે ખ્યાલ આવ્યો કે, મહોબાના વિજયસાગર તળાવના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે ત્યારે તેમણે સરકારશ્રી તરફથી ફરિયાદી તરીકે એકી સાથે ૨૦૦ લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે તેમણે અસામાજિક તત્વો સાથે ઘર્ષણમાં ઉતરવું પડયું હતું.

(ક્રમશ:)

વિનીત કુંભારાણા