વડનગરનું શર્મિષ્ઠા તળાવ

ગુજરાતનું વડનગર પ્રાચીન નગર છે. ઐતિહાસીક પૂરાવાઓ એમ કહે છે કે, આ સ્થળે ૪,૫૦૦ વર્ષ પૂર્વે પણ માનવ વસાહત હતી. આખા જગતમાં સાડાચાર હજાર વર્ષોથી જીવંત રહેલા નગરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. ગુજરાતનું વડનગર તેમાંનું એક નગર છે. ભૂતકાળમાં વડનગર ચમત્કારપૂર, આર્નતપૂર, આનંસપૂર, વૃદ્ઘનગર જેવા નામોથી સમયાંતરે ઓળખાતું હતું. વિદ્યા, કલા, સાહિત્ય. સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, વાણિજય અને ઉદ્યોગો માટે આ નગર પ્રખ્યાત હતું. આ નગરની સાથે ઘણી લોકવાયકાઓ જોડાયેલી છે જેમાં શર્મિષ્ઠા તળાવ, નરસિંહ મહેતા અને તાના-રીરીની લોકવાયકાઓ વધારે જાણીતી છે. વડનગરમાં શર્મિષ્ઠા તળાવ મધ્યમાં આવેલું છે અને આ તળાવની આસપાસ ખોદકામ કરતાં માટીના વાસણો, કાપડના અવશેષ, ઘરેણા, હથિયારો વગેરે મળી આવ્યા છે. કેટલાક પુરાતત્વીદોનું માનવું છે કે અહી હરપ્પન વસાહત હતી. ઇતિહાસ પ્રમાણે શરૂઆતમાં અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી કપિલા નદીના તીરે માનવ વસવાટ શરૂ થયો હતો. એ બાદ કપિલા નદીના પાણીથી નિર્માણ પામેલા શર્મિષ્ઠા તળાવની આસપાસ આ વસાહત વિસ્તરણ પામી હતી. કાળક્રમે આ વિસ્તરણે એક મોટા નગરનું સ્વરૂપ ધારણ કર્યુ હતું. વર્તમાન શહેર એક ઊંચા ટેકરા ઉપર વસેલું હોય તેવું લાગે છે. આ ટેકરો કુદરતી નથી પણ માનવ સર્જિત છે. અગાઉના વર્ષોમાં અહીં બંધાયેલા અને નાશ પામેલા બાંધકામોના એક પછી એક થર વડે આ ટેકરો નિર્માણ પામેલો છે. આ થરો છેક નગરની આસપાસની ખેતીની જમીન સુધી પથરાયેલા છે જે આ નગરના રસપ્રદ ઇતિહાસની વાત કરે છે.

[img_assist|nid=47359|title=Sarmistha Lake|desc=|link=none|align=left|width=640|height=427] શર્મિષ્ઠા તળાવનું નામ નરસિંહ મહેતાની દિકરીની દિકરીના નામ ઉપરથી પાડવામાં આવેલું છે. શર્મિષ્ઠા તળાવની પૂર્વે આવેલા એક ઓવારાનું નામ સપ્તર્ષિ છે. લોકો તેને સપ્તર્ષિના આરા તરીકે ઓળખે છે. શર્મિષ્ઠા તળાવમાં કપિલા નદીનું પાણી આ સપ્તર્ષિના આરા દ્વારા આવે છે. આ તળાવ વિશ્વામિત્રી તરીકે પણ જાણીતું છે. ભૂતકાળમાં આ તળાવની ફરતે સુંદર મહાલયો અને દેવાલયો આવેલા હતા. તળાવ ચોમેર સુંદર કોતરણીવાળા પથ્થરોના ઓવારાથી શોભાયમાન હતું. આજે ફકત તેના અવશેષો બાકી રહ્યા છે. શર્મિષ્ઠા તળાવની સાથે તાના-રીરીની લોકવાયકા જોડાયેલી છે જે ખૂબ જ પ્રસિદ્ઘ છે.

સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી. શર્મિષ્ઠાને બે દિકરી હતી જેના નામ તાના અને રીરી હતાં. તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા. બન્ને બહેનો ભૈરવ, વસંત, દિપક, અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી. સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા. એ નવ રત્નોમાં એક તાનસેન હતા. તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાના-રીરી જેટલા નહી. એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું. તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ સળગી ઉઠે પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે. શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો!!! તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવાની સવિનય ના પાડી, પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દિપક રાગ ગાયો અને દિવડાઓ એ રાગ થકી પ્રગટી ઉઠયા. એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડયો. તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગનઝાળને શાંત કરવા મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી વ્યકિતની શોધમાં નીકળ્યા. યોગ્ય વ્યકિતની શોધ કરતાં-કરતાં તાનસેન વડનગર પહોચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો.

વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી. તાના-રીરી પણ આવી. રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જયારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી.'તાના બહેન આ તું શું કરે છે?'કુતુહલવશ રીરીએ તાનાને પુછયું.'રીરી, હું ઘડામાં પાણી ભરૂં છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ.'તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો.

તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યુ અને જયારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર મુકયો. શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા. તાનાની વાત સાંભળીને તેને હાશકારો થયો.

'હું જે વ્યકિતની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે. જે વ્યકિત પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોક્કસાઇપૂર્વક ગાઇ શકે જ.'તાનસેન આમ વિચારતો એ બન્ને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી. એ અગનદાહને શાંત કરવા એ બન્ને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વાત કરી. તાના-રીરીએ પોતાના પિતાની સંમતિ લઇને તળાવ પાસે આવેલા હાટકેÅવર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી. તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી. તાના-રીરીએ મેઘ મલ્હાર છેડયો અને થોડી જ વારમાં મેઘ વરસી પડયો. તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડયો. તાનસેન એ બન્ને બહેનોનો આભાર માન્યો. તાના-રીરીએ આ બાબતની વાત કોઇને ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું. થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને અકબરે તેને પુછયું,'તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો?'

વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી. બાદશાહને સંતોષ થયો નહી એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી. તાનસેનની વાત સાંભળીને અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સેનાપતિઓ તાના-રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા. સેનાપતિઓએ બાદશાહની ઇચ્છા જણાવી પણ તાના-રીરીને કશું અઘટિત લાગતાં દિલ્હી આવવાની ના પાડી. આથી સેનાપતિઓ તાના-રીરીને બળજબરથી દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા. બન્ને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો. ઇષ્ટદેવની પુજા કરી બન્ને બહેનોએ અગ્નિસ્નાન કર્યુ. તાના-રીરી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો. તાનસેને એ બન્ને મહાન બહેનોના માનમાં 'નોમ....તોમ....ઘરાનામા...તાના-રીરી...'આલાપ જગતભરમાં પ્રસિદ્ઘ કર્યો. આજે પણ સંગીતજ્ઞો કોઇપણ આલાપને ગાવાનું શરૂ કરે એ પહેલા નોમ....તોમ....ઘરાનામા...તાના-રીરી...આલાપ ગાઇને તાના-રીરીને શ્રદ્ઘાંજલી અર્પિત કરે છે. વડનગરમાં તાના-રીરીની દેરીઓ આજે પણ હયાત છે. શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા તાના-રીરી બગીચામાં તાના-રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને હજારો દર્શકો દર વર્ષે માણે છે.

વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading