જળ સંસાધન અને આપણે

20 Dec 2014
0 mins read
જળસંસાધનનો મુખ્ય આધાર વરસાદ છે. આ સંદર્ભે સ્થિતિ ચિંતાજનક છે. નદીઓ બારમાસી રહી નથી. વાવ, તળાવ જેવા સ્ત્રોત પ્રદૂષણયુક્ત બન્યા છે. જળવ્યવસ્થાપનની અસરકારક વ્યવસ્થા ગોઠવી શકાઈ નથી. પાણીની તંગીવાળા વિસ્તારોમાંથી થતું સ્થળાંતરણ ચાલુ જ છે. પીવાલાયક પાણી મેળવવા માટે વ્યક્તિએ પાણી માટે થતાં ખર્ચને દૈનિક બજેટમાં સ્થાન આપી દીધું છે. શહેર કે ગામડામાં અમુક કલાક કે દિવસે જ પાણી મળે છે જે પાણીની અછત સૂચવે છે. પાણીનો વપરાશ કરકસરયુક્ત કરવા ટેવાયેલા આપણે તેને જીવનશૈલી તરીકે અપનાવી ચૂક્યા છીએ.

આપણા જીવનનું અસ્તિત્વ જળ પર આધારિત છે. જીવન માટે આવશ્યક પાંચં તત્ત્વો પૈકીનું એક જળ. એટલે જ કહેવાય છે કે, ‘જળ એ જ જીવન’ જળ એ પ્રાકૃતિક સ્ત્રોત છે. જે વિનામૂલ્યે કુદરત તરફથી આપણને પ્રાપ્ત થાય છે. કાળક્રમે થતાં પરિવર્તનો અને વિકાસને પરિણામે આ સ્ત્રોત મનુષ્યોની હરકતથી પ્રભાવિત થયો છે. વર્તમાનમાં શુદ્ધ જળની પ્રાપ્તિ ઉપયોગ, સંગ્રહ અને વ્યસ્થાપન જેવાં પાસાંઓ માનવીના હસ્તક્ષેપથી અસર પામ્યા છે તે નરી વાસ્તવિકતા છે.

જળ અને માનવજીવન


જળ વિના માનવજીવનનું અસ્તિત્વ શક્ય જ નથી. ભૂતકાળના પ્રસંગો, માનવ ઉત્ક્રાંતિ, સભ્ય જીવનનો પ્રારંભ, વિવિધ સંસ્કૃતિઓના વિકાસના ઐતિહાસિક સંદર્ભો સૂચવે છે કે, ‘જળ સ્ત્રોતની વિપુલતાએ માનવીને હંમેશા આકર્ષ્યો છે. એટલે જ નદી કિનારે વસવાટ થતાં વિવિધ સંસ્કૃતિઓ પાંગરી હતી. ભારતીય સંસ્કૃતિમાં અતિથિનો આવકાર જળ આપીને કરાય છે. જળસ્ત્રોત સમી નદીઓને લોકમાતા તરીકે પૂજ્ય ગણાય છે. પાણી માટે પરબો બાંધવી, ચલાવવી એ સંસ્કૃતિમાં જળના મહત્ત્વનું સૂચક છે. આજે જમાનો બદલાયો છે. પ્રેમથી મફત મળતું પાણી હવે વેચાય છે. કુદરતી જળ પર માણસનો ભરોસો ઘટતો જાય છે. તેથી ફેક્ટરીઓમાં પ્રક્રિયા કરેલા પાણીને અનિવાર્ય માને છે. થોડા વર્ષો પૂર્વે સામાન્ય માણસ પાણીવેરાના સામાન્ય ખર્ચથી આખું વર્ષ પાણી મેળવતો. આજે વોટરપ્લાન્ટનું મોઘુંદાટ પાણી વેચાતું લઈ વાપરતો થઈ ગયો છે. આમ, કુદરતદત્ત સ્ત્રોત હવે માનવીની જરૂરિયાતોની જટિલતાને લીધે ખૂબ જ અસર પામ્યો છે. જેનું મૂળ કારણ આપણે જળસ્ત્રોતને મૂળ સ્વરૂપે રહેવા દીધો નથી તે છે. વિચાર કરો બે દાયકાપૂર્વે ગામડામાં તરસ લાગે તો નદી કિનારે વીરડાનું પાણી, ખેતરે કૂવાનું કે તળાવનું પાણી પીવાતું. આજે સ્થિતિ એવી છે કે, આ બધા સ્ત્રોત સૂકાઈ ગયા છે. અને છે તો પીવાને લાયક નથી. ઔદ્યોગિકરણ અને ગ્લોબલ વોર્મિંગને લીધે આજે પીવા લાયક પાણીની સમસ્યાએ વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. જળસંસાધનનો ખ્યાલ અને તે સંબંધી માનવીના જ્ઞાન, કૌશલ્યો અને ક્ષમતાઓના વિકાસની પ્રક્રિયા આજે અનિવાર્ય બની છે.

જળસંસાધન સંબંધી વર્તમાન સ્થિતિ


જળસંસાધનનો મુખ્ય આધાર વરસાદ છે. આ સંદર્ભે સ્થિતિ ચિંતાજનક છે. નદીઓ બારમાસી રહી નથી. વાવ, તળાવ જેવા સ્ત્રોત પ્રદૂષણયુક્ત બન્યા છે. જળવ્યવસ્થાપનની અસરકારક વ્યવસ્થા ગોઠવી શકાઈ નથી. પાણીની તંગીવાળા વિસ્તારોમાંથી થતું સ્થળાંતરણ ચાલુ જ છે. પીવાલાયક પાણી મેળવવા માટે વ્યક્તિએ પાણી માટે થતાં ખર્ચને દૈનિક બજેટમાં સ્થાન આપી દીધું છે. શહેર કે ગામડામાં અમુક કલાક કે દિવસે જ પાણી મળે છે જે પાણીની અછત સૂચવે છે. પાણીનો વપરાશ કરકસરયુક્ત કરવા ટેવાયેલા આપણે તેને જીવનશૈલી તરીકે અપનાવી ચૂક્યા છીએ.

જળસંસાધન અને આર્થિક પ્રવૃત્તિઓ


ભારત કૃષિપ્રધાન દેશ છે. કૃષિનો મુખ્ય આધાર પાણીની મબલખતા પર છે. કહેવાય છે કે ‘ખેડ-ખાતર ને પાણી તેની કિંમત લાવે તાણી.’ ખેડૂતની આર્થિક સ્થિતિ પણ જળસ્ત્રોત પર નભે છે. આજે ખેડૂત કૂવા, બોર, નહેર, અને નવીન પદ્ધતિઓથી સિંચાઈ કરવા લાગ્યો છે. આમ છતાં પાણી સંબંધી ખેડૂતોેની જરૂરિયાત પૂર્ણ રીતે સંતોષાઈ નથી. ખેતી માટે ભૂગર્ભ જળનું દોહન જળસ્તરને નીચું લઈ જાય છે. કેટલાય વિસ્તારો ડાર્ક ઝોન જાહેર કરાયા છે.

ઉદ્યોગોના કદ અને સ્વરૂપ મુજબ પાણીની જરૂરિયાત ઊભી થાય છે. ઉદ્યોગ પાણીનો વિપુલ વપરાશ કરે છે. સાથો સાથ પ્રદૂષિત પાણીના નિકાસના પ્રશ્નો મૂળ જળસ્ત્રોતને પ્રભાવી કરે છે. પાણી વિના ઉદ્યોગોનું અસ્તિત્વ સંભવી ન શકે. આથી જ ઉદ્યોગની સ્થાપના વેળાએ પાણીની ઉપલબ્ધિને કેન્દ્રમાં રાખવામાં આવે છે. લોખંડ, કાપડ, ચોખા, રંગ-રસાયણ, ચર્મ-ઉદ્યોગ પાણીની વિશેષ જરૂરિયાતવાળા ઉદ્યોગો છે. પ્રદૂષણ નિયંત્રણ કાયદા અન્વયે બોર્ડ કાર્યરત છે. આમ છતાં ઉદ્યોગો સામાજિક હિતને નજર અંદાજ કરી ગંદા પાણીને નદી, તળાવોમાં છોડીને કે પુનઃ જમીનમાં વહેવડાવી નિકાલ કરે છે.

પાણીનો વિકસતો ઉદ્યોગ


મીનરલ વાટર અને બોટલિંગનો ઉદ્યોગ આજે ખૂબ જ વિસ્તર્યો છે. કુદરતી પાણીને ‘પ્રોસેસ અને પેકેજિંગ’ના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. પાણીનું પણ હવે મૂલ્ય અંકાય છે. જરૂરિયાતવાળા ૧ લિટરે ૧૨ થી ૧૫ રૂપિયા ચૂકવી શુદ્ધ પાણી મેળવે છે.

જળસંસાધન અને સરકાર


જળના સંગ્રહ અને વિતરણ સાથે સરકાર સંકળાયેલ છે. સરકાર દ્વારા બંધ, વાટર પ્લાન, નહેર, પાણીના વિતરણ માટેની પ્રણાલી અમલમાં છે. લોકોની જરૂરિયાતને પહોંચી વળવા સરકારે આયોજનબદ્ધ માળખું રચ્યું છે. સરકાર પીવાનું વપરાશી તેમ જ ખેતી માટે પાણી પૂરું પાડે છે. જેની સામે ચૂકવાતો ચાર્જ ખૂબ જ અલ્પ કહી શકાય. અછતના સમયે નહેરના પાણી નદીઓમાં નાખવા, તળાવોમાં પાણી ભરવું, પાઈપલાઈનથી પીવાનું પાણી પહોંચાડવું વગેરે કાર્યો દ્વારા સરકારે ઉત્તમ અને નમૂનારૂપ વ્યવસ્થાપન કર્યું છે. રાહતકાર્યો હેઠળ ચેકડેમ, ખેત તલાવડી, તળાવ ખોદકામ કરાવી જળસંચયના માળખાને સમૃદ્ધ બનાવ્યું છે.

જળસંસાધનની વહેંચણી સંબંધી પ્રશ્નો


જળ, જમીન અને જોરું એ ત્રણ કજીયાના છોરું-કહેવત અનુસાર જળ સદીઓથી ઝઘડાનું કારણ બન્યું છે. પાણીનો વપરાશ, નિકાલ અને પ્રાપ્તિ સંદર્ભે વ્યવસ્તિઓ વ્યક્તિઓ વચ્ચે ઝઘડા થાય છે. તો ડેમના પાણી, વીજળીની વહેંચણીના પ્રશ્નો રાજ્યો વચ્ચે ઝઘડાનું કારણ બને છે. જેમ કે કાવેરી જળવિવાદ, નર્મદા જળવિવાદ, આંતરરાષ્ટ્રીય સ્તરે બે રાષ્ટ્રોમાં વહેતી નદીઓના પાણી સંદર્ભે અવારનવાર તંગદિલી સર્જાય છે. જેને પારસ્પરિક સમજૂતીથી ઉકેલવામાં આવે છે. ભારતના પાડોશી રાષ્ટ્રો સાથે સંસાધનના ઉપયોગ અંગે સમજૂતી કરાર થયેલ છે.

જળસંસાધન અને શિક્ષણ


વિકાસની તેજ ગતિમાં માનવી પર્યાવરણીય મૂલ્યો જાળવી શક્યો નથી. પ્રકૃતિ સાથેનો વ્યવહાર અને સંતુલનમાં માનવી વિવેક ભૂલ્યો છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગની અસર તળે જીવી રહ્યો છે. જળસંસાધન આ અસરોથી બાકાત નથી. અતિ વરસાદ, ગરમી, દરિયાનું જળસ્તર વધવું, દરિયાઈ તોફાનો, દુષ્કાળની સ્થિતિ આપણી નજર સામે છે. એટલે જ કહેવાયું છે કે, ‘કુદરત આપણી જરૂરિયાતો સંતોષી શકે પરંતુ લોભને ન પોષી શકે.’ જળસંસાધન સંબંધી સાચી સમજ શિક્ષણ દ્વારા જ કળેવી જળસંસાધન અભિમખુ માનવ સમાજનું નિમાર્ણ કરી શકાય. આ માટે કટેલીક બાબ તો શિક્ષણના માધ્યમથી વિદ્યાથીઓએ સમાજ સમક્ષ રજુ કરવી જોઈએ.
- જળનું મહત્ત્વ સમજાવવું.
- પ્રાકૃતિક સ્ત્રોતો પ્રત્યેનો વિધેયક અભિગમ ધરાવતા કરવા.
- ઉપલબ્ધ સ્ત્રોતનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગનું વલણ કેળવવું.
- પાણીના પુનઃ વપરાશ સંબંધી તકનીકનો વિકાસ કરવો.
- વિજ્ઞાન મેળામાં જળસંસાધનના પ્રોજેક્ટનો અલગ વિભાગ રાખવો.
- જળનો કરકસરયુક્ત વપરાશ કરવા પ્રોત્સાહિત કરતી સિંચાઈ પદ્ધતિઓ વિકસાવવી. અને તે સંબંધી જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવી.
- જળપ્રદૂષણ અને તેની માનવજીવન પરની અસરો સમજાવવી.
- જળસંચયને નાગરિકની ફરજના ભાગ સ્વરૂપે શીખવવું.
- કૂવા રિચાર્જ, ખેત તલાવડી, ચેકડેમ, ખાળકૂંડી, વરસાદી પાણીના સંગ્રહકુંડનું નિદર્શન કરી સમજ કેળવવી.
- પાણીની અછતવાળા વિસ્તારોની મુલાકાત લેવડાવી, ત્યાંના લોકોની સ્થિતિથી પરિચિત કરવા. - પ્રવાસ માટે ડેમ, કૃષિ, રોવર જેવા સ્થળ પસંદ કરવા.
- જળ સંબંધી કુદરતી હોનારતોના સાચા કારણો જણાવવા.
- દરિયાઈ જળસ્તર વધવાના કારણો અને તેની વર્તમાન અને ભાવી અસરોથી વિદ્યાથી ઓને માહિતીગાર કરવા - જળસંસાધન અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવું.
- પાણીનું બંધારણ, પીવાના, વપરાશ યોગ્ય પાણીનું પૃથક્કરણ સમજાવવું.
- મીનરલ પાણીના વપરાશ પાછળનું ખર્ચ વિગતોથી માહિતગાર કરવી.
- પ્રસાર માધ્યમો દ્વારા જળસંસાધનો પ્રત્યે જનજાગૃતિ કેળવી શકાય.

આમ, જળસંસાધન અને માનવીએ અસ્તિત્વ માટે પરસ્પરાવલંબી બનવું પડશે. માણસ જળસંસાધન સબંધી જેટલું જ્ઞાન, કુશળતા અને ક્ષમતાઓ કેળવશે તે જ સુખમય જીવન માટે રાહબર બનશે.

ડા. ભાવેશ રાવલ
( લેખક ઇન્ચાર્જ આચાર્ય : શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય, પાંડેસરા, સુરતમાં છે.)
સંકલનઃ કંચન કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading